ચીને તેની એરલાઇન્સને અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી નવાં વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. ચીને અમેરિકામાં બનેલા વિમાનના ભાગો અને ઉપકરણોની ખરીદી બંધ કરવાનો પણ આદેશ આપ્યો છે. અમેરિકાના ૧૪૫% ટેરિફના જવાબમાં ચીને આ જડબાંતોડ આદેશ જારી કર્યો છે. બોઇંગ એરોપ્લેન્સ એક અમેરિકન કંપની છે, જે એરોપ્લેન, રોકેટ, ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મિસાઇલોનું ઉત્પાદન કરે છે. આ કંપનીની સ્થાપના ૧૫ જુલાઈ, ૧૯૧૬ના રોજ વિલિયમ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી. ઘણા દેશોની એરલાઇન્સ બોઇંગ દ્વારા ઉત્પાદિત વિમાનોનો ઉપયોગ કરે છે. બોઇંગ અમેરિકાની સૌથી મોટી નિકાસકાર કંપની છે અને તે વિશ્વની ત્રીજી સૌથી મોટી સંરક્ષણ સોદા કરતી કંપની પણ છે. ચીનના આદેશને કારણે બોઇંગ કંપનીના શેરોના ભાવોમાં કડાકો બોલી ગયો હતો.
અમેરિકા સાથે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ચીને ૭ કિંમતી ધાતુઓ (રેર અર્થ મેટલ્સ) ની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીને કાર, ડ્રોનથી લઈને રોબોટ્સ અને મિસાઇલો સુધીની દરેક વસ્તુને એસેમ્બલ કરવા માટે જરૂરી ચુંબકના શિપમેન્ટને પણ ચીની બંદરો પર અવરોધિત કરી દીધા છે. આ સામગ્રી ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ વ્યવસાયો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વિશ્વભરની મોટર વાહન, વિમાન, સેમિકન્ડક્ટર અને શસ્ત્રો બનાવતી કંપનીઓને અસર થશે. ૪ એપ્રિલના રોજ ચીને આ ૭ કિંમતી ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો.
આદેશ મુજબ આ કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલા ખાસ ચુંબકને ખાસ પરવાનગી સાથે જ ચીનની બહાર મોકલી શકાય છે. રેર અર્થ મટિરિયલ્સ એ ૧૭ તત્ત્વોનો સમૂહ છે, જેનો ઉપયોગ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સથી લઈને લશ્કરી સાધનો સુધીની દરેક વસ્તુ ઉપરાંત આઇટી ઉદ્યોગો, સૌર ઊર્જા, રાસાયણિક ઉદ્યોગો તેમજ આધુનિક તકનીકી, તેલ રિફાઇનરીઓ અને અન્ય ઘણા ઉદ્યોગોમાં થાય છે. ચીન દ્વારા રેર અર્થ મેટલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂકાવાને કારણે અમેરિકા દ્વારા અમુક શસ્ત્રો તથા મિસાઈલ્સનું ઉત્પાદન ખોરવાઈ જશે, કારણ કે આ કિંમતી ધાતુઓ બાબતમાં અમેરિકા સંપૂર્ણપણે ચીન ઉપર નિર્ભર છે.
ચીન દ્વારા બોઇંગ વિમાનની ખરીદી કે ડિલિવરી પર લગાવવામાં આવેલી રોક બોઇંગ કંપની માટે મરણતોલ ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે આ કંપની મંદી સામે ઝઝૂમી રહી છે. ચીનની ટોચની ત્રણ એરલાઇન્સો દ્વારા ૨૦૨૫ અને ૨૦૨૭ દરમિયાન ૧૭૯ બોઇંગ વિમાનોની ખરીદીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એર ચાઇના દ્વારા ૪૫ વિમાન, ચાઇના ઇસ્ટર્ન દ્વારા ૫૩ વિમાન અને ચાઇના સધર્ન દ્વારા ૮૧ વિમાનની ખરીદીના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આ તમામ ઓર્ડરો એક સાથે રદ કરવામાં આવ્યા છે. ચીને અમેરિકાથી બોઇંગ અને અન્ય વિમાન સંબંધિત સાધનો અને સ્પેર પાર્ટ્સની ખરીદી પણ બંધ કરી દીધી છે. તેને કારણે બોઇંગ કંપની ખોટના ખાડામાં ઊતરી જશે અને તેના હજારો કર્મચારીઓ કદાચ નોકરી પણ ગુમાવશે. ચીને બોઇંગ કંપનીને આપેલો ઓર્ડર રદ કર્યો તે ઓર્ડર હવે ફ્રાન્સની એર બસ કંપનીને મળે તેવી સંભાવના છે. આ સંભાવનાને કારણે એર બસ કંપનીના શેરોના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
બોઇંગ કંપની છેલ્લાં ૫૦ વર્ષથી ચીનની ભાગીદાર છે. તેની ગણતરી વિશ્વના સૌથી મોટા વિમાન ઉત્પાદકોમાંના એક તરીકે કરવામાં આવે છે. છેલ્લાં ૫૦ વર્ષથી બોઇંગ વિમાનો ચીનની પેસેન્જર અને કાર્ગો સેવાઓનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યા છે. ચીનમાં ઊડતા ૧૦,૦૦૦ થી વધુ બોઇંગ વિમાનોમાં ચીનમાં બનેલા ભાગો ઇન્સ્ટોલ કરેલા છે. ચીનમાં બોઇંગની પ્રવૃત્તિઓ ચીનના અર્થતંત્રને વાર્ષિક આશરે રૂ. ૧૨,૫૦૦ કરોડનો સીધો ટેકો પૂરો પાડે છે.
આમાં સપ્લાયર્સ, સંયુક્ત સાહસો, તાલીમ અને સંશોધન જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકાને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિયેતનામ, મલેશિયા અને કંબોડિયાની મુલાકાતે છે. વિયેતનામમાં તેમણે કહ્યું કે ચીન અને વિયેતનામે સંયુક્ત રીતે એકપક્ષીય દબાણ અને ધાકધમકીનો વિરોધ કરવો જોઈએ અને વૈશ્વિક મુક્ત વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ.
ચીનની કાર્યવાહીને કારણે બોઇંગની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. આનું કારણ એ છે કે ચીન બોઇંગ પાસેથી મોટા પાયે વિમાન ખરીદે છે. તાજેતરનાં વર્ષોમાં ટ્રેડ વોર અને બોઇંગની આંતરિક સમસ્યાઓને કારણે તેમના ઓર્ડરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિએ વૈશ્વિક પુરવઠાને હચમચાવી નાખ્યો છે. એ પણ સાચું છે કે ચીન વિદેશી વિમાનો પર નિર્ભર રહે છે. એવિએશન ફ્લાઇટ્સ ગ્રુપના ડેટા અનુસાર લગભગ ૧૦ બોઇંગ 737 મેક્સ વિમાનો ચીની એરલાઇન્સના કાફલામાં જોડાવા માટે તૈયાર છે, જેમાં ચાઇના સધર્ન એરલાઇન્સ કંપની, એર ચાઇના લિમિટેડ અને ઝિયામેન એરલાઇન્સ કંપનીનાં બે-બે વિમાનોનો સમાવેશ થાય છે.
પ્રોડક્શન ટ્રેકિંગ ફર્મની વેબસાઇટ અનુસાર બોઇંગનાં કેટલાંક જેટ વિમાન સિએટલમાં બોઇંગના ફેક્ટરી બેઝ પાસે પાર્ક કરેલાં છે, જ્યારે અન્ય વિમાનો પૂર્વી ચીનના એક ફિનિશિંગ સેન્ટરમાં છે. બોઇંગે ૨૦૧૮ માં તેના કુલ વિમાનોના ૨૫ ટકાથી વધુ વિમાનો ચીનને સપ્લાય કર્યાં હતાં, પરંતુ ૨૦૧૯ માં બે બોઇંગ વિમાનોના ક્રેશ પછી ચીન બોઇંગ 737 મેક્સને ગ્રાઉન્ડ કરનાર પ્રથમ દેશ હતો. વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરીમાં ફ્લાઇટ દરમિયાન વિમાનના દરવાજાનો પ્લગ ફાટી ગયો ત્યારે બોઇંગની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. ચીને હવે એરબસ તરફ ઝુકાવ દર્શાવ્યો છે. સ્થાનિક રીતે બનાવેલ COMAC C919 પણ બોઇંગનો વિકલ્પ બની રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર ૧૪૫ ટકા સુધીનો ટેરિફ લાદ્યા બાદ ચીને પણ બદલો લેતાં અમેરિકન ઉત્પાદનો પર ૧૨૫ ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. આટલા ઊંચા કરવેરા હોવાને કારણે, ચીનમાં બોઇંગનું વેચાણ લગભગ અશક્ય બની ગયું છે. બોઇંગને ૨૦૧૭ અને ૨૦૧૮માં ચીન પાસેથી ૧૨૨ વિમાનોના ઓર્ડર મળ્યા હતા, જ્યારે છેલ્લાં ૬ વર્ષમાં તેને ચીનના ફક્ત ૨૮ ઓર્ડર મળ્યા છે, જેમાંથી મોટા ભાગે કાર્ગો વિમાનો માટેના હતા.
બોઇંગ અમેરિકાનું સૌથી મોટું નિકાસકાર છે અને લગભગ દોઢ લાખ અમેરિકન કામદારોને રોજગારી આપે છે. બોઇંગ કંપની છેલ્લાં ૬ વર્ષથી સંઘર્ષ કરી રહી છે અને ૨૦૧૮ થી તેને ૫૧ અબજ ડોલરનું નુકસાન થયું છે. ખાસ વાત એ છે કે બોઇંગ કંપનીનાં બે તૃતીયાંશ વિમાન આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને વેચાય છે, જેનું સૌથી મોટું બજાર ચીન છે. બોઇંગનો અંદાજ છે કે આગામી ૨૦ વર્ષમાં ચીનને લગભગ ૮,૮૩૦ નવાં વિમાનોની જરૂર પડશે, પરંતુ આ નિર્ણય પછી બોઇંગને ચીનના બજારમાંથી ભારે નુકસાન થઈ શકે છે. બોઇંગ કંપનીને વિમાનની ડિલિવરી પછી જ ચુકવણીનો મોટો હિસ્સો મળે છે. એનો અર્થ એ કે, જ્યાં સુધી ડિલિવરી નહીં થાય ત્યાં સુધી તેને કોઈ કમાણી નહીં થાય. બોઇંગ કંપનીના જણાવ્યા અનુસાર ૨૦૨૪ ના અંત સુધીમાં તેની પાસે ૫૫ વિમાનો સ્ટોકમાં છે, જેમાંથી મોટા ભાગના ચીન અને ભારતના ગ્રાહકો માટે હતા, પરંતુ ચીનનાં વિમાનોની ડિલિવરી બંધ થવાને કારણે આ સ્ટોક હવે કંપની પર બોજ બની ગયો છે.
અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે ચીને થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે તે અમેરિકા સામે બળજબરીથી ઝૂકવાને બદલે અંત સુધી લડવાનું પસંદ કરશે. ચીનના મંત્રાલયે કહ્યું હતું કે સિંહના ગળામાં બાંધેલી ઘંટડી ફક્ત તે વ્યક્તિ જ ખોલી શકે છે જેણે તેને બાંધી છે. અમેરિકાએ પોતાની ભૂલો સુધારવા માટે મોટું પગલું ભરવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન ઉશ્કેરણીથી ડરતું નથી અને પીછેહઠ કરશે નહીં. માઓ નિંગે સોશ્યલ મિડિયા પર એક ફોટો શેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે ઊંચા ભાવ હોવા છતાં અમેરિકનો ચીની વસ્તુઓ ખરીદશે. ચીન પાસે લગભગ ૭૬૦ અબજ ડોલરના અમેરિકાના સરકારી બોન્ડ છે. આનો અર્થ એ થયો કે ચીન પાસે અમેરિકન અર્થતંત્રને પ્રભાવિત કરવાની મોટી શક્તિ છે. જો ચીન અમેરિકાના બોન્ડ બજારમાં વેચવા કાઢે તો પણ અમેરિકામાં અફડાતફડી મચી જાય તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
