National

#BoycottChina ખાલી કાગળ પર, કેન્દ્રએ ચાઇનીઝ કંપનીને 1000 કરોડનો પ્રોજેક્ટ આપ્યો

નવી દિલ્હી (New Delhi): છેક જૂન મહિનાથી સરહદ પર આક્રમક વલણ બતાવનારા ચીનનો (India China Face Off) આપણે જોર શોરથી બહિષ્કાર કર્યો (#BoycottChina). સરકારે આત્મનિર્ભર ભારતના (Aatma Nirbhar Bharat #आत्मनिर्भरभारत) અનેક સૂત્રો અને ભાષણો આપ્યા પછી પાછલા બારણે ચીની કંપનીને 1000 કરોડનો પ્રોજેક્ટ આપવાની શી જરૂર પડી? સમાચાર આવ્યા છે કે નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ દિલ્હી-મેરઠ RRTS (Rapid Railway Transport System) પ્રોજેક્ટ માટે નવા અશોક નગરથી સાહિબાબાદ સુધી 5.6 કિમી લાંબા ભૂગર્ભ માર્ગના નિર્માણ માટે ચાઇનીઝ કંપની સાથે કરાર કર્યો છે. ચીની કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ લિ.ને આ પ્રોજેકટ અપાયો છે.

બીજી તરફ, સરકાર દલીલ કરે છે કે રેપિડ રેલ્વે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ કરતી એનસીઆરટીસીએ બધી કાયદેસરની પ્રક્રિયા અને માર્ગદર્શિકા મુજબ આ કરાર કર્યો છે. જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ કોઇ નાની કિંમતનો નથી, આ પ્રોજેક્ટ 1000 કરોડનો છે. આ મુદ્દે હવે વિપક્ષ સહિત RSS પણ સરકાર પર ચઢી બેઠી છે. RSSની સહયોગી સંસ્થા “સ્વદેશી જાગરણ મંચે” સરકારને આ બોલી રદ કરવાની માંગ કરી છે. સ્વદેશી જાગરણ મંચ ભૂતકાળમાં ચીનનો પ્રબળ વિરોધી રહ્યો છે. આ સંગઠને સરકારને ચીની કંપનીને આપવામાં આવેલ કરાર રદ કરવાની અને તેના બદલે સ્વદેશી કંપની બનાવવા માંગ કરી છે.

સ્વદેશી જાગરણ મંચનો દાવો છે કે જો સરકારે આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવું છે, તો ચીની કંપનીઓને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં બોલી લગાવવાનો અધિકાર હોવો જોઈએ નહીં. સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ કન્વીનર અશ્વની મહાજને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીને ચીની કંપનીની બોલી રદ કરવા જણાવ્યું છે.

બીજી બાજુ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલય કહે છે કે આ કરારને નિર્ધારિત પ્રક્રિયા અને માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવ્યો છે અને ભારતીય કંપનીઓને સંપૂર્ણ તક આપવામાં આવી હતી. જણાવી દઇએ કે 9 નવેમ્બર, 2019 ના રોજ ન્યૂ અશોક નગરથી દિલ્હી ગાઝિયાબાદ મેરઠ આરઆરટીએસ કોરિડોર સાહિબબાદ સુધીની ટનલના નિર્માણ માટે પાંચ કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં ચીની કંપનીએ સૌથી ઓછી 1126 કરોડ રૂપિયાનું કવૉટેશન આપ્યુ હતુ. ટાટા પ્રોજેક્ટ લિ.એ (Tata Project Ltd.) કોરિયાના એસકેઇસીના સહયોગથી બોલી લગાવી હતી. તેની બોલી 1346 કરોડ રૂપિયા હતી. L & Tએ 1170 કરોડ, ગુલમાર્કે 1326 કરોડ અને આફકન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 1400 કરોડની બોલી લગાવી હતી. આ આખી ઘટના અંગે કોંગ્રેસે ટ્વિટ કર્યું છે કે, ‘ચીન પ્રત્યે આદર, ખેડૂતોનું અપમાન. ભારત ભૂલશે નહીં.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top