ભારતે સોમવારે ચીની લીંક ધરાવતા વધુ ૫૪ મોબાઇલ એપ્સને બ્લોક કર્યા હતા જેમાં ગેમિંગ એપ્લિકેશન ગેરેના ફ્રી ફાયર ઇલ્યુમિનેટ, ટેનસેન્ટ શ્રાઇવર, નાઇસ વીડિયો બઇડુ અને વિવા વિડીયો એડિટરનો સમાવેશ થાય છે. સુરક્ષા અને પ્રાઇવસીને લગતી ચિંતાઓને કારણે આવું કરાયું છે એમ કહેવામાં આવ્યું છે. ૨૦૨૦માં ભારતે ચીન સાથે લડાખમાં સંઘર્ષ પછી પહેલી વાર મોટા પાયે ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, ૨૦૨૦માં બે થી ત્રણ વખત કરીને અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો તેના પછી ૨૦૨૨માં આ પ્રથમ મોટું પગલું ભરવામાં આવ્યું છે. આમ તો ચીન આખા વિશ્વમાં હાર્ડવેર અને સોફ્ટવેરની બાબતમાં છવાઇ ગયું છે અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ પણ ખાસ કરીને મોબાઇલ ફોન્સને લગતી ઘણી બાબતોમાં ચીન પર સીધી કે આડકતરી રીતે આધાર રાખવો પડે છે. ચીની મોબાઇલ એપ્લિકેશનો વિશ્વના ઘણા બધા દેશોમાં ખૂબ પ્રચલિત થઇ છે અને અનેક દેશો માટે તો આ એપ્સ પર પ્રતિબંધ મૂકવો પણ ખૂબ મુશ્કેલ છે, તેવા સંજોગોમાં ભારતે ચીનની સંખ્યાબંધ મોબાઇલ એપ્સ પર ઉપરાછાપરી પ્રતિબંધો મૂકીને ખરેખર હિંમત બતાવી છે અને વિશ્વ સમક્ષ દાખલો બેસાડ્યો છે.
હાલમાં જે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકાયો છે તે ૫૪ એપ્સ કથિતપણે વિવિધ ક્રિટિકલ પરમિશનો મેળવતા હતા અને યુઝરોનો સંવેદનશીલ ડેટા ભેગો કરતા હતા. ભેગા કરવામાં આવતા રિઅલ ટાઇમ ડેટાનો દુરૂપયોગ થતો હતો અને શત્રુ દેશોમાં આવેલા સર્વરોને આ ડેટા મોકલવામાં આવતો હતો અને એ બાબતને ધ્યાનમાં લઇને આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું છે. પ્રતિબંધિત કરવામાં આવેલા એપ્સ કથિતપણે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતા પ્રત્યે પૂર્વાગ્રહયુક્ત પ્રવૃતિઓમાં સંડોવાયેલા હતા અને ભારત દેશ અને તેના સંરક્ષણ સામે ગંભીર ખતરો ઉભો કરતા હતા એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ પ૪ એપ્લિકેશનો બ્લોક કરવા માટે આઇટી મંત્રાલયે વચગાળાના આદેશો જારી કર્યા હતા.
ગૃહ મંત્રાલયની વિનંતીને આધારે આ આદેશો જારી કરાયા હતા. ઘણા ચીની એપ્સ પર ૨૦૨૦માં પ્રતિબંધ મૂકાયા બાદ આ ક્રેકડાઉન એ આ વર્ષનું આવું પ્રથમ પગલું છે. જૂન ૨૦૨૦માં ભારત સરકારે ચીની લિંક ધરાવતા પ૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો જેમાં વ્યાપક લોકપ્રિય ટિકટોક એપ અને યુસી બ્રાઉઝરનો સમાવેશ થતો હતો. ૨૦૨૦નું બાન ચીની દળો સાથે લડાખમાં એલએસી પર ભારતીય દળોની મડાગાંઠના પછી આવ્યું હતું, જે પ્રતિબંધમાં અનેક જાણીતી ચીની એપ્સ પ્રતિબંધિત કરી દેવાઇ હતી જેમાં વીચેટ અને બિગો લાઇવ, વિગો વીડિયો, મી વીડિયો કોલ- શાઓમી, હેલો, લાઇકી, કેમસ્કેનર, ક્લેશ ઓફ કિંગ્સ ગેમ અને ઇ-કોમર્સ એપ્સ ક્લબ ફેકટરી અને શેઇનનો સમાવેશ થતો હતો. તેના પછી સરકારે વધુ ૪૭ ચીની એપ્સને બાન કર્યા હતા જેઓ અગાઉ બ્લોક કરાયેલા ચીની એપ્સના ક્લોન્સ અને વેરિઅન્ટ્સ હતા.
તે જ વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે વધુ ૧૧૮ મોબાઇલ એપ્લિકેશનોને બ્લોક કરી હતી જેમાં લોકપ્રિય ગેમિંગ એપ પબજીનો પણ સમાવેશ થતો હતો જેમને સરકારે દેશના સાર્વભૌમત્વ, અખંડિતા અને સંરક્ષણ માટે જોખમરૂપ ગણાવ્યા હતા. હાલ બ્લોક કરાયેલા ૫૪ એપ્સમાં નાઇસ વીડિયો બઇડુ અને વિવા વીડિયો એડિટર ઉપરાંત કેટલાક જાણીતા એપ્સ સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા – સેલ્ફી કેમેરા, રાઇઝ ઓફ કિંગડમ્સ: લોસ્ટ ક્રુસેડ, વિવા વિડીયો એડિટર, ટેન્સેન્ટ એક્સરીવર અન્યો વચ્ચે. તાજા ઓર્ડર મુજબ પ્રતિબંધિત અન્ય એપ્સમાં ગેરેના ફ્રી ફાયર ઇલ્યુમિનેટ, એસ્ટ્રાક્રાફ્ટ, ફેન્સીયુ પ્રો, મૂનચેટ, બારકોડ સ્કેનર – QR કોડ સ્કેન અને લિકા કેમનો સમાવેશ થાય છે. હાલ પ્રતિબંધ મૂકાયેલા એપ્સમાં ફ્રી ફાયર ગેઇમનો પણ સમાવેશ થાય છે. ઓનલાઇન રમી શકાતી આ રમત ભારતમાં ખાસ કરીને કિશોર અને તરૂણ વર્ગમાં ખૂબ લોકપ્રિય છે અને પબજી પર પ્રતિબંધ વખતે ભારત સરકારે જેવી હિંમત બતાવી હતી તેવી જ હિંમત આમાં પણ બતાવી છે.
સોશ્યલ મીડિયા એપ ટીકટોક, ઇન્ટરનેટ બ્રાઉઝર યુસી બ્રાઉઝર અને પબજી તથા ફ્રી ફાયર જેવા ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકવો ખૂબ મુશ્કેલ છે કારણ કે આ એપ્સ ખૂબ લોકપ્રિય અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી આવી છે. અમેરિકાએ પણ ટીકટોક પર પ્રતિબંધ મૂકવા પછી કેટલીક બાંધછોડ કરવી પડી છે. પાકિસ્તાને તો નૈતિકતા જેવા કારણોસર ટીકટોક પર અનેક વખત પ્રતિબંધ મૂક્યો અને પાછો ખેંચી લીધો! આના પ્રમાણમાં ભારત સરકાર પ્રતિબંધની બાબતમાં મક્કમ રહી છે. પબજી પર પ્રતિબંધ વખતે કેટલોક કચવાટ પણ થયો હતો પરંતુ સરકારે તે ગણકાર્યો નહીં. ભારત સરકાર ચીની એપ્સ પર બેધડક પ્રતિબંધ મૂકી શકે છે તેનું એક અગત્યનું કારણ એ પણ છે કે ભારતમાં સોફ્ટવેર એન્જિનિયરિંગની બાબતમાં પ્રગતિ ખૂબ સારી છે અને ઘણા બધા નિષ્ણાતો કોઇ પણ એપ્સનો વિકલ્પ રજૂ કરી દઇ શકે તેવી નિપૂણતા ધરાવે છે.
ટીકટોક પર પ્રતિબંધ પછી તેના જેવી જ બીજી એપ્સ થોડા જ સમયમાં ભારતીય ડેવલપરોએ બનાવીને મૂકી દીધી. પબજી કે ફ્રી ફાયર જેવી ગેમ્સની બાબતમાં આ થોડું મુશ્કેલ હશે પણ અશક્ય નથી. બીજી બાજુ, ભારતની પ્રજાનો પણ સરકારને આવી બાબતોમાં સહકાર સારો છે અને અમેરિકામાં જે રીતે આવા પ્રતિબંધો વખતે વિરોધ થાય છે તેવું અહીં નથી થતું, અને તેને કારણે પણ સરકાર સરળતાથી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી શકે છે. ભારત જેવા વિશાળ બજારને ગુમાવીને ચીની કંપનીઓએ સહન તો કરવું જ પડ્યું હશે, પછી ભલે તેઓ એમ કહેતા હોય કે અમને કોઇ ફેર પડતો નથી. જો ચીનથી ત્રસ્ત બધા દેશો ભારત જેવી હિંમત બતાવે તો આ એપ્સ વિકસાવતી ચીની કંપનીઓની બાઇ બેસી જાય.