ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીને ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો પરંતુ હવે એવી હકીકત બહાર આવી છે કે ચીને પાકિસ્તાનને માત્ર રાજદ્વારી જ નહીં પરંતુ લશ્કરી ટેકો પણ આપ્યો હતો અને ચીને પાકિસ્તાની સેનાને સેટેલાઇટ સપોર્ટ પણ આપ્યો હતો.
બ્લૂમબર્ગે એક ભારતીય થિંક ટેન્કને ટાંકીને તેના એક અહેવાલમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને ભારતના બદલો લેવાથી બચવા માટે પાકિસ્તાનને તેની એર ડિફેન્સ સિસ્ટમ અને રડારોને યોગ્ય સ્થળોએ ગોઠવવામાં મદદ કરવા માટે તેના ઉપગ્રહોનો ઉપયોગ કર્યો હતો.
પહેલગામ આતંકવાદી હુમલા પછી જ્યારે ભારત સરકાર પાકિસ્તાન સામે બદલો લેવાની યોજના બનાવી રહી હતી ત્યારે તે 15 દિવસના સમયગાળા દરમિયાન ચીને તેના ઉપગ્રહો દ્વારા પાકિસ્તાનને મદદ પૂરી પાડી જેથી ભારતીય શસ્ત્રોની જમાવટ શોધી શકાય.
ભારતના થિંક ટેન્ક ‘સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ’ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ચીનના સેટેલાઇટ સપોર્ટથી પાકિસ્તાનને તેની એર ડિફેન્સ સિસ્ટમ અને રડારને ફરીથી ગોઠવવામાં મદદ મળી. ચીને પાકિસ્તાનને એર ડિફેન્સ સિસ્ટમ પણ પૂરી પાડી હતી. ભારત સરકારે જાહેરમાં આ સંઘર્ષમાં ચીનની સંડોવણીનો સ્વીકાર કર્યો નથી પરંતુ પાકિસ્તાને કહ્યું છે કે તેણે લડાઈમાં ચીની શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
ભારતીય થિંક ટેન્કે કહ્યું કે એ સ્પષ્ટ છે કે ચીને રાજદ્વારી સમર્થન ઉપરાંત લોજિસ્ટિકલ અને ગુપ્તચર સહાય ઉપરાંત પાકિસ્તાનને લશ્કરી સહાય પણ પૂરી પાડી હતી. આ રિપોર્ટની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝના સલાહકાર બોર્ડમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતની ત્રણેય સેનાના ટોચના કમાન્ડરોનો સમાવેશ થાય છે.
ચીનના એર ડિફેન્સનું પર્ફોમન્સ ખૂબ જ ખરાબ હતું
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ મુદ્દે ચીન, ભારત કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ ચીનની મુલાકાત લીધી હતી. થિંક ટેન્ક સાથે સંકળાયેલા કુમારે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ચીને એક રીતે પોતાના શસ્ત્રોનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચીનની એર ડિફેન્સ સિસ્ટમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નોંધપાત્ર રીતે સારું કામ કર્યું અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા લગભગ દરેક હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યો.
બે મોરચે યુદ્ધની શક્યતા વધી ગઈ છે
કુમારે કહ્યું કે ભારત પહેલાથી જ બે મોરચે યુદ્ધનો ભય રાખતું હતું પરંતુ હવે જે રીતે ચીને પાકિસ્તાનને ટેકો આપ્યો છે તેનાથી આ આશંકા વધુ વધી ગઈ છે અને ભારત પણ હવે આ દિશામાં યોજના બનાવી રહ્યું છે. કુમારે કહ્યું કે જ્યાં સુધી પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ ન હોય ત્યાં સુધી ચીન પાકિસ્તાનને મદદ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ જો ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ થાય તો પાકિસ્તાન ચોક્કસપણે ચીનના સમર્થનમાં આવી શકે છે.
22મી એપ્રિલે પહેલગામમાં શું થયં હતું?
ગઈ તા. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર બદલો લેવા માટે હવાઈ હુમલા કર્યા, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ શરૂ થયો.
સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને અનેક ભારતીય શહેરો પર હવાઈ હુમલા કર્યા પરંતુ ભારતે તેની એર ડિફેન્સ સિસ્ટમથી બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ત્યાર બાદ ભારતે પણ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના ઘણા લશ્કરી મથકો અને હવાઈ મથકો પર હવાઈ હુમલા કર્યા. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.