સુરત: એક સમયે પોતાના નફાની 30 % મૂડી હીરાજડિત વીંટી અને અન્ય પ્રોડક્ટ માટે ખર્ચ કરનાર ચીનની (China) ટોચની ડાયમંડ જ્વેલરી કંપની ‘આઈ-ડુ’ એ ચીનની કોર્ટમાં 600 કરોડમાં નાદારી નોંધાવતાં સુરત-મુંબઈની (Surat-Mumbai) જાણીતી ડાયમંડ જ્વેલરી કંપનીની મૂડી આ નાદારી કેસને લીધે ફસાઈ છે. ગઈકાલે મોડી રાતે હોંગકોંગમાં ઓફિસ ધરાવનાર સુરત, મુંબઈની કંપનીઓના મેનેજરોએ ત્યાંના મીડિયામાં આવેલા હેવાલોની જાણ કરતાં સુરતમાં હીરા ઉદ્યોગનાં મોટાં માથાંની ઊંઘ ઊડી ગઈ હતી.
ચીનમાં ઘટી રહેલા લગ્ન દર, રશિયા-યુક્રેન યુદ્ધ અને યુરોપિયન દેશોમાં વૈશ્વિક આર્થિક મંદીને લીધે બેંકોના વ્યાજ હેઠળ આ કંપની મુશ્કેલીમાં મુકાઈ છે. ચીનમાં સસ્તી ડાયમંડ રિંગ બ્રાન્ડ્સ માટે આ કંપની વિખ્યાત હતી. એફોર્ડેબલ ડાયમંડ બ્રાન્ડ 2006માં લોન્ચ થયા બાદ તેના સફળ માર્કેટિંગ પ્રયાસોને લીધે આ કંપની ઘરે ઘરે જાણીતી બની ગઈ હતી. ગયા મહિને ડિસેમ્બરમાં હોંગકોંગની સેલિબ્રિટી જોર્ડન ચાન અને તેની પત્ની ચેરી યિંગ તેમની 12મી લગ્ન વર્ષગાંઠની ઉજવણીમાં આ કંપનીનાં એમ્બેસેડર બન્યાં હતાં.
જાન્યુઆરી-2023ની શરૂઆતમાં હીરા કંપનીએ અચાનક નાદારી માટે અરજી કરી ત્યારે તે ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતું. ચાઇનીઝ કોર્પોરેટ ડેટાબેઝ તિયાન્યાન્ચા અનુસાર આઇ ડુની પેરેન્ટ કંપની હેંગક્સિન્ક્સિલીએ નાદારીના પુનઃ ગઠન માટે અરજી કરી છે. 13 જાન્યુઆરીના રોજ હેંગક્સિન્ક્સિલીએ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી કે, ચીનની બહુવિધ અદાલતોએ કંપની અને તેના સીઇઓ લી હોલિન પર કરારો દ્વારા નિર્ધારિત અન્ય કંપનીઓને ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ નાણાકીય પ્રતિબંધો મૂક્યા છે. એટલે તે લેણદારોને પેમેન્ટ કરી શકતી નથી. 1.67 અબજના દેવાને લીધે કંપનીનો ડેટ રેશિયો 39.4 % થઇ ગયો હતો. હોંગકોંગમાં વેપાર કરનાર સુરતના ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, ભારતની કંપનીઓ ઉપરાંત ચીનના સેન્ઝેનની જાણીતી કંપનીઓએ એમાં નાણાકીય રોકાણ કર્યું હતું.
ઓક્ટોબર-2022માં કંપનીએ બેલેન્સ સીટ સુધારવા અનૌપચારિક રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કર્યા હતા. મહિનાઓ સુધી પગાર ચૂકવવામાં વિલંબ થવા બદલ મામલો ઓક્ટોબરમાં જ કોર્ટમાં પહોંચ્યો હતો. લાંબા ચાલેલા કોરોના કાળમાં એનું વેચાણ ઘટ્યું હતું. યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીને લીધે એનું દેવું સતત વધતું રહ્યું હતું. ચીનની કંપની સુરત અને મુંબઇના જાણીતા હીરા ઉદ્યોગકારો પાસે તૈયાર હીરા અને કેટલાક મેન્યુફેક્ચરર પાસે ડાયમંડ જ્વેલરી તૈયાર કરી ક્રેડિટ પર મંગાવતી હતી. 2006થી આ દ્વિપક્ષીય વેપાર ચાલી રહ્યો હતો.
નાદારી નોંધાવનાર ચીનની ડાયમંડ-જ્વેલરી કંપનીને ટેક ઓવર કરવા પ્રયાસ ચાલી રહ્યા છે
સુરત ડાયમંડ એસોસિએશનના માજી પ્રમુખ અને હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ચીનની કંપની અંગેના સમાચાર સોશિયલ મીડિયા મારફતે મળ્યા હતા. એવી પણ બિન સત્તાવાર માહિતી મળી રહી છે કે, આપણા અનેક ઉદ્યોગકારોના રૂપિયા આ કંપનીમાં છે. પરંતુ હોંગકોંગથી એવું પણ જાણવા મળ્યું છે કે, ચાર મોટી કંપનીઓ અન્ય કંપનીઓ સાથે મળી આ કંપનીને હસ્તગત કરવા માટેના પ્રયાસો કરી રહી છે. જેણે મૂડી લેવાની છે તેઓ પણ કોર્ટમાં પોતાનાં બાકી લેણાં માટે જશે. વિશ્વના હીરા ઝવેરાત માર્કેટ પર નેગેટિવ અસર ન થાય એ માટે ‘આઇ-ડુ’ કંપનીને કોઇપણ ભોગે તેનું કામકાજ ચાલુ રાખવા માટે અન્ય કંપનીઓ દ્વારા કંપનીનો વહીવટ હસ્તગત કરવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્ય માટે ભારતીય કંપનીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.