SURAT

ચિંધી બાળનર સચીન સંગમ પ્રિન્ટસને તાત્કાલિક અસરથી કલોઝર અપાયું

સુરત: સચીન જીઆઇડીસીની (Sachin GIDC) સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ લિમિટેડમાં સચીન જીઆઇડીસીના રોડ નંબર-7 ઉપર પ્લોટ નંબર -712 ઉપર ધમધમતી સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચિંધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદ બાદ આ મિલને તાત્કાલિક અસરથી કલોઝર (Closer) આપવામાં આવ્યુ છે. જીપીસીબીની ટીમે ગયા શુક્રવારે મધરાતે આ મિલમાં છાપો માર્યો હતો. જીપીસીબીની ટીમ પાસે આ અંગે ચોક્કસ બાતમી હતી. જેને પગલે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞાબેન ઓઝા સહિત આસિસ્ટન્ટ એન્વાર્યમેન્ટલ ઇજનેર ભાવેશ ગોંસાઇએ સ્થળ તપાસ કરી હતી.

જીપીસીબીની વિઝિટને પગલે ફફડી ગયેલા મિલમાલિકોએ ગેટ ખોલવા ઇનકાર કરી દીધો હતો. મિલના ગેટ ઉપર લાંબો સમય ડ્રામાબાજી ચાલી હતી. પરંતુ મિલમાલિકો ટસથી મસ નહીં થતા આખરે જીપીસીબીની ટીમે દરવાજા ઉપરથી ભૂસકો મારી મિલ પરિસરમાં પ્રવેશ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મિલના બોઇલરમાં ચિંધી બાળતા હોવાના સીધા પુરાવા મળી આવ્યા હતા. ચિંધી ખાલી કરવા એક આઇસર ટેમ્પો જીજે-પ-એઝેડ-2048 મળી આવ્યો હતો. મિલમાં મોટીસંખ્યામાં ચિંધીના પોટલા પણ મળી આવ્યા હતા. જેને પગલે ફોટો અને વિડીયોગ્રાફી કરી જીપીસીબીની ટીમે અહેવાલ પાટનગર વડી કચેરીએ મોકલી દીધો હતો. આ અહેવાલ બાદ જીપીસીબીએ તાત્કાલિક અસરથી કલોઝર ફટકારી વીજકનેકશન રદ કરવા જાણ કરી દીધી છે. જીપીસીબીના આકરા વલણને પગલે ચિંધી વાપરનારાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો

આઇસર ટેમ્પામાંથી ઉમિયા વે-બ્રિજની કાપલી પણ મળી પણ કસૂરવારો પકડાયા નથી
સચીન જીઆડીસીની સંગમ પ્રિન્ટસમાં ચિંધીના પોટલા પકડાયા બાદ જીપીસીબીએ ટેમ્પાની તપાસ કરતા આ ટેમ્પામાંથી ઉમિયા વે-બ્રિજ ઉનની કાપલી મળી આવી હતી. આ ચિંધીનો જથ્થો ડ્રાઇવર ક્યાથી લાવ્યો હતો. તે અંગે તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં ફરી સુરત શહેરમાં ચિંધી બાળી રહેલી મિલો સામે તવાઇ આવશે. આજે જીપીસીબીએ આ મિલને કલોઝર ફટકારી દીધું છે. પરંતુ હવે આ મીલમાં ચિંધીનો જથ્થો પહોચાડનારા પયાર્વરણના દુશ્મનોને પણ કડક હાથે કામ લઇ સીધા કરવા જોઇએ. જીપીસીબીના અહેવાલ બાદ હજી આ ચિંધીના વેપારી સામે કોઇ તપાસ નહિં થતા અનેક પ્રકારના તર્કવિતર્ક વહેતા થયા છે.

Most Popular

To Top