SURAT

સુરતમાં દારૂ ઘુસાડવા કન્ટેનરની ડ્રાઈવીંગ સીટ નીચે બનાવ્યું ચોરખાનું, પોલીસ પણ જોઈને ચોંકી ઉઠી

સુરતઃ ગુજરાતમાં દારૂબંધી હોઈ બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે. આવી જ એક તરકીબનો ખુલાસો થયો છે. સુરતમાં દારૂ ઘુસાડવા માટે કન્ટેનરના ડ્રાઈવરની સીટની નીચે ચોરખાનું બનાવાયું હતું, જેને પોલીસે પકડી પાડ્યું છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે. હેરાફેરી માટે આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોર ખાનું તૈયાર કર્યું હતું. જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા. હરિયાણા પાસિંગના આ કન્ટેનરમાંથી 1552 બોટલ દારુ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ડીંડોલી પોલીસે બાતમીના આધારે હરિયાણા પાસિંગના ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવેલો ઝડપ્યો હતો. પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. હરિયાણા પાસિંગ HR 55AA 3860 કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1552 બોટલો મળી આવી હતી. પ્રોહિબિશનના મુદામાલ તથા પાઇલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આખું કન્ટેનર ચેક કર્યું હતું પરંતુ પોલીસને કંઈ મળ્યું નહોતું. પરંતુ આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસને ચોક્કસ માહિતી હતી. જેના કારણે પોલીસે બુટલેગર અન્ય કઈ જગ્યાએ વિદેશી દારૂ છુપાઈ શકે તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આખરે કન્ટેનરમાં ડ્રાઇવરના ઉપર ભાગે ચોરખાનું મળી આવ્યું હતું.

Most Popular

To Top