Editorial

ચીને દ્વેષ વૃતિથી ભારતને વિશિષ્ટ ખાતરોની નિકાસ અટકાવી છે

હાલમાં એક એવા અહેવાલ બહાર આવ્યા છે કે ભારત તેના ખાસ ખાતરોના પુરવઠામાં અણધાર્યા અને ચિંતાજનક વિક્ષેપનો સામનો કરી રહ્યું છે, જેમાં ચીને બે મહિનાથી વધુ સમયથી ચૂપચાપ રીતે ભારતમાં નિકાસ બંધ કરી દીધી છે. આમ તો યુરિયા જેવા ખાતરો તો ભારતમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને અન્ય દેશોમાંથી પણ આ પ્રકારના ખાતરો તો ભારત મોટા પ્રમાણમાં આયાત કરી શકે છે. પરંતુ ચીનથી ભારત જે ખાતરોની આયાત કરે છે તે વિશિષ્ટ પ્રકારના ખાતર છે જે કેટલાક પાકોની ઉપજ વધારવા ખૂબ ઉપયોગી છે. આવા વિશિષ્ટ પ્રકારના ખાતરોના ઉત્પાદકો હજી ખૂબ ઓછા છે અને ભારતમાં હાલમાં આ ખાતરોની માગ નોંધપાત્ર રીતે વધી છે. ચીને કદાચ ભારતને માટે મુશ્કેલી ઉભી કરવા જ આ ખાતરોની નિકાસ બંધ કરી દીધી છે. તેણે સત્તાવાર રીતે તો નહીં પરંતુ અડચણો ઉભી કરીને આ ખાતરોની નિકાસ બંધ કરી દીધી છે. ફળો અને શાકભાજી જેવા ઉચ્ચ-મૂલ્યવાળા પાકોના ઉપજ વધારવા માટે મહત્વપૂર્ણ આ ખાતરો હવે બંને પડોશીઓ વચ્ચેના શાંત યુદ્ધમાં ફસાઈ ગયા છે.

ચીનથી આવતા આ ખાતરોનો પુરવઠો અટકી જવા અંગે કેટલીક મોટી આયાતકાર કંપનીઓના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ઔપચારિક નિકાસ પ્રતિબંધ નથી, ત્યારે ચીની સત્તાવાળાઓએ ભારત માટે શિપમેન્ટ ક્લિયર ન કરીને નિકાસને અસરકારક રીતે અવરોધિત કરી છે. એક અગ્રણી આર્થિક અખબારે આ ઉદ્યોગના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ચીની ફેક્ટરીઓમાંથી શિપમેન્ટ હવે કડક સરકારી નિરીક્ષણને પાત્ર છે, પરંતુ ફક્ત ભારત માટે જ. અન્ય દેશો હંમેશની જેમ ચીનથી ખાતરના કન્સાઇનમેન્ટ મેળવતા રહે છે.

ભારત માટે આ વખતે તે સંપૂર્ણ બંધ છે એમ સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એસોસિએશન (SFIA) ના પ્રમુખ રાજીબ ચક્રવર્તીએ જણાવ્યું હતું. ચીન છેલ્લા 4-5 વર્ષથી ભારતને સપ્લાય પર નિયંત્રણો મૂકી રહ્યું છે, પરંતુ ક્યારેય આવું થયું નથી, એટલે કે ખાતરોની નિકાસ સંપૂર્ણ બંધ કયારેય થઇ નથી. આ પહેલી વખત એવું બન્યુ છે કે ચીને આવા ખાતરોની ભારતે થતી નિકાસ સંપૂર્ણ અટકાવી દીધી હોય. છેલ્લા બે મહિના જેટલા સમયથી આ ખાતરોની ભારત આયાત કરી શકતું નથી. આ સમયગાળો બીજી રીતે પણ વિચારવા પ્રેરે તેમ છે.


પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી તેને પણ બે મહિના કરતા થોડો વધુ સમય થયો છે. એટલે ચીને પોતાના ખાસ સાથીદાર પાકિસ્તાનની વિનંતીથી તો આ ખાતરોની નિકાસ ભારતને બંધ નથી કરી દીધી ને? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. જો કે આ ખાતરોની નિકાસ અટકવાથી ભારતને કોઇ બહુ મોટો ફેર પડી જવાનો નથી. હાલ થોડુ સહન કરવુ પડશે પણ બાદમાં તેનો રસ્તો નિકળી આવશે.

ભારત તેના લગભગ 80 ટકા ખાસ ખાતરો, જેમ કે પાણીમાં દ્રાવ્ય પોષક તત્વો, પ્રવાહી પાંદડાવાળા ફીડ્સ અને બાયો-ઉત્તેજકો વગેરેની ચીનથી આયાત કરે છે. ઉદ્યોગના અંદાજ મુજબ, દેશ સામાન્ય રીતે જૂનથી ડિસેમ્બર પાકના સમયગાળા દરમિયાન લગભગ 150,000 થી 160,000 ટન આ ઉચ્ચ-કાર્યક્ષમ પોષક તત્વોની આયાત કરે છે. આ ખાતરો ભારતના સબસિડીવાળા ખાતર કાર્યક્રમનો ભાગ નથી અને મુખ્યત્વે ઉચ્ચ-મૂલ્યવાળા પાક અને પ્રિસિઝન ફાર્મિંગ માટે ઉપયોગમાં લેવાય છે. તેઓ ઉપજ વધારવા, માટીના સ્વાસ્થ્યને સુધારવા અને પર્યાવરણીય પ્રભાવ ઘટાડવામાં મદદ કરે છે.

જો કે ચીને ફક્ત આ ખાતરોની નિકાસ જ અટકાવી નથી. આ પહેલા તેણે કેટલાક અગત્યના ખનિજોની ભારતને નિકાસ પણ અટકાવી છે. ચીને ભારતને દુર્લભ પૃથ્વી ચુંબક અને અન્ય મહત્વપૂર્ણ સામગ્રીની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જેને ઘણીવાર અન્ય રાષ્ટ્રો દ્વારા વેપાર નિયંત્રણો અને ટેરિફના બદલા તરીકે જોવામાં આવે છે. જો કે ભારત સાથે ચીનને કોઇ ટેરિફ ઝઘડા નથી. અમેરિકા સાથે ટેરિફના ઝઘડાઓમાં તેણે અમેરિકાને દુર્લભ ખનિજોની નિકાસ અટકાવી તે સમજી શકાય છે. પરંતુ ભારત સામે નરી દ્વેષ વૃતિથી જ તેણે આ નિકાસ અટકાવી હોવાનું જણાય છે. અને હવે આ ખાતરની નિકાસ અટકાવી દેવામાં આવી છે. ભારતમાં ખાસ પ્રકારના ખાતરોની માંગ ઝડપથી વધી રહી છે, છતાં દેશમાં હજુ પણ તેને પહોંચી વળવા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો અભાવ છે. અત્યાર સુધી, સ્થાનિક ઉત્પાદનનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે. ચીનની અવળચંડાઇનો સામનો કરવા માટે ભારતે આ ખાતરોનું ઘર આંગણે ઉત્પાદન વધારવું જ પડશે.

Most Popular

To Top