ડીપસીક નામનો શાબ્દિક અર્થ ‘ઊંડું શોધન’ એવો થાય પણ બીજી રીતે જોઈએ તો આ નામની નવતર ચીની કંપનીએ દુનિયાની અને ખાસ કરીને અમેરિકાની ડિજિટલ ટેકનોલોજી કંપનીઓને ઊંડી રીતે બીમાર પાડી દીધી છે. ડીપસીક એ.આઈ. (આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ) ક્ષેત્રમાં અમેરિકાની તોતિંગ કંપનીઓ પોતપોતાનાં પ્લેટફોર્મ્સ તૈયાર કરી રહી હતી અને એઆઈ ધરાવતાં સાધનો માણસોની નોકરી ધંધા છીનવી લેશે એવો ડર છેલ્લાં થોડા વરસોથી સતત વ્યક્ત થઇ રહ્યો છે.
ઓપનએઆઈ કંપનીનું ચેટજીટીપી તો બઝારમાં આવી ગયું છે પણ નવી ટેકનોલોજીઓની નવી પ્રોડક્ટ્સનું દુકાનોના કબાટોમાં ખૂબ ટૂંકી લાઈફ, સમજો કે ત્રણ મહિનાની ગણાતી હોય છે અને ચીનની ડીપસીક કંપનીએ ચોર પગલે બઝારમાં પોતાનું એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા)નું મોડેલ રજૂ કરીને અમેરિકાની ખ્યાતનામ કંપનીઓને ભોંઠી પાડી દીધી છે. બેથી ત્રણ ટ્રિલિયન ડોલરની કંપનીઓના શેર્સની કિંમત ધડામ કરતાં નીચે આવી ગઇ અને દુનિયાની ખાસ કરીને અમેરિકાની નાસ્ડાકમાં અફડાતફડી મચી ગઈ. હમણાં બે-ત્રણ વરસની જેનું નામ ખૂબ ચગ્યું હતું તે એનવિડિયા કંપનીના શેરોની કિંમતે એ ભૂસકો મારીને લગભગ આત્મહત્યા કરી નાખી.
આ તરફ અમેરિકા ડેનમાર્કની માલિકીનો ગ્રીનલેન્ડ ટાપુ ખરીદી લેવાની અને વેચાતો ન મળે તો બળજબરીથી પચાવી પાડવાની કેનેડાને એકાવનમું રાજ્ય બનાવવાની અને પનામા જાહેરનો કબજો ચીનના હાથમાંથી મુકત કરાવવાની વાતો કરી રહ્યું હતું. ચીન, ભારત અને બીજા દેશોનાં ઉત્પાદનોની આયાત પર ઊંચા કરવેરા (ટેરિફ) લાદવાની ધમકીઓ આપી રહ્યું હતું, ત્યારે ચીનની, હમણાં સુધી નગણ્ય હતી એવી કંપનીએ, અમેરિકાની કંપનીઓની સરખામણીમાં ખૂબ ઓછા ખર્ચે, લાર્જ લેંગ્વેઝ મોડેલ, એલએલએમ બઝારમાં ચોર પગલે આવીને રજૂ કરી દીધું અને અમેરિકાને ગર્ભિત ચેતવણી પણ આપી દીધી કે ટેરિફ બેરિફની વાત ઠીક છે પણ ટેકનોલોજીમાં અમે પાછળ નથી.
ચીને અમેરિકાના લાડ દુલારથી ઊછરી રહેલા અને જાડા મોટા રહેલા એઆઈ સેકટરને ખુલ્લું પાડી દીધું છે. જો કે માત્ર આ એક ઘટનાથી અમેરિકા નબળું પડી ગયું છે તેમ કહી શકાય નહીં. ટેકનોલોજી અને નાણાંની તાકાત બાબતે હજી તે વરસો સુધી અવ્વલ રહેશે, પણ ચીન મક્કમ પગલે, શાંત રહીને ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. અમેરિકાની ખૂબી એ છે કે એ પોતાને ત્યાં દુનિયાભરમાંથી તેજસ્વી લોકોને ખેંચી લાવે છે. એ જ રીતે ચીન પણ હવે જપાન તેમ જ દૂર પૂર્વના દેશોનાં તેજસ્વી લોકોને ખેંચવા માંડયું છે. ચીન પોતે જ ભારત જેટલી વસતિ ધરાવે છે અને યોગ્ય તકો પૂરી પડાય તો ઘર આંગણે જ પૂરતાં તેજસ્વી લોકો મળી આવે. ભારતના ગ્રામીણ ઇલાકાઓમાં અનેક સુંદર પિછાઈઓ, સત્યનાદેલાઓ કિસાનો અને વધુમાં વધુ શિક્ષકો કે કલાર્કો બનીને રહી ગયા હશે.
ગયા વરસમાં એ ચર્ચાઓ અને કાર્યક્રમો જોરશોરથી શરૂ થયા હતા કે એઆઈના ડેટા સેન્ટરોને ખૂબ મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડશે, કારણ કે દુનિયાભરમાંથી લોકો એઆઈનો ઉપયોગ કરશે. તે મશીનોને પ્રોસેસ અને ટ્રેનિંગ કરવા માટે અનેકગણી વીજળી વપરાશે. ત્યાં સુધી કે અમેરિકાની ગુગલ જેવી મોટી કંપનીઓએ લગભગ દોઢી કિંમત ચૂકવીને પાવરહાઉસ ખરીદવા માંડયા હતા. નાનાં નાનાં કદનાં અણુવિદ્યુત મથકો સ્થાપવાના પણ કરારો થયા હતા.
એઆઈના આગમનથી સ્વાભાવિકપણે વીજળીની ખપત વધશે, પણ ડીપસીક દ્વારા પુરાવાર કરવામાં આવ્યું છે કે મેટાનાં ‘લામા’ નામક એઆઈ મોડેલને ટ્રેઈન કરવા માટે કોમ્પ્યુટિંગ પ્રોસેસ માટે જેટલી વીજળીની જરૂર પડે છે તેના કરતાં દસ ગણી ઓછી વીજળી ડીપસીક વાપરે છે. વળી એક વખત ચાલુ કર્યા બાદ ડીપસીક, અમેરિકાની ઓપન એઆઈના ચેટજીટીપી મોડેલ કરતાં પણ સરળ, કાર્યક્ષમ અને સસ્તું પડે છે. કારણ કે એ ચાલુ હોય ત્યારે એના કૃત્રિમ મગજનો જે ભાગ વાપરવો જરૂરી હોય એટલો જ વાપરે છે. બાકીના ભાગો બંધ કરી દે છે. માણસની અને મશીનની લગોલગ સરખામણી ન થઇ શકે છતાં ઘણાં માણસો પણ આ પ્રકારનાં હોય છે.
ઘણાંનાં મગજનાં તમામ ભાગો સતત ચાલતા હોય છે અને અમુક માણસોનાં તમામ બંધ હોય છે. એ ચાલવા પ્રમાણે તેઓને ઊર્જાની જરૂર પડે છે. એવું એઆઈ મોડેલ્સનું પણ છે. હવે આ નવી સ્થિતિનું પરિણામ એ આવ્યું છે કે જો ડીપસીક માત્ર દસ ગણી ઓછી વીજળીથી ચાલવાનું હોય તો ગયા વરસમાં જે ધારવામાં આવતી હતી એટલી ઊંચી વીજળીની માગ રહેશે નહીં. છેલ્લા એક વરસથી પાવર જનરેશન કંપનીઓના શેર્સની કિંમતમાં જે ઉન્માદ જોવા મળ્યો હતો તે પણ ઓસરી ગયો છે. અમેરિકા ચીનનાં ઉત્પાદનો પર લગભગ ત્રીસથી સાઠ ટકા જેટલો ટેરિફ લાદે તો પણ બાકીની દુનિયા એ સાધનો જ પસંદ કરશે જે વસાવવાનું અને વાપરવાનું સસ્તું હોય. જો કે ડીપીસીક વાપરવાનું સસ્તું પડશે તેથી તેનો વપરાશ પણ વધશે અને એટલા પ્રમાણમાં વધુ વીજળીની જરૂર પડશે.
ઝડપથી બદલાતી ટેકનોલોજીના આ યુગમાં આવતી કાલે શું બનશે તે કહેવું મુશ્કેલ છે. નિવડયા પછી વખાણ થઇ શકે. અમેરિકા પાસે પણ તેજસ્વી લોકોની કમી નથી. તેઓ પણ વધુ કાર્યક્ષમ મશીનો બનાવતાં થશે. સેમિકંડકટરો અર્થાત્ ચિપ્સ બનાવતી એનવિડિઆ કંપનીની ગયા વરસમાં બોલબાલા હતી અને એપલને વળોટીને દુનિયાની સૌથી મોટી કંપની પણ બની હતી. ડીપસીકના આગમનથી શેરધારકો ચિંતામાં મૂકાયા અને ગયા સોમવારે બઝાર ખુલી તેની કિંમતમાં ધડામ કરીને તેર ટકાનો ઘટાડો થઇ ગયો. 465 અબજ ડોલરનું (લગભગ ચાલીસ હજાર અબજ રૂપિયા)નું ધોવાણ થઇ ગયું.
તેના પરિણામે નેસ્ડાક હન્ડ્રેડમાં સમાવિષ્ટ કંપનીઓમાં 3.6 (ત્રણ પોઈન્ટ છ) ટકાનું ધોવાણ થયું. અમેરિકાની એ.આઈ. કંપનીઓએ એઆઈ મોડેલ્સ વિકસાવવામાં અબજો ડોલરનું મૂડીરોકાણ કર્યું છે અને પ્રમાણેમાં લાંબો સમય લીધો છે તેની સામે એક નવી અર્થાત્ સ્ટાર્ટઅપ કંપની ઓછા ખર્ચમાં વધુ ઝડપથી બઝારમાં મોડેલ લઇને કેવી રીતે આવી ગઇ? ચોક્કસપણે જ તેની પાછળ ચીનની સરકારનો તન, મન, ધનથી સપોર્ટ હશે. ચીન વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં ખાનગીમાં આગળ વધી રહ્યું છે. ઉચ્ચ ટેકનોલોજીમાં આ સામ, દામ, દંડ અને ભેદમાંથી જે નીતિની જરૂર પડે તે વાપરે છે. પશ્ચિમની શોધોની નકલ કરી વાપરે છે અને રોયલ્ટી પણ ચૂકવતું નથી.
ચીનને ત્યાં પગાર અને મજૂરીના દર સસ્તા છે. આ સામ્યવાદી દેશે વિજ્ઞાનને પરમ ધર્મ માન્યો છે. દર ચાર વરસે પ્રમુખ બદલતા હોવાથી અમેરિકા ઉલ્ટા રસ્તે નહીં ચડે. ચડશે તો પાછું વળી જશે, છતાં સતત નવા આવિષ્કારો કરી રહેલું ચીન અમેરિકા સામે જરૂર પડકારરૂપ છે. લોકશાહીમાં અનેક ગેરફાયદાઓ પણ છે, જેમ કે પ્રમુખો બદલાય તેની સાથે નીતિ નિયમો બદલાય. હજી કોઇક દિશામાં આગળ વધ્યા હોય ત્યાં જ પાછાં પગલાં ભરવાનાં થાય. બે ડગલાં આગળ, એક ડગલું પાછળ, ચીનને આ સમસ્યા નડતી નથી. છતાં બોલવા, લખવા કે સરકાર પસંદ કરવાની સ્વતંત્રતામાં પ્રજાને જે ખુશી અને આનંદ મળે છે તે માત્ર સાધનો વસાવવાથી નથી મળતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.