Madhya Gujarat

ચુણેલના ચકચારી વાંસ કૌભાંડમાં તત્કાલિન સરપંચ, તલાટી સહિત 10 સામે ગુનો નોંધાયો

નડિયાદ : મહુધા તાલુકાના ચુણેલ ગામના અતિચકચારી વાંસકૌભાંડ આખરે પોલીસ ચોપડે ચડ્યું છે. જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ બાદ મામલો જિલ્લા વિકાસ અધિકારી સાથે પહોંચ્યો હતો. આખરે તેઓએ સમગ્ર કૌભાંડમાં જવાબદાર તત્કાલિન તલાટી, સરપંચ, ડેપ્યુટી સરપંચ, અધિક મદદનીશ ઇજનેર સહિત 10 સામે ફરિયાદ કરવા હુકમ કરતાં તંત્ર દોડતું થયું હતું અને આખરે વિસ્તરણ અધિકારીએ મહુધા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

મહુધા તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને આઈઆરડી શાખામાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં તેજસભાઈ ગઢવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચુણેલ ગ્રામ પંચાયતના ગૌચરમાં વાંસ પ્રોજેક્ટનું કામ કરવા 15મી જૂન, 2014ના રોજ વહીવટી મંજુરી માંગવામાં આવી હતી. જે સંદર્ભે 3જી જુલાઇ 2014 થી ચુણેલ ગામે વાંસ પ્રોજેક્ટના ભાગ-1થી ભાગ-9 મળી કુલ રૂ.43,00,910ની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેના આધારે કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ 10મી સપ્ટેમ્બર,2016ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રૂ.12,85,224નો મજુરી ખર્ચ અને રૂ.4,78,406ની રકમ માલ સામાન ખર્ચ થયો હતો. આ બન્ને મળી કુલ રૂ.17,63,630નો ખર્ચ ઉધારવામાં આવ્યો હતો.

આ બાબતે ગામના કમલેશભાઈ ચૌહાણે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અરજી કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. આ અરજીની તપાસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સોંપવામાં આવી હતી. તેઓએ રિપોર્ટમાં કામમાં ભ્રષ્ટાચાર થયા અને જવાબદારો સામે ખાતાકીય રાહે પગલાં ભરવા જણાવ્યું હતું. વધુ તપાસ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયા દ્વારા ગ્રામ પંચાયતના રેકર્ડ ચકાસણી તથા ગૌચરમાં વાંસ પ્રોજેક્ટની સ્થળ તપાસણી કરતા મનરેગા યોજનાના હોદ્દેદારો, પદાધિકારી, કર્મચારીઓએ રૂ.17,63,630નો ભ્રષ્ટાચાર આચરી ઉચાપત કરી હોવાનું જણાવ્યું હતું. આ અહેવાલમાં કુલ દસને જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં. આ તમામ સામે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચુણેલ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સંદર્ભે ટીડીઓએ ગુનો નોંધવા હુકમ કર્યો

મહુધા તાલુકા વિકાસ અધિકારી તરીકે ડો. જબુકા એ. કોટડીયાએ 26મી જુલાઇ, 2021ના રોજ ચુણેલ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો સને 2012થી આજદિન સુધીમાં આચરેલા ભ્રષ્ટાચાર બાબતની તપાસ અન્વયે વાંસ પ્રોજેક્ટ, ગેરરીતિ તેમજ છેતરપિંડી અને નાણાંકીય ઉચાપત થયેલી. જે બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો.

રાજકીય નેતાના ઉધામા છતાં કશું વળ્યું નહીં

ચુણેલના વાંસ કૌભાંડને દબાવવા શામ, દામ, ભેદ, દંડ નીતિ અપનાવવામાં આવી હતી. કેટલાકે તો કોંગ્રેસ છોડી ભાજપની ઓથ પણ લીધી હતી. પરંતુ આ કારી ફાવી નહતી. આખરે વાંસ કૌભાંડમાં પોલીસ ફરિયાદ થતાં દસેય કર્મચારી, પદાધિકારીઓ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.

ભ્રષ્ટાચારમાં કોણે – કોણે શું ભાગ ભજવ્યો ?

એચ.એમ. ચાવડા, તલાટી કમ મંત્રી (હાલ નિવૃત્ત) : મનરેગા કામ હેઠળ ગેરરીતિ હોવાનું જાણવા છતાં મસ્ટરમાં સહીઓ કરી ગેરરીતિની ઉપર અધિકારીને જાણ ન કરી સરકારના નાણાનો લાભ મેળવવામાં સહભાગી થયાં હતાં.

આર.એ. વાઘેલા, તલાટી કમ મંત્રી, હાલ રામોલ : મનરેગા કામ હેઠળ ગેરરીતિ હોવાનું જાણવા છતાં મસ્ટરમાં સહીઓ કરી ગેરરીતિની ઉપર અધિકારીને જાણ ન કરી સરકારના નાણાનો લાભ મેળવવામાં સહભાગી થયાં હતાં.

હસમુખ નાથાભાઈ પટેલ, માજી સરપંચ : તેઓએ સરપંચના હોદ્દાની રૂએ પોલીસ કેસ કે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત ન કરી વાંસ પ્રોજેક્ટના મસ્ટરમાં સહી કરી નાણાનો લાભ મેળવવામાં સહભાગી થયાં છે.

મહેશકુમાર મણીભાઈ મકવાણા, માજી જીઆરએસ (હાલ નોકરીમાં નથી) : જીઆરએસ તરીકે વાંસ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત ન લઇ શ્રમિકોનો જોબકાર્ડ વેરીફિકેશન તથા સાચા શ્રમિકોની હાજરી ન લઇ સરકારના નાણાંનો લાભ મેળવવામાં સહભાગી થયાં છે.

ગણપતસિંહ રઇજીભાઈ, જીઆરએસ (હાલ નોકરીમાં નથી) : વાંસ પ્રોજેક્ટમાં સ્થળની મુલાકાત ન લઇ શ્રમિકોનો જોબકાર્ડ વેરીફિકેશન તથા સાચા શ્રમિકોની હાજરી ન લઇ સરકારનાં નાણાંનો લાભ મેળવવામાં સહભાગી થયાં છે.

વિજય પ્રભાતસિંહ ભોજાણી, ટેકનીકલ આસીસ્ટન્ટ (હાલ નોકરીમાં નથી) : સ્થળ પર મુલાકાત ન લઇ પ્રોજેક્ટના પ્લાન એસ્ટીમેન્ટ મુજબની કાર્યવાહી ન કરી, મસ્ટરોના ચુકવણાં માટે એમબી રેકર્ડ ચેક ન કરી સરકારના નાણાનો લાભ મેળવવામાં સહભાગી થયાં છે.

જીતેન્દ્ર રઘુનંદન ગોસાઇ, ટેકનીકલ આસીસ્ટન્ટ (હાલ તાલુકા પંચાયત, નડિયાદ) : સ્થળ ઉપર મુલાકાત ન લઇ પ્રોજેક્ટના પ્લાન એસ્ટીમેન્ટ મુજબની કાર્યવાહી ન કરી, મસ્ટરના ચુકવાણાં માટે એમ.બી. રેકર્ડ ચેક ન કરી સરકારના નાણાનો લાભ મેળવવામાં સહભાગી થયાં છે.

તેજસભાઈ શાહ, અધિક મદદનીશ ઇજનેર : મનરેગા વાંસ પ્રોજેક્ટમાં સ્થળ મુલાકાત ન લઇ માત્ર ટેલિફોનિક ખાત્રી દ્વારા જ સહીઓ કરી ગેરરીતિ કરવામાં સહભાગી થયાં છે.

પંકજ જે. પ્રજાપતિ, એપીઓ : સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન માત્ર બે જ વાર સ્થળ મુલાકાત લઇ શ્રમિકોના જોબકાર્ડ વેરીફિકેશન તથા અન્ય કર્મચારી દ્વારા પણ વેરીફિકેશન ન કરાવી મનરેગાના કામોની શરતો મુજબ કામ શરૂ કર્યા પહેલાનાં, કામ પ્રગતિમાં હોય ત્યારનાં, કામ પૂર્ણ કર્યા અંગેના ફોટો રજુ કરવાના હોવા છતાં પ્રોજેક્ટના ચુકવણી માટે ફાઇલો, મસ્ટર ફોટા વિના જ સ્થળ પરની સાચી સ્થિતિનો ક્યાસ મેળવ્યા વિના જ ચુકવણાં કરી ગેરરીતિ કરવામાં સહભાગી થયાં છે. અગાઉ રજુ કરેલા અહેવાલ તદ્દન બોગસ અને ખોટી સહીઓ વાળો રજુ કરેલો છે. આ તપાસમાં મોટાભાગના શ્રમિકોની ખોટી સહીઓ છે. માત્ર અમુક જ સાચા શ્રમિકોની સહી છે. પરંતુ શ્રમિકોને અંધારામાં રાખી તપાસના જવાબ વાચી, સાંભળ્યા વિના માહિતીના અભાવ અને ઓછી જાગૃતિનો લાભ લઇ તેઓની સહીઓ લેવામાં આવી હોવાનું શ્રમિકોએ તેમના જવાબમાં કબુલ કર્યું છે. આ ઉપરાંત સ્થળ સ્તિતિ કે વિગતે તપાસ કરવામાં આવેલી નથી. તપાસમાં પંચક્યાસ તથા શ્રમિકોના જવાબ કેવી રીતે લેવા તે બાબતનો નમુનારૂપ પંચક્યાસ, જવાબો પણ એપીઓએ તૈયાર કરી વિક્રમસિંહ રાઓલજીને આપી વાંસ પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિને છુપાવવા માટે ખોટો અહેવાલ રજુ કરી ગેરરીતિ કરવામાં સહભાગી થયાં છે.

વિક્રમસિંહ રાઓલજી (તત્કાલીન ડેપ્યુટી સરપંચ) : તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કાજલબહેન આંબલીયાના તપાસ રિપોર્ટમાં વિક્રમસિંહ રાઓલજીએ ખોટા ખાતા ખોલવા, શ્રમિકો અને કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા, શ્રમિકોને અંધારામાં રાખી નાણાં ઉપાડવા, દસ્તાવેજોનો દુરૂપયોગ કરવા જવાબદાર ગણવામાં વ્યાં હતાં.

Most Popular

To Top