સુરત: સુરત શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની કામગીરી માટે રૂટમાં આવતા ઘણાં નડતરરૂપ સ્ટ્રક્ચરો તોડવામાં આવી રહ્યા છે. મનપાના ઘણાં સર્કલ પણ મેટ્રોના રૂટમાં આવતા હોય, તે પણ તોડી પડાયા છે. હવે મનપાના ત્રણ ફૂટ ઓવરબ્રિજ પણ મેટ્રોના રૂટમાં આવતા હોવાથી તેને તોડી પાડવામાં આવશે.
- મેટ્રો રેલ કોર્પોરેશન મનપાએ બ્રિજ પાછળ ખર્ચેલા 3 કરોડ ચૂકવશે
- સિવિલ હોસ્પિટલ અને માનદરવાજાના ફૂટ ઓવરબ્રિજમાં પણ તોડફોડ થશે
સુરત મેટ્રો રેલ પ્રોજેકટના કોરીડોર-2ના રૂટમાં અઠવા ચોપાટી પાસેના ફૂટ ઓવરબ્રિજ તેમજ સિવિલ હોસ્પિટલ અને માનદરવાજા પાસેનો ફુટ ઓવરબ્રિજ નડતરરૂપ હોવાથી તેને દૂર કરવા તેમજ સ્ટ્રકચરલ ફેરફાર કરવા માટે શાસકોની મંજૂરી માગવામાં આવી હતી, જેને સ્થાયી સમિતિમાં મંજુરી આપવામાં આવી છે.
સુરત મેટ્રોમાં શહેરમાં બે ફેઝમાં કામગીરી થઈ રહી છે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી સરથાણા તેમજ બીજો ફેઝ સારોલીથી ભેંસાણ છે. બીજો ફેઝ એલીવેટેડ હોય આ રૂટમાં મેટ્રોનો બ્રિજ બની રહ્યો છે. ત્યારે આ રૂટમાં નડતરરૂપ અઠવા ચોપાટી પાસેનો ફુટ ઓવરબ્રિજ તેમજ સિવિલ હોસ્પિટલ અને માનદરવાજા પાસેના ફુટ ઓવરબ્રિજ તોડી પાડવામાં આવશે. જેમાં અઠવા ચોપાટી પાસેનો ફૂટ ઓવરબ્રિજ સંપુર્ણ તોડી પડાશે, જ્યારે સિવિલ હોસ્પિટલ અને માનદરવાજા પાસેના ફુટ ઓવર બ્રિજનો અંશત: ભાગ તોડવા માટેની પરવાનગી માંગવામાં આવી છે.
અઠવા ચોપાટી પાસેનો બ્રિજ મનપા દ્વારા 3 કરોડના ખર્ચે સાકાર કરાયો હતો, જે રકમ મનપા મેટ્રો પાસેથી વસૂલશે. સંપૂર્ણ રકમ મનપાને જમા કરાવ્યા બાદ જ મનપા આ બ્રિજ તોડવાની પરવાનગી આપશે તેમ સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું.
