નરેન્દ્ર મોદી જાણે ઇન્દિરા ઇઝ ઇન્ડિયાની યાદ અપાવે છે. લોકસભાની 543 બેઠકો પર ઉમેદવાર કોઇ પણ હોય ચહેરો તો મોદીનો જ છે. જેના પરથી વર્ષો પહેલાંનું દેવકાંત બરૂઆ નામના નેતાનું એક સૂત્ર યાદ આવી ગયું. ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ બરાબર એવું જ મળતું આવતું વાક્ય સી.આર. પાટિલનું હોય એવું લાગે છે. મતલબ કે તમામ ઉમેદવારોની પોતાની કોઇ કાબેલિયત નથી પરંતુ નામ પર ચૂંટાઇ જશે.
જેમાં મતદારોએ પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી નથી. ઉમેદવાર સામે નારાજગી હોય તો માફ કરીને નરેન્દ્ર મોદીને મત આપી રહ્યા છે. એમ માની મતદાન કરવાનું છે. તો રાતોરાત આવેલા પક્ષપલ્ટુ અર્જુન મોઢવાડીયા વિને પણ માફ કરવાના છે? ખરેખર ઉપરોકત નિવેદનમાં ભૂતકાળના બરૂઆ જેવી ચાપલુસી અથવા વ્યક્તિપૂજા જેવો અર્થ નીકળે છે. બાકીનું મતદારોએ વિચારવાનું છે.
સુરત – કુમુદચંદ્ર કૃષ્ણમુખ જરીવાલા સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સૌથી મોટા લોકશાહી દેશની સંસદીય ચૂંટણીમાં બિનહરીફ થવું એટલે?
લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ “ચૂંટણી”દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતની સૌથી મહત્ત્વની સુરત સંસદીય મત વિસ્તારની બેઠક બિનહરીફ થઈ છે. આ બેઠક ઉપરથી લોકોનો જનાદેશ મેળવીને દેશના વડા પ્રધાનપદે આરૂઢ થનારા મોરારજી દેસાઈ હતા. જીવનમાં હાર અને જીત અવિભાજ્ય અંગ છે. સદર ચૂંટણી બિનહરીફ થઈ એટલે સરકાર પરનો નાણાંકીય બોજ ઘટ્યો, પણ સાથે સાથે એક વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે માનવીનું મૂલ્યાંકન સ્પર્ધા દ્વારા જ થઈ શકે.
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ખબર પડશે કે ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી જેવા અનેક દિગ્ગજોની હાર થઈ હતી અને તેઓ હારને પચાવી જાણી ફરીથી જનાદેશ મેળવીને સત્તા પર આરૂઢ થયા હતા. ખુદ અટલબિહારી વાજપેયી પણ કહેતા કે લોકશાહીમાં વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ કે જેથી હકારાત્મક વિરોધ કરી શકાય.અંતે લોકશાહી એકપક્ષીય નહિ, લોકપક્ષીય હોવી જોઈએ.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.