Comments

રે૨ અર્થ મટીરીયલ પર ચીનનો કાબૂ અમેરિકા સાથે મંત્રણા પણ કરાવે, નહીંતર યુદ્ધ પણ…

યુક્રેન-રશિયા યુદ્ધ ચાલુ જ હતું ત્યાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેની અથડામણ શરૂ થઈ. હજુ એમાં કોઈ સમાધાન નથી થયું ત્યાં ઈઝરાયેલે ઈરાન સાથે યુદ્ધનો બીજો મોરચો ખોલ્યો છે. વિશ્વ ઉપર અત્યારે વિશ્વયુદ્ધનાં વાદળો મંડરાઈ રહ્યાં છે. યુદ્ધ ઘણા મોરચે લડાઈ રહ્યું છે જેમાંનું એક વેપાર પણ છે. ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી ટેરીફ અને ટ્રેડવૉર બે શબ્દો છવાયેલા છે. ટ્રમ્પ દ્વારા ટેરીફ નામનું જે ગતકડું વહેતું મૂકવામાં આવ્યું તેને અમેરિકાની ફેડરલ કોર્ટે ગેરકાનૂની ઠેરવ્યું. અમેરિકન સરકાર અપીલમાં જઈ શકે છે.

જો કે, એ અપીલમાં પણ વર્ષોથી ચાલ્યો આવતો વ્યાપાર અને એના ઉપરની જકાત કઈ રીતે કટોકટી ગણી શકાય તે પ્રશ્ન ઉપર વાત આવીને ઊભી રહે અને સરવાળે કોર્ટનો ચુકાદો ટ્રમ્પની વિરુદ્ધમાં જ આવે. આ ચુકાદો ફેરવાય નહીં તો ટ્રમ્પ દ્વારા વાપરવામાં આવેલ સત્તા ગેરકાનૂની ગણાશે અને પ્રમુખને આવા કોઈ અધિકારો પહોંચતા નથી એમ ગણીને રદબાતલ કરવાપાત્ર બનશે.  આના પ્રતિભાવરૂપે ચીને, જેમાં તે લગભગ મોનોપોલી ધરાવે છે તે ‘રે૨ અર્થ’ ઉપર નિકાસ પ્રતિબંધ મૂક્યો, જેની પહેલી અસર રૂપે જાપાનની સુઝુકી મોટર કંપનીએ એની ‘સ્વીફ્ટ કોમ્પેક્ટ કાર’નું ઉત્પાદન રોકવું પડ્યું, કારણ કે, ચીનની નિકાસબંધીને કારણે એના સ્પેરપાર્ટ્સની તંગી ઊભી થઈ. એ સ્પેરપાર્ટ્સ બનાવવામાં ‘રે૨ અર્થ’ વપરાય છે.

આ કારણથી જાપાનની આ માતબર કંપનીને પોતાની પોપ્યુલર બ્રાન્ડનું ઉત્પાદન રોકવું પડ્યું. આ પહેલો કિસ્સો હતો જેમાં ચાઈનીઝ એક્સપોર્ટ્સ કન્ટ્રોલની સીધી અસર જાપાનીઝ ઑટોમેકરના ઉત્પાદન ઉપર થઈ. એ જાણવું રસપ્રદ થઈ પડશે કે હવે જેનો યુગ ચાલુ થયો છે તે ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વ્હીકલ્સનું ખૂબ મોટું ઉત્પાદન ચીન દ્વારા કરવામાં આવે છે. પૃથ્વી પર કુલ ૧૭ રેર અર્થ એલિમેન્ટ મળી આવે છે, જેમાં લેન્થેનમ, નિયોડીમિયમ, પ્રસોડીમિયમ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

આ ખનિજો ખાસ ચુંબકીય અને ઇલેક્ટ્રોનિક ગુણધર્મો ધરાવે છે જે તેમને તકનીકી ઉત્પાદનો માટે જરૂરી બનાવે છે. આ ખનિજોને રેર એટલે દુર્લભ કહેવામાં આવે છે કારણ કે તે પૃથ્વીની અંદર ઘણી ઊંડાઈએથી મળી આવે છે. ઉપરાંત તેમને કાઢવાની અને શુદ્ધ કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ અને ખર્ચાળ છે. રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવાં કે સ્માર્ટફોન, લેપટોપ અને ટેલિવિઝન, ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન, સોલર પેનલ અને બેટરી સહિત ઘણી આધુનિક તકનીકો અને ઉદ્યોગોમાં થાય છે.

એપ્રિલ ૨૦૨૫માં ચીને સાત પ્રકારના રે૨ અર્થ મટિરિયલ પર નિકાસબંધી લાદી હતી. એનું આ પગલું અમેરિકાએ ચીનમાં ઉત્પાદિત માલ-સામાન પર જે ટેરીફ નાખ્યા તેને કારણે લેવાયું હોવાનું જણાય છે. આની સીધી અસર ઓટોમોબાઇલ ઉદ્યોગ પર થઈ. અમેરિકા અને યુરોપમાં પણ એની દેખાવા માંડી છે. મે મહિનાના અંતમાં અમેરિકન ઑટોમેકર ફોર્ડ કંપની દ્વારા ‘એક્સપ્લોરર ફોર્ડસ યુટિલિટી વ્હીકલ્સ’નું ઉત્પાદન કામચલાઉ ધોરણે રોકવામાં આવ્યું. ફોર્ડના શિકાગો પ્લાન્ટમાં આ ઉત્પાદન થાય છે. ચીન પાસેથી રેર અર્થ ઉપલબ્ધ નહીં બનતાં કેટલાંક યુરોપિયન સ્પેરપાર્ટ્સ ઉત્પાદકોને પણ એની સીધી અસર થઈ.

હવે એ ખ્યાલમાં આવવું જોઈએ કે વૈશ્વિક રેર અર્થ સપ્લાય ચેઇન ચીન ઉપર બહુ મોટો આધાર રાખે છે. આ કાચા માલનું ખનન વૈશ્વિક કક્ષાએ ૭૦ ટકા ચીનમાં હાથમાં હોવાથી આ પરિસ્થિતિ લાંબી ચાલે તો માત્ર ઑટોમેકર્સ જ નહીં પણ અન્ય ક્ષેત્રે એની અસર વર્તાય એ શક્યતા નકારી શકાય તેમ નહોતી. અમેરિકાના ટેરિફ સામે તેનું નાક દબાવવા ચીને જે સાત પ્રકારના રે૨ અર્થ ઉપર નિકાસ પ્રતિબંધ લાદ્યો તેની સીધી અસર ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વાહનોના ઉત્પાદન ઉપર થવાની શરૂ થઈ જેથી અમેરિકા ચીન સાથે મંત્રણાના ટેબલ પર આવવા તૈયાર થયું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે જ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરારની જાહેરાત કરી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટેરિયલ સપ્લાય કરશે, જેના બદલામાં, અમેરિકા ચીની વિદ્યાર્થીઓને તેની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે. આ પહેલાં ૧૧ મેના રોજ જીનીવામાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર પર સહમતિ બની હતી અને બંને દેશોએ ટેરિફમાં ૧૧૫% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે સત્તા પર આવ્યાના ગણતરીના મહિનામાં જ ચીની માલ પર ૧૪૫% સુધીનો ટેરિફ લાદ્યો હતો, જેનો જવાબ ચીને પણ યુએસ માલ પર ૧૨૫% સુધીનો ટેરિફ લાદીને વાળ્યો હતો. આના કારણે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેનો ૬૦૦ અબજ ડોલરનો વાર્ષિક વેપાર વર્ચ્યુઅલ રીતે ઠપ્પ થઈ ગયો હતો. હવે ટ્રમ્પની સાન ઠેકાણે આવતાં એણે હાલ તો ૯૦ દિવસ માટે ટેરિફ મોકૂફ રાખ્યા છે.

અમેરિકા ચીન સાથે જિનિવામાં મંત્રણાના ટેબલ પર બેઠું એનાં મહત્ત્વનાં કારણોમાંનું એક ચીન પાસેથી રે૨ અર્થ મટીરીયલની ઉપલબ્ધિ પણ છે. અમેરિકાની દાઢ ગ્રીનલેન્ડ પર સળકી છે અને ચીન અફઘાનિસ્તાન અને નજદીકી વિસ્તારોમાં મોટા પાયે પગપેસારો કરી ચૂક્યું છે, એનું એક મુખ્ય કારણ રે૨ અર્થ એલીમેન્ટ્સનું માઈનીંગ પણ છે. કદાચ આ કારણથી એવી વાત હવામાં ઘૂમરાયા કરે છે કે, ભારતના એક મોટા ઔદ્યોગિક ગૃહને લદ્દાખમાં ખનન કામ કરવાની મંજૂરી અને ત્યાર પછીની પ્રક્રિયાઓ ઉપર સ્થાનિક કક્ષાએ રોક ન લાગે તે કારણથી જ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે, સાચું ખોટું તો રામ જાણે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top