દુનિયાભરમાં જેણે બે વર્ષ સુધી લોકોને જાત જાતની રીતે પરેશાન કર્યા તે કોવિડ-૧૯નો રોગચાળો હવે દુનિયાના મોટા ભાગના દેશોમાં લગભગ શમી ગયો છે. આ રોગચાળો ચીનમાંથી જ ઉદભવ્યો છે. મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાંથી એક ભેદી રોગચાળા તરીકે ૨૦૧૯ના અંતભાગમાં તેની શરૂઆત થઇ હોવાનું કહેવાય છે અને પછી તો વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં તો તે બીજા દેશોમાં ફેલાવાની શરૂઆત થઇ અને થોડા મહિનાઓમાં તો તેણે દુનિયાભરના અનેક દેશોમાં હાહાકાર મચાવી દીધો. દુનિયાનો સૌથી વધુ શક્તિશાળી દેશ અમેરિકા જ આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો.
સ્પેન, ઇટાલી, બ્રિટન સહિત યુરોપના દેશોમાં પણ તેના મોટા પાયે કેસો નોંધાયા. આના પછી ભારતમાં પણ કેસો વધવા માંડ્યા. ભારતે તો દુનિયાનું કદાચ સૌથી સખત કહી શકાય તેવું લૉકડાઉન અમલી બનાવ્યું, આ લૉકડાઉનથી કદાચ આ રોગચાળાની ગતિ ધીમી પડી પરંતુ કેસો તો ઘણા બધા થયા અને મૃત્યુઓ પણ ઘણા થયા. ૨૦૨૧માં ભારતમાં આ રોગચાળાનું બીજું મોજું આવ્યું તેમાં તો ભારે હાહાકાર મચી ગયો. રોગચાળાની શરૂઆતમાં અમેરિકા, સ્પેન, ઇટાલી, બ્રિટનમાં હાહાકાર મચ્યો હતો, પછી ભારતમાં હાહાકાર મચ્યો.
દુનિયાના સૌથી અસર ગ્રસ્ત દેશોમાં અમેરિકા પછી ભારતનો ક્રમ આવી ગયો. જો કે આજે તો આ રોગચાળો ભારત અને અમેરિકા સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં ઘણો નબળો પડી ગયો છે પરંતુ તેના ઉદભવસ્થાન ચીનમાં ફરી તેના કેસો મોટા પ્રમાણમાં નિકળી રહ્યા છે. ચીને ઝીરો કોવિડની સખત નીતિ ઘણા સમયથી અપનાવી છે અને જ્યારે આ કેસો ખૂબ ઓછા પ્રમાણમાં નિકળતા હતા ત્યારે પણ ચીન અસરગ્રસ્ત વિસ્તારોને સખત નિયંત્રણો હેઠળ મૂકવા જેવા પગલાઓ ભરતું હતું પરંતુ આમ છતાં કેટલાક સમયથી તેને ત્યાં કોવિડના કેસો વધવા માંડ્યા છે. જો કે આ નવા કેસો કંઇ ગંભીર પ્રકારના નથી પરંતુ તેમ છતાં ત્યાંની સરમુખત્યાર સરકાર તેની જડ ઝીરો કોવિડ નીતિ હેઠળ સખત નિયંત્રણો ફરીથી લાદવા માંડ્યું અને લાંબા સમયથી અકળાયેલા લોકોનો રોષ ફાટી નિકળ્યો અને અનેક શહેરોમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા, પ્રમુખ જિનપિંગના રાજીનામાની પણ માગણી થઇ અને કેટલાક સ્થળે તો હિંસાખોરી પણ થઇ. આના પછી ચીની સરકારે પીછેહટ કરીને નિયંત્રણો હળવા કરવાની ફરજ પડી.
વ્યાપક વિરોધ પ્રદર્શનો પછી લોકરોષને ટાઢો પાડવા માટે ચીને વિશ્વના સૌથી વધુ કડક એન્ટિ વાયરસ નિયંત્રણોમાંના કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે અને સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આ વાયરસના નવા વેરિઅન્ટ નબળા છે. પણ તેમણે જણાવ્યું હતું કે વાયરસમાં હજી શક્તિ છે એમ કહી શકાય. જો કે તેમણે હજી એ કહ્યું ન હતું કે ઝીરો-કોવિડ નીતિ કે જે લાખો લોકોને ઘરોમાં ગોંધી રહી છે અને જેની સામે વિરોધ પ્રદર્શનો થયા છે તેનો ક્યારે અંત આવશે.
સોમવારે બૈજિંગમાં તથા અન્ય ૧૬ શહેરોમાં રોજીંદા મુસાફરોને બસો અને સબ વે ટ્રેનોમાં વાયરસ ટેસ્ટ વિના પ્રવેશવાની છૂટ અપાઇ હતી. ગુઆન્ગઝોઉ સહિતના ઔદ્યોગિક કેન્દ્રોમાં બજારો ફરી ખોલવામાં આવ્યા હતા અને લોકોની હરફર પરના મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા હતા જ્યારે કે ચેપથી અસરગ્રસ્ત વસાહતોમાં નિયંત્રણો ચાલુ રાખવામાં આવ્યા છ. સરકારે ગયા સપ્તાહે ૭૦ અને ૮૦ના દાયકાની ઉંમર ધરાવતા લોકોને રસી આપવાની જાહેરાત કરી હતી એવી આશા હતી કે હવે ઝીરો કોવિડ નીતિનો અંત આવશે પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મધ્ય ૨૦૨૩ સુધી આ ચાલુ રહી શકે છે.
ચીનમાં એક બાજુ સખત ઝીરો કોવિડ નીતિનો અમલ ચાલુ છે ત્યારે એવી વાત બહાર આવી છે કે ત્યાંના ઘણા બધા વૃદ્ધોનું રસીકરણ થયું જ નથી! એવી માહિતી મળે છે કે ૮૦ કરતા વધુ વર્ષાના ફક્ત ૬૬ ટકા લોકોને રસીનો એક ડોઝ મૂકાયો છે. સત્તાવાર આંકડા મુજબ ૬૦ કરતા વધુ વયની લોકોમાંથી ૮૬ ટકા લોકોનું જ રસીકરણ થયું છે જ્યારે બાકીના રસી વગરના છે! એક બાજુ ચીન ઝીરો કોવિડની નીતિ અપનાવે છે અને બીજી બાજુ રસીની બાબતમાં આવી સ્થિતિ છે.
ચીને હવે નિયંત્રણો હળવા કરવા માંડ્યા છે અને હજી કેસો તો ત્યાં મોટા પ્રમાણમાં છે જ. આના કરતા પહેલાથી જ નિયંત્રણો સખત રાખ્યા ન હોત તો પણ ફેર પડવાનો ન હતો. રોગચાળાની શરૂઆતમાં આરોગ્ય તંત્રને પુરતું સજ્જ કરવા માટે સખત નિયંત્રણો લાદવામાં આવે તે સમજી શકાય પરંતુ પછી પણ લાંબા સમય સુધી નિયંત્રણો ચાલુ રાખવામાં કોઇ સમજદારી નથી પરંતુ ચીનની જડ સરકાર સમજતી નથી. ઝીરો કોવિડ નીતિનો કોઇ લાભ થયો હોવાનું જણાતું નથી, રસીકરણની બાબતમાં ઉણપો છે અને નિયંત્રણોથી પ્રજા પરેશાન થઇ રહી છે છતાં ચીની સામ્યવાદી સરકાર હજી પણ ઝીરો કોવિડ નીતીનો અંત લાવવાની બાબતમાં કશો ફોડ પાડતી નથી. અને નવા કેસોના રાફડાઓ વચ્ચે ઝીરો કોવિડ નીતિ સ્પષ્ટપણે નિષ્ફળ ગયેલી જણાય છે અને આ નીતિ ખરેખર તો હાસ્યાસ્પદ પુરવાર થઇ રહી છે છતાં ચીની સરકાર આ નીતિ છોડવા માટે હજી તૈયાર નથી.