National

ચિરાગ પાસવાન LJP સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા, CM નીતિશ કુમારે સાંસદો સાથે કરી મીટિંગ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ત્યારે ભાજપની (BJP) આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સાથે કોંગ્રેસના (Congress) નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક (India Block) પણ દિલ્હીમાં સતત બેઠકો કરી રહ્યું છે. તેમજ આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારે મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે તેવી સંભાવના છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા હાથે બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને ભાજપને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે એનડીએના સાથી પક્ષોની બેઠકોના આધારે એનડીએની જીત થઇ હતી. બીજી બાજુ વિપક્ષી ઇન્ડીયા બ્લોકને 234 બેઠકો મળી હતી. ત્યારે બુધવારે વડાપ્રધાન મોદીએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ મુર્મુને સોંપ્યું હતું. ત્યાર બાદ નવી સરકારમાં ક્યું પદ કોને મળશે તેની કવાયત શરૂ થઇ હતી.

નવા મંત્રીમંડળની કવાયત દરમિયાન આજે એટલે કે 7 જૂન 2024 શુક્રવારના રોજ જેડીયુ પાર્ટીના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાને તેમના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં LJP સંસદીય દળના નેતા તરિકે બિહારની પાંચ બેઠકો ઉપર જીત મેળવનાર સાંસદ ચિરાગ પાસવાનની પસંદગી કરવામાં આવી હતી.

ચિરાગ પાસવાન LJPR સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા
લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાનને પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચિરાગ પાસવાને બિહારની પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો જીતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ચિરાગ પાસવાનને મોદી કેબિનેટમાં મહત્વની જવાબદારી આપવામાં આવે તેવી પણ સંભાવના છે.

ગઠબંધન સરકારમાં કેટલું સમાધાન થશે?
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રમાં ફરી એકવાર NDAની સરકાર બનવા જઈ રહી છે. આ અંગે શનિવારે 8 જૂને NDA સંસદીય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ અને એનડીએના સાથી પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદો હાજર રહેશે.

આ સાથે જ ભાજપ અને એનડીએના ઘટક પક્ષો દ્વારા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, વિધાનસભા અને વિધાન પરિષદના ફ્લોર લીડર અને ભાજપના તમામ રાષ્ટ્રીય અધિકારીઓ, પ્રદેશ પ્રમુખો અને તમામ મોરચાના પ્રમુખો પણ હાજર રહેશે. ત્યારે આ બેઠક પહેલા જેપી નડ્ડા અને અમિત શાહ ગુરુવારે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમજ સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં નવા કેબિનેટ મંત્રીઓના નામ પર ચર્ચા થઈ હતી.

Most Popular

To Top