નવી દિલ્હી: પાકિસ્તાન(Pakistan) સ્થિત લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદી શાહિદ મહેમૂદ(Shahid Mahmood)ને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાના ભારત(India) અને અમેરિકા(America) દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલા પ્રસ્તાવને ચીને(China) અવરોધ્યો છે. પાકિસ્તાનના જૂના સાથી ચીને ચાર મહિનામાં ચોથી વખત એક આતંકવાદીને વૈશ્વિક સંગઠનની પ્રતિબંધિત યાદીમાં મૂકવાના પ્રયાસને અટકાવ્યો છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ 42 વર્ષીય મહમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ચીને અવરોધ્યો હોવાનું કહેવાય છે. યુએસ ટ્રેઝરીએ ડિસેમ્બર 2016માં મહેમૂદ અને લશ્કરના અન્ય સભ્ય મોહમ્મદ સરવરને “લશ્કર-એ-તૈયબાના ભંડોળ એકત્ર કરવાના પ્રયાસો અને તેના નેટવર્કને વિક્ષેપિત કરવા બદલ” વૈશ્વિક આતંકવાદીઓ તરીકે નિયુક્ત કર્યા હતા.
આતંકવાદી શાહિદ મહેમૂદ લશ્કરનો જૂનો સભ્ય
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ ભારતની મુલાકાતે છે ત્યારે ચીને ભારત અને અમેરિકાના આ પ્રસ્તાવને રોકી દીધો છે. તેમણે બુધવારે મુંબઈમાં 26/11ના આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ આતંકી હુમલામાં અમેરિકન નાગરિકો સહિત 160થી વધુ લોકો માર્યા ગયા હતા. યુએસ ટ્રેઝરીની વેબસાઈટ પરની માહિતી અનુસાર, મહમૂદ “પાકિસ્તાનના કરાચીમાં એલઈટીનો લાંબા સમયથી સભ્ય છે અને ઓછામાં ઓછા 2007થી સંગઠન સાથે સંકળાયેલો છે”. તેઓ જૂન 2015 થી ઓછામાં ઓછા જૂન 2016 સુધી ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF) ના ઉપાધ્યક્ષ હતા, જે એલઈટીનું ભંડોળ એકત્ર કરતી શાખા હતી.
ચીને આ પ્રસ્તાવને ચોથી વખત બ્લોક કર્યો
વેબસાઈટ અનુસાર, 2014માં મહમૂદ કરાચીમાં FIFનો સભ્ય હતો. ઓગસ્ટ 2013માં, તેની ઓળખ એલઈટીના પ્રકાશન શાખાના સભ્ય તરીકે થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં આ ચોથી વખત છે જ્યારે ચીને 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને અવરોધિત કર્યો છે. આ વર્ષે જૂનમાં ચીને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને અવરોધિત કર્યો હતો.
કોણ છે અબ્દુલ રહેમાન મક્કી
મક્કી લશ્કર-એ-તૈયબાના વડા અને 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર હાફિઝ સઈદનો સંબંધી છે. આ વર્ષે ઓગસ્ટમાં ચીને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના નંબર 2 આતંકવાદી અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના અમેરિકા અને ભારતના પ્રસ્તાવને પણ અટકાવી દીધો હતો. 1974માં પાકિસ્તાનમાં જન્મેલા અબ્દુલ રઉફ અઝહર પર અમેરિકાએ ડિસેમ્બર 2010માં પ્રતિબંધ મૂક્યો હતો. 1999માં ઈન્ડિયન એરલાઈન્સ પ્લેન IC-814ના હાઈજેકમાં તે મુખ્ય કાવતરાખોર હતો, જેના બદલામાં તેના ભાઈ મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.