Columns

અમેરિકાના વેનેઝુએલા પરના હુમલાથી લેટિન અમેરિકામાં ચીનનો ગરાસ લૂંટાઈ ગયો છે

પોતાના પડોશી દેશ વેનેઝુએલા પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર હુમલો કરીને અમેરિકાએ યુનોનું નાક કાપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે કે એવી રીતે વર્તી રહ્યા છે કે યુનો જેવી કોઈ સંસ્થાનું દુનિયામાં અસ્તિત્વ જ નથી. સોમવારે વેનેઝુએલાના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક કટોકટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક કોલંબિયાની વિનંતી પર બોલાવવામાં આવી હતી, જેને ચીન અને રશિયાનો ટેકો મળ્યો હતો.

આ બેઠકમાં ટ્રમ્પના માદુરોની ધરપકડના નિર્ણય પર ચર્ચા થઈ હતી, જેમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી હતી કે આ પગલું ખતરનાક મિસાલ સ્થાપિત કરી શકે છે. ચીન કહે છે કે તે આવી દખલગીરીનો વિરોધ કરે છે અને આ તેની નીતિ પણ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મંજૂરી વિના કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીનો પણ ચીન ખુલ્લેઆમ ટીકાકાર રહ્યું છે. જો કે, આ મામલે તેની પ્રતિક્રિયા ખૂબ જ કઠોર હતી અને તેનું કારણ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં ચીનનું મોટું રોકાણ હોવાનું માનવામાં આવે છે. રશિયા અને ચીન વેનેઝુએલાના નજીકનાં સાથી રહ્યાં છે.

ગયા શનિવારે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર માદુરોના કબજાની જાહેરાત કરી ત્યારે ચીનનો પ્રતિભાવ તરત જ આવ્યો હતો. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે જણાવ્યું હતું કે એક સાર્વભૌમ દેશ વિરુદ્ધ અમેરિકા દ્વારા બળપ્રયોગ અને તેના રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરવામાં આવેલા પગલાંની ચીન સખત નિંદા કરે છે અને તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કટોકટીની બેઠકમાં પણ ચીનના ખાસ દૂતે અમેરિકાનાં પગલાંની કડક નિંદા કરી હતી. બેઇજિંગમાં પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડાર સાથેની મુલાકાત દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે કોઈ પણ દેશને દુનિયાનો પોલીસમેન બનવાનો કે પોતાની ઇચ્છા બીજા પર લાદવાનો અધિકાર નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ દેશોને સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનું પાલન કરવાની અપીલ કરી હતી .

છેલ્લા બે દાયકામાં, ચીને લેટિન અમેરિકામાં તેની હાજરી ઝડપથી વધારી છે, જ્યારે અમેરિકા આ ​​ક્ષેત્રમાં પ્રમાણમાં નિષ્ક્રિય રહ્યું છે. એક વર્ષ પહેલાં, નવેમ્બર ૨૦૨૪ માં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે પેરુવિયન કિનારે ચાંકે બંદરના ઉદ્ઘાટન સમયે હાજર રહ્યા હતા, જે ચીનના સહયોગથી બનાવવામાં આવ્યું હતું . એવું માનવામાં આવે છે કે ૩.૫ અબજ ડોલરના ખર્ચે બનેલા આ બંદર વેપાર માટે ઉત્તર અમેરિકાને સંપૂર્ણપણે બાયપાસ કરી શકે છે.

તેવી જ રીતે, ચીન તેના મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ દ્વારા અમેરિકાના પાછળના ભાગ તરીકે ઓળખાતા આ કેરેબિયન ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં, બેઇજિંગ ઘણા લેટિન અમેરિકન દેશોને તાઇવાન પાસેથી રાજદ્વારી માન્યતા પાછી ખેંચી લેવા અને ચીનનો પક્ષ લેવા બાબતમાં સફળ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કોસ્ટારિકા, પનામા, ડોમિનિકન રિપબ્લિક, અલ સાલ્વાડોર, નિકારાગુઆ અને હોન્ડુરાસે ચીન સાથે વ્યૂહાત્મક ભાગીદારી પસંદ કરી હતી.

વેનેઝુએલા પાસે વિશાળ તેલ ભંડાર છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં સૌથી મોટો છે. લંડન સ્થિત એનર્જી ઇન્સ્ટિટ્યૂટને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે વેનેઝુએલા પાસે વૈશ્વિક તેલ ભંડારના આશરે ૧૭ ટકા અથવા આશરે ૩૦૩ અબજ બેરલ છે. આનાથી તે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) માં અગ્રણી સાઉદી અરેબિયાથી આગળ છે. પરંતુ પ્રતિબંધોને કારણે, તે વૈશ્વિક બજારમાં ખુલ્લેઆમ પોતાનું તેલ વેચી શકતું નથી. આવી સ્થિતિમાં, ચીન મદદ માટે આગળ આવ્યું.

ચીન ફક્ત વેનેઝુએલાના તેલનો ખરીદદાર નથી, પરંતુ દેશના તેલ ક્ષેત્રમાં રોકાણ કરનારા થોડા દેશોમાંનો એક પણ છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અનુસાર , ૨૦૦૦ માં લેટિન અમેરિકાની કુલ નિકાસમાં ચીનનો હિસ્સો ૨ ટકા કરતાં ઓછો હતો. ૨૦૨૧ સુધીમાં ચીન અને લેટિન અમેરિકા વચ્ચેનો વેપાર ૪૫૦ અબજ ડોલરને વટાવી ગયો હતો. ચીનના સરકારી મીડિયા અનુસાર, તે વેપાર ૨૦૨૪ માં વધીને રેકોર્ડ ૫૧૮ અબજ ડોલર થવાની ધારણા છે. કેટલાક અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે ૨૦૩૫ સુધીમાં આ આંકડો ૭૦૦ અબજ ડોલરને વટાવી શકે છે. હાલમાં ચીન દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.

૧૯૯૦ ના દાયકાના અંતમાં જ્યારે સમાજવાદી નેતા હ્યુગો ચાવેઝ ૧૯૯૮ માં સત્તા પર આવ્યા ત્યારે ચીનના વેનેઝુએલા સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. ચાવેઝે પોતાને અમેરિકાથી દૂર રાખ્યા હતા અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના શાસન મોડેલની પ્રશંસા કરી હતી. ૨૦૧૩ માં ચાવેઝના મૃત્યુ પછી નિકોલસ માદુરો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને આ સંબંધ વધુ મજબૂત બન્યો હતો. ચીને વેનેઝુએલાની તેલ રિફાઇનરીઓ અને માળખાગત સુવિધાઓમાં ભારે રોકાણ કર્યું છે.

૨૦૧૭ થી અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા પ્રતિબંધો કડક કર્યા પછી, વેનેઝુએલા માટે આ એક મોટી નાણાંકીય સહાય સાબિત થઈ હતી. ચીનના કસ્ટમ ડેટા દર્શાવે છે કે ચીને ૨૦૨૪ માં વેનેઝુએલા પાસેથી આશરે ૧.૬ અબજ ડોલરનો માલ ખરીદ્યો હતો. આમાંથી લગભગ અડધું તેલ હતું. અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના ૨૦૨૩ના અંદાજ મુજબ, ૨૦૧૬ થી ચીની કંપનીઓએ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં ૨.૧ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેઓ એવી થોડી વિદેશી કંપનીઓમાંની એક છે, જેમને હજુ પણ દેશમાં કામ કરવાની મંજૂરી છે. ચીનની સરકારી કંપની સિનોપેક ગ્રુપ તેલ ક્ષેત્રમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

માદુરોની ધરપકડના કલાકો પહેલાં લેટિન અમેરિકા અને કેરેબિયન માટે ચીનના ખાસ પ્રતિનિધિ ક્યુ ઝિયાઓકી કારાકાસમાં હતા અને માદુરો સાથે તેમણે મુલાકાત કરી હતી. આ હુમલો ચીન માટે એક મોટો ફટકો હતો. ચીનના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમે ચીનને વેનેઝુએલાના વિશ્વસનીય મિત્ર તરીકે જોવા માંગતા હતા. વેનેઝુએલાના નેતા સાથે ચીનની વ્યૂહાત્મક મિત્રતા રહી છે, તેથી તેમના પ્રસ્થાનને ચીન માટે ફટકો માનવામાં આવી રહ્યો છે.

વિશ્લેષકો કહે છે કે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને એક મુખ્ય વૈશ્વિક વેપાર ભાગીદાર ચીન અમેરિકન કાર્યવાહી સામે પ્રતિકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ચીન સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વિકાસશીલ દેશો સાથે અમેરિકા વિરુદ્ધ અભિપ્રાય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયા અને મેક્સિકો સામે લશ્કરી કાર્યવાહીની ધમકી પણ આપી છે અને કહ્યું છે કે ક્યુબાની સામ્યવાદી સરકાર પતન માટે તૈયાર દેખાય છે. આવી સ્થિતિમાં જે લેટિન અમેરિકન દેશોએ ચીનના ગ્લોબલ સિક્યુરિટી ઇનિશિયેટિaવ પર હસ્તાક્ષર કર્યા છે તેઓ હવે વિચારી શકે છે કે આ કરાર તેમને કટોકટીના સમયમાં કેટલી સુરક્ષા પૂરી પાડશે.

દરમિયાન વેનેઝુએલા પરના અમેરિકી હુમલા બાબતમાં ભારતે ‘નરો વા કુંજરો વા’ જેવું નિવેદન આપ્યું છે, તેની પણ ટીકા થઈ રહી છે. અમેરિકાની કાર્યવાહીના ૨૪ કલાક પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ‘ભારત વેનેઝુએલાનાં લોકોની સલામતી અને સુખાકારી માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. અમે તમામ સંબંધિત પક્ષોને વાતચીત અને શાંતિપૂર્ણ માધ્યમથી મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરીએ છીએ.’ સરકારના આ નિવેદનથી વિરોધ પક્ષોમાં અસ્વસ્થતા ફેલાઈ છે અને ઘણાં લોકોએ અમેરિકન આક્રમણની નિંદા ન કરવા બદલ તેની ટીકા કરી છે. આ પ્રતિક્રિયા રશિયાના યુક્રેન પરના હુમલા દરમિયાન આપેલી પ્રતિક્રિયા જેવી જ હતી. તે સમયે, ભારતે કોઈ પણ એક પક્ષને સમર્થન આપવાનું ટાળ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top