Columns

ચીનની ઝીરો કોવિડ નીતિ અમેરિકાના અર્થતંત્રને ખતમ કરી નાખશે?

2020 માં દુનિયાભરનાં લોકો કોવિડ-૧૯ ના ડરથી કડક લોકડાઉન નાખીને બેઠાં હતાં, ત્યારે વુહાન શહેરને બાદ કરતાં ચીનનું અર્થતંત્ર ગતિમાન હતું. ચીનના કોઈ પણ શહેરમાં લોકડાઉન નાખવામાં નહોતું આવ્યું અને તેની ફેક્ટરીઓ પણ ધમધમતી હતી. હવે જ્યારે આખી દુનિયામાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે, ત્યારે ચીને તેની આર્થિક રાજધાની ગણાતા શાંઘાઈ શહેરમાં કડકમાં કડક લોકડાઉન નાખી દીધું છે. સાત સપ્તાહથી ચાલી રહેલા લોકડાઉન પાછળનો દેખીતો ઉદ્દેશ શાંઘાઈને કોવિડ-૧૯ થી સંપૂર્ણપણે મુક્ત (ઝીરો કોવિડ નીતિ) રાખવાનો છે, પણ તેને કારણે ચીનમાં ઉત્પાદન ધરાવતી યુરોપ અને અમેરિકાની કંપનીઓ જબરદસ્ત આર્થિક નુકસાનનો અનુભવ કરી રહી છે.

અમેરિકાની ટેક જાયન્ટ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એપલ જેવી કંપનીઓની ફેક્ટરીઓ તેમ જ ઓફિસો શાંઘાઈમાં આવેલી છે. ચીનના લોકડાઉનને કારણે તેમની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને સપ્લાય ચેઇન પણ ખોરવાઈ ગઈ છે. ચીનમાં ઉત્પાદન ધરાવતી યુરોપની 372 કંપનીઓનો ઇન્ટરનલ સર્વે કરવામાં આવ્યો, ત્યારે તેમાંની 23 % કંપનીના સંચાલકોએ કહ્યું કે તેમને કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી છે અને તેઓ ફેક્ટરી બંધ કરવાનું વિચારી રહ્યા છે.

કોવિડ-૧૯ ને નિયંત્રિત કરવા માટે કડક લોકડાઉનની હિમાયત કરનારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચીનની ઝીરો કોવિડ નીતિની ટીકા કરતાં કહ્યું છે કે તેનાથી ચીનની આર્થિક પ્રગતિ રૂંધાઈ જશે. ચીનના આર્થિક વિકાસનો લક્ષ્યાંક પણ 5.5 % થી ઘટાડીને 4 % કરવાની ફરજ પડશે. પણ ચીનના પ્રમુખ શી જિનપિંગને તેની બિલકુલ ચિંતા નથી. હકીકતમાં ચીન કોવિડ લોકડાઉનના નામે અમેરિકાની કંપનીઓની સપ્લાય ચેઇન તોડીને અમેરિકાના અર્થતંત્રને ખોરવી કાઢવા માગે છે. અમેરિકાને આ રમત સમજાઈ ગઈ છે પણ તે કંઈ કરી શકે તેમ નથી. કારણ કે કોવિડને નિયંત્રણમાં લેવા ચીનમાં હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવેલી છે.

યુરોપ અને અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓએ દાયકાઓથી ચીનનો ઉપયોગ તેમની ફેક્ટરી તરીકે કર્યો હતો. ચીનમાં મજૂરીના સસ્તા દરોનો લાભ લઈને તેમણે પોતાનું ઉત્પાદન ચીનમાં ખસેડી લીધું હતું. ચીનનાં લોકો મજૂરી કરે અને યુરોપ-અમેરિકાનાં લોકો ઘરે બેઠાં જલસા કરે તેવી પરિસ્થિતિ દાયકાઓ સુધી રહી હતી. અમેરિકા પોતાના દેશમાં હવામાંથી ડોલર પેદા કરતું હતું અને ચીનમાં પેદા થયેલો માલ સસ્તામાં પડાવી લેતું હતું. અમેરિકાની કંપનીઓ આ માલ ઉત્પાદન ખર્ચ કરતાં દસ ગણી કિંમતે દુનિયામાં વેચીને અઢળક કમાણી કરતી હતી. ચીનને આ વાતનો ખ્યાલ આવી ગયો ત્યારે તેણે ડુપ્લિકેટ માલ સસ્તામાં વેચીને અમેરિકાની કંપનીઓ સાથે હરીફાઈ કરી હતી. તેમ છતાં અમેરિકાની કંપનીઓ દ્વારા થતા શોષણને રોકવામાં સફળતા મળી નહોતી.

અમેરિકાની કંપનીઓએ ચીનમાં પોતાની ફેક્ટરીઓ અને ઓફિસો ખોલી, ત્યારે કેટલાક કરારો કરવામાં આવ્યા હતા. જે મુજબ ચીની સરકાર વિદેશી કંપનીઓને અનેક સવલતો આપવાને બંધાયેલી હતી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કાયદાઓ મુજબ ચીન આ સવલતો પાછી ખેંચી શકે તેમ નહોતું કે કંપનીઓને દેશ છોડીને જવાનું પણ કહી શકે તેમ નહોતું. આ કામ સીધી રીતે થઈ શકે તેમ નહોતું. ચીને તેના માટે કોવિડનું બહાનું શોધી કાઢ્યું હતું. શાંઘાઈને કોવિડથી સંપૂર્ણપણે મુક્ત કરવાના નામે તેણે અઢી કરોડ નાગરિકોને ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પાડી હતી. આ નાગરિકોમાં વિદેશી કંપનીઓની ફેક્ટરીઓમાં કામ કરતાં મજૂરો પણ હતાં. શહેરમાં લોકડાઉન નાખવા ઉપરાંત બંદરો પર આવતી સ્ટીમરોના પેસેન્જરોની પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવતી હતી. જેને કારણે બંદરો પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચીનથી થતી નિકાસ તેમ જ આયાતની પ્રવૃત્તિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.

જો ચીની સરકારે અમેરિકાની કંપનીઓને કોઈ પણ બીજા કારણે ફેક્ટરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હોત તો દુનિયાભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોત. ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ આવ્યું હોત પણ તેણે કોવિડ-૧૯ ના બહાને લોકડાઉન નાખ્યું હોવાથી અમેરિકા સહિતના દેશો મૌન થઈ ગયા છે. કારણ કે તેમણે જ લોકડાઉનની હિમાયત કરી હતી. હવે તેઓ દબાયેલા સ્વરે કહી રહ્યા છે કે ચીનનું લોકડાઉન વધુ પડતું છે. પણ તેનો ઇરાદો અમેરિકાના અર્થતંત્રને ખોરવી કાઢવાનો છે તેવું જાહેર કરી શકતા નથી. હકીકતમાં અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા. તેના વિરોધમાં ચીન દ્વારા શાંઘાઈમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.

ચીન દ્વારા કોવિડ-19 અને લોકડાઉનનો ઉપયોગ અમેરિકાના અર્થતંત્ર પર પ્રહાર કરવા માટે કરવામાં આવ્યો. તે પરથી વિચારવું જોઈએ કે બે વર્ષ પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિડ-19 નો મુકાબલો કરવા માટે દુનિયાના દેશોને લોકડાઉન નાખવા મજબૂર કર્યા તેની પાછળ પણ કોઈ રમત તો નહોતી ને? આર્થિક નિષ્ણાતો કહે છે કે લોકડાઉન નાખવામાં આવ્યું તેના આગલા કેટલાક મહિનાઓમાં દુનિયાની બેન્કિંગ સિસ્ટમ તૂટી પડવાની અણી પર હતી. કારણ કે તેણે બેફામ ચલણી નોટો છાપી કાઢી હતી. આ ચલણી નોટો છાપવાનો ઉદ્દેશ 2008 ની મહામંદીમાંથી બહાર નીકળવાનો હતો. મંદીમાં ફસાયેલી કંપનીઓને ઉગારવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા ચિક્કાર નાણાં છાપીને અર્થતંત્રમાં ઠાલવવામાં આવ્યાં હતાં.

વળી બેન્કો દ્વારા ઉદ્યોગપતિઓને આડેધડ લોનો આપવામાં આવતાં પણ બજારમાં નાણાંની રેલમછેલ થઈ ગઈ હતી. બેન્કો દ્વારા લોકોની થાપણ ઉદ્યોગપતિઓને લોન તરીકે આપી દેવામાં આવી હતી, જેમાંનો મોટો હિસ્સો ડૂબી ગયો હતો. વળી, બજારમાં નાણાંનો પ્રવાહ વધી જતાં મોંઘવારી નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી. 2019 ના અંત ભાગમાં દુનિયાના અર્થતંત્રમાં જે તેજીનો જુવાળ આવ્યો હતો, તેને રોકવામાં ન આવ્યો હોત તો વધુ ગરમીથી જેમ બોઇલર ફાટી જાય તેમ દુનિયાની આર્થિક વ્યવસ્થા પણ ફુગ્ગાની જેમ ફૂટી ગઈ હોત. તેને રોકવા ઉત્પાદન બંધ કરવું અને લોકોની ખરીદશક્તિ પર નિયંત્રણો મૂકવાં જરૂરી હતાં.

જો સરકારો કોઈ દેખીતાં કારણો વગર ફેક્ટરીઓ અને ઓફિસો બંધ કરી દે અને લોકોને ઘરોમાં પૂરાઈ રહેવાની ફરજ પાડે તો પ્રજા બળવો કરે તે નક્કી હતું. તેવું ન બને તે માટે કોરોના વાઇરસનો હદ બહારનો ડર ફેલાવી દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. આ લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં પૂરાઈ રહ્યાં હોવાથી તેમની જરૂરિયાતો પણ ઘટી ગઈ હતી. હરવાફરવા ઉપરાંત હોટેલોમાં રહેવાનો અને ખાવાપીવાનો ખર્ચો પણ ઘટી ગયો હતો. લોકોનો ખર્ચો ઘટી જતાં તેમણે બેન્કોમાંથી રૂપિયા ઉપાડવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. તેને કારણે બેન્કોનું ઉઠમણું અટકી ગયું હતું અને તેમની થાપણો વધી હતી.

હવે લોકડાઉન ઢીલું કરવામાં આવતાં જ ફરીથી આર્થિક ગતિવિધિઓ તેજ બની છે અને ફરી ફુગાવો વધવા લાગ્યો છે. હવે જો ફરી કોરોનાના નામે લોકડાઉન લાદવામાં આવે તો પ્રજા બળવો કરે તેમ છે. માટે હવે વિશ્વયુદ્ધની તૈયારી ચાલી રહી છે. ચીનના ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે દુનિયાભરમાં લોકડાઉનનો ઉપયોગ કોવિડ-19 ના મુકાબલા માટે નહીં, પણ આર્થિક નીતિના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.
 -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top