ચીન એ આજે તેના વિવિધ પ્રકારના ઉત્પાદનો માટે વિશ્વભરમાં અગ્રણી નિકાસકાર દેશ બની ગયો છે. તેના ઉત્પાદનોની વિશેષતા એ હોય છે કે તે પ્રમાણમાં સસ્તા હોય છે. તેના બે પ્રકારના ઉત્પાદનો છે, એક તો જેને ડમ્પિંગનો માલ કહેવામાં આવે છે તે તેની નોન બ્રાન્ડેડ વસ્તુઓ, જે ખૂબ જ સસ્તા ભાવે વિશ્વભરના દેશોમાં ઠલવાય છે અને બીજી તેના બ્રાન્ડેડ ઉત્પાદનો, જે પણ વિશ્વભરમાં નિકાસ થાય છે, પરંતુ અન્ય દેશોના સમકક્ષ ઉત્પાદનો કરતા આ ચીની ઉત્પાદનોનો ભાવ પણ સામાન્ય રીતે ઓછો જ હોય છે.
આમાં ડમ્પિંગનો માલ કોઇ ગેરંટી વિનાનો હોય છે. તેની ગુણવત્તા શંકાસ્પદ હોય છે પરંતુ ઘણા ચીની બ્રાન્ડેડ ઉત્પાદનોની ગુણવત્તા એકંદરે સારી હોય છે અને તે વિશ્વભરમાં વેચાઇ રહ્યા છે. અમેરિકી અને જાપાનીઝ કંપનીઓને પણ ચીને ઘણા ઉત્પાદનોમાં હંફાવી દીધી છે. આ ચીન હવે આજકાલ વિશ્વમાં બહુચર્ચિત એવા કૃત્રિમ બુદ્ધિમતા કે એઆઇના ક્ષેત્રમાં પણ કાઠુ કાઢવા માંડ્યું છે અને એક ચીની એઆઇ સ્ટાર્ટઅપે સિલિકોન વેલીને ધ્રુજાવી દીધી છે જેણે એક સફળ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પુરી પાડી છે જે હવે વિશ્વના સૌથી શ્રેષ્ઠ એઆઇ મોડેલોને ઝાંખા પાડી રહ્યું છે.
જેણે હવે તરખાટ મચાવવા માંડ્યો છે તે ચીનના એઆઇ મોડેલનું નામ ડીપસીક છે. અમેરિકામાં તો ડીપસીકની એઆઇ આસિસ્ટન્ટ તેના હરીફ ચેટજીપીટીથી આગળ નિકળી ગઇ છે જે અમેરિકામાં એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ ટોપ-રેટેડ ફ્રી એપ્લિકેશન બની ગઇ છે. ડીપસીકની સ્થાપના 2023 માં લિયાંગ વેનફેંગ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક એન્જિનિયર અને ઉદ્યોગ સાહસિક છે જે કૃત્રિમ બુદ્ધિ અને ક્વોનટિટેટિવ ફાયનાન્સના ક્ષેત્રમાં નિષ્ણાત છે. ડીપસીક બનાવતા પહેલા, તેમણે નાણાકીય ડેટાનું વિશ્લેષણ કરવા માટે AI નો ઉપયોગ કરવા માટે જાણીતા હેજ ફંડનું નેતૃત્વ કર્યું હતું. હવે લિયાંગની ટીમમાં ટોચની ચીની યુનિવર્સિટીઓમાંથી આાવેલા નવા સ્નાતકોનો સમાવેશ થાય છે.
કંપનીએ હવે એવા AI મોડેલો વિકસાવ્યા છે જે ઓપન-સોર્સ છે અને વિશ્વભરના વિકાસકર્તાઓને તેમની ટેકનીકોને સુધારવામાં મદદ કરે છે. તેના અચાનક ઉદય સાથે, ડીપસીક અને ઓપનએઆઈ વચ્ચે સરખામણી કરવામાં આવી રહી છે. એક વસ્તુ જે ડીપસીક R1 ને સ્થાપિત કરે છે તે એ છે કે તે માણસની વિચાર કરવાની રીતનું અનુકરણ કરે છે, તે અન્ય AI મોડેલોથી અલગ છે કે તે પ્રોમ્પ્ટનો પ્રતિભાવ આપતા પહેલા તેનું તર્ક પણ પ્રદાન કરે છે. કંપની દાવો કરે છે કે તેનું પ્રદર્શન ઓપનએઆઈની નવીનતમ તકનીકની સમકક્ષ છે. ડીપસીકના AI મોડેલો ઓપનએઆઈ અને મેટાના અગ્રણી ઉત્પાદનોની તુલનામાં ઘણા ઓછા ખર્ચે વિકસાવવામાં આવ્યા છે, જે Nvidiaના જેવા હાઇ-એન્ડ AI એક્સિલરેટરમાં મોટા રોકાણની જરૂરિયાત અંગે પ્રશ્નો ઉભા કરે છે.
ચીનનું આ એઆઇ મોડેલ અમેરિકી કંપનીઓને કેટલી હદે હંફાવી શકે છે તેનો સંકેત અમેરિકી શેરબજાર પર તેની થયેલી અસરમાંથી મળી રે છે. ચીનના એઆઇ સ્ટાર્ટઅપ ડીપસીકની આગકૂચે સોમવારે અમેરિકાના શેરબજારમાં ગભરાટ સર્જ્યો હતો અને ખાસ કરીને ટોચના ટેક શેરો ગગડી જતા ઇન્ડેક્સોને મોટી અસર પહોંચી હતી. વોલ સ્ટ્રીટના ઇન્ડેક્સો સોમવારે સવારે ૩ ટકા જેટલા ગગડી ગયા હતા. ચીની એઆઇ ડીપસીક તેના અમેરિકી હરીફો ઓપનએઆઇ અને ગૂગલને પડકારી રહી છે અને વળી તે ઘણા ખર્ચે તૈયાર થઇ છે તે બાબતે શેરબજારમાં એવી ચિંતા સર્જી હતી કે અમેરિકાના ટોચના ટેક શેરો ઓવરવેલ્યુડ છે. રોકાણકારોએ પ્રિમાર્કેટ ટ્રેડિંગમાં ૧ ટ્રિલિયન ડોલર જેટલી કિંમતના ટેકનોલોજી શેરો વેચવા કાઢ્યા હતા જેને પગલે સપ્તાહના પ્રથમ દિવસે સવારે સાડા નવના સુમારે એેસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૧.૭ ટકા જેટલો ઘટી ગયો હતો જ્યારે ટેક હેવી નાસ્ડેકને સોથી વધુ અસર થઇ હતી જે ૩ ટકા કરતા વધુ ગગડી ગયો હતો. બજારના ઇતિહાસમાં આ સૌથી મોટો ધબડકો છે એમ બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. આ એનું ઉદાહરણ છે કે ચીનના એઆઇ મોડેલો પણ હવે અમેરિકામાં અને અન્યત્ર તરખાટ મચાવવા તૈયાર છે.
રોકાણકારો અને યુએસ ટેક જાયન્ટ્સ ડીપસીકને લઈને ગભરાટમાં કેમ છે? કારણ એ છે કે ડીપસીક ઓપનએઆઈના ચેટજીપીટી જેવા સ્થાપિત મોડેલો માટે જરૂરી ખર્ચના પ્રમાણમાં ખૂબ સસ્તામાં બનાવવામાં આવ્યું છે.આ એઆઈ એપ વિકસાવવામાં ફક્ત $6 મિલિયનનો ખર્ચ લાગ્યો, જે ઓપનએઆઈ, ગૂગલ અથવા મેટા જેવી ટોચની યુએસ કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા અબજો ડોલર કરતા ઘણો ઓછો છે.
ઓછા વિકાસ ખર્ચ હોવા છતાં, તેનું પ્રદર્શન ઉદ્યોગ-અગ્રણી AI મોડેલ્સની સમકક્ષ છે. આ મહિનાની શરૂઆતમાં લોન્ચ થયા પછી તે પહેલાથી જ Appleના US એપ સ્ટોરમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ્લિકેશન બની ગઈ છે અને UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન અને સિંગાપોર જેવા દેશોમાં ChatGPT ને પાછળ છોડી દીધી છે. DeepSeek નું પેઇડ સબ્સ્ક્રિપ્શન પણ ChatGPT ની સરખામણીમાં વધુ સસ્તું છે, જેની ફી $20 પ્રતિ મહિને થી શરૂ થાય છે.આ બધી જ બાબતો અમેરિકી ટેક જાયન્ટોને ચિંતા કરાવનારી છે.
