National

ભારત પર 50% ટેરિફ સામે ચીનને સખત વાંધો

નવી દિલ્હી, તા. 21 (PTI) : ચીનના રાજદૂત શુ ફેઈહોંગે ​​ગુરુવારે અહીં જણાવ્યું હતું કે, ચીન ભારત પર 50 ટકા સુધીના ટેરિફ લાદવા અને તેને વધુ વધારવાની અમેરિકાની દાદાગીરીનો સખત વિરોધ કરે છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા, ફેઇહોંગે ​​એમ પણ કહ્યું હતું કે ટેરિફ અને ટ્રે઼ડ વોર વૈશ્વિક આર્થિક અને વેપાર વ્યવસ્થાને વિક્ષેપિત કરી રહ્યા છે. ચીની રાજદૂતની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત-ચીન સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે મૌન દાદાગીરી કરનારાઓને મજબૂત બનાવે છે. ચીન આ સંદર્ભમાં ભારતની સાથે ઊભું રહેશે. તેમણે કહ્યું કે અમે ચીની બજારમાં ભારતીય માલનું સ્વાગત કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં આઇટી, સોફ્ટવેર, બાયોમેડિસિનમાં અત્યાધુનિક ટેકનોલોજી છે. જ્યારે ચીન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, માળખાગત સુવિધા, બાંધકામમાં આગળ છે. જો આ બે મોટી બજાર શક્તિઓ એક સાથે આવે છે, તો પરિણામ મોટું આવશે. અહીં આઇઆઇસી ખાતે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, ચીનના રાજદૂતે વિવિધ દેશો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે અને તેને વધારવાની ધમકી પણ આપી છે. ચીન આનો સંપૂર્ણ વિરોધ કરે છે.

આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટનો ઉલ્લેખ કરતા, ફેઈહોંગે ​​કહ્યું કે તેમનો દેશ મિત્રતા, એકતા અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે એસસીઓ સમિટનું આયોજન કરવા માટે ભારત સહિત તમામ દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે આપણે સાથે મળીને ડ્રેગન-એલિફન્ટ ટેંગોનો એક નવો અધ્યાય ખોલી શકીએ છીએ. એટલે કે જો ભારત અને ચીન સુમેળ અને સહયોગથી આગળ વધે, તો તેઓ વૈશ્વિક સ્તરે સકારાત્મક અસર કરી શકે છે.

ભારત અને ચીને મંગળવારે સ્થિર, સહકારી અને ભવિષ્યલક્ષી સંબંધો માટે અનેક પગલાંની જાહેરાત કરી. આમાં સરહદ પર શાંતિ જાળવી રાખવી, સરહદી વેપાર ફરી ખોલવો, રોકાણ પ્રવાહને પ્રોત્સાહન આપવું અને વહેલી તકે સીધી હવાઈ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. બે એશિયન દિગ્ગજોની પૂર્ણ વૃદ્ધિ સંભાવનાને સાકાર કરવાના હેતુથી આ જાહેરાતો એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ચીન અને ભારતે એક સંયુક્ત દસ્તાવેજમાં આ પગલાંઓની યાદી આપી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

Most Popular

To Top