ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન સરહદે શાંતિ સ્થપાશે, પરંતુ આ આશા થોડા જ સમયમાં ઠગારી સાબિત થતી જણાઇ. ચીને લડાખના અનેક વિસ્તારોમાંથી પોતાના દળો પાછા ખેંચવા અંગે આડોડાઇ કરવા માંડી. જો કે હાલ અંકુશ હરોળ પર શાંતિ તો છે પરંતુ ભારતને ચિંતા કરાવે તેવી હરકતો ચીન કરતું જ રહે છે. હાલ એવા અહેવાલ બહાર આવ્યા છે કે અરૂણાચલ પ્રદેશ નજીકની સરહદે તિબેટમાં ચીન ગામડાઓના વિકાસના નામે બેવડા ઉપયોગમાં લઇ શકાય તેવું માળખું વિકસાવી રહ્યું છે. ભારત સાથેની ખરેખરી અંકુશ હરોળ(એલએસી)ની નજીકના સરહદી ગામડાઓના વિકાસના નામે ચીન ત્યાં લશ્કરી સવલતોને પણ વેગ આપી રહ્યું છે અને ત્યાં એરપોર્ટો જેવી સવલતો વિકસાવી રહ્યું જે નાગરિક સવલત અને લશ્કરી વપરાશ એવા બેવડા ઉપયોગમાં આવી શકે એમ ત્યાંની ઘટનાઓથી વાકેફ લોકોએ જણાવ્યું છે.
તિબેટની ૪૦૦૦ કિમી લાંબી સરહદ, કે જેમાંની મોટા ભાગની સરહદ એલએસી પર છે, તેની નજીક આવેલા ગામડાઓને મધ્યમ સમૃદ્ધિના ગામડાઓ બનાવવાના નામે ચીન લગભગ એક દાયકાથી પદ્ધતિસરની રીતે નાણા ઠાલવી રહ્યું છે. તિબેટના સરહદી ગામડાઓના વિકાસ બાબતે ચીની સરકારનું હાલ એક શ્વેત પત્ર બહાર પડ્યું છે તેમાં લોકોનું જીવન ધોરણ સુધારવા માટે આ ગામડાઓનો વિકાસ કરાઇ રહ્યો હોવાની વાત કરવામાં આવી છે પરંતુ જાણકાર સૂત્રો જણાવે છે કે દુર્ગમ વિસ્તારોમાં ધોરી માર્ગો અને હવાઇ મથકો બાંધીને વિકાસ એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે જે બેવડા ઉપયોગમાં આવી શકે. લોકોની સગવડ માટે ઉપયોગમાં આવવાની સાથે આવી સવલતો લશ્કરી ઉપયોગ માટે પણ લઇ શકાય છે. બેવડા ઉપયોગનું માળખું, જેમ કે એરપોર્ટો બાંધીને ચીન ભારતને દબાણ હેઠળ રાખવાની નીતિ પણ અપનાવી રહ્યું છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
૨૦૨૦ના અંત સુધીમાં તિબેટના દુર્ગમ પ્રદેશોના ઘણા ગામડાઓને ધોરી માર્ગો વડે વધુ સારી રીતે જોડી દેવામાં આવ્યા છે, અને આ તમામ ગામડાઓ મોબાઇલ સંદેશ વ્યવહાર ધરાવે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ એલએસી નજીક આવેલા સરહદી ગામડાઓના વિકાસ અંગે ઘણી વિગતો ભેગી કરી છે જે મુજબ શિનજિયાંગથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારમાં સરહદી ગામડાઓ બાંધવાની પ્રવૃતિ ઝડપી બનાવવામાં આવી છે. આ ગામડાઓ સુધી રસ્તાઓ બાંધવાનું કામ રોગચાળાના સમયમાં પૂરઝડપે પુરું કરવામાં આવ્યું હતું. આમાં વધુ ચિંતાજનક પાસુ એ છે કે ચીન ભૂટાન પર ડોકલામ પ્રદેશમાં પોતાનો વિસ્તાર છોડી દેવા માટે દબાણ કરી રહ્યું છે એમ એક સૂત્રે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં ભારત અને ચીનના લશ્કરો વચ્ચે લાંબી મડાગાંઠ ડોકલામ ત્રિભેટે જ સર્જાઇ હતી. સરહદ નજીક ચીન જે એરપોર્ટો બાંધી રહ્યું છે તે લશ્કરી ઉપયોગા માટે પણ લઇ શકાય છે અને આ રીતે ચીન બેવડા ઉપયોગનું માળખું વિકસાવી રહ્યું છે.
દરમ્યાન, ચીન તિબેટની બાબતમાં પણ ખંધી ચાલ ચાલવા માંડ્યું છે એમ જણાય છે. તિબેટ પ્રાચીન કાળથી ચીનનો જ ભાગ હતું એમ કહીને તે હવે સિફત પૂર્વક તિબેટ પરના પોતાના કબજાને વાજબી ઠરાવી રહ્યું છે. આ મહત્વના હિમાલયન પ્રદેશનો કબજો ચીને ૧૯૫૧માં લઇ લીધો તે બાબતને વાજબી ઠરાવતા ચીની સરકાર દ્વારા તિબેટ પર હાલમાં બહાર પાડવામાં આવેલા એક શ્વેત પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ૭૦ વર્ષ અગાઉ તિબેટના લોકોને આક્રમક સામ્રાજ્યવાદની બેડીઓમાંથી મુક્ત કરાવવામાં આવ્યું અને તિબેટના લોકો પણ ચીનના અન્ય વંશીય જૂથોની માફક પ્રગતિના માર્ગ આગળ વધ્યા. ૧૯મી સદીની મધ્યમાં અફીણ યુદ્ધ પછી યુકેની આગેવાની હેઠળના સામ્રાજ્યવાદીઓએ તિબેટની સ્વતંત્રતાનો ખયાલ રમતો મૂક્યો હતો અને ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાની અવગણના કરી હતી એમ કહેવા સાથે ચીન એમ પણ કહે છે કે હાલના દલાઇ લામાના કોઇ પણ અનુગામીને ચીન દ્વારા મંજૂરી મળવી જોઇએ, અને ભારતમાં રહેતા તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઇ લામા અને તેમના અનુયાયીઓ દ્વારા જ નવા દલાઇ લામાની પસંદગી કરવામાં આવે તે બાબત નકારી કાઢી હતી. આમ પણ ઘણા તિબેટીઓને ચીને બ્રેઇન વોશિંગ કરીને આટલા દાયકાઓમાં પોતાની તરફેણમાં કરી લીધા હોય તેમ જણાય છે અને હવે તે ભારતમાં આવીને વસેલા દલાઇ લામાનું પત્તું કાપી નાખવાની ચાલ રમે છે. તિબેટીઓ, ભૂટાનીઓ અને નેપાળીઓને પોતાની તરફેણમાં કરીને ચીન ભારત પર ભીંસ વધુ વધારી શકે છે.