આતંકવાદી જૂથે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ચીને તાલિબાન સાથે પ્રથમ રાજદ્વારી સંપર્ક સ્થાપિત કર્યો છે અને બંને પક્ષો વચ્ચે હવે ‘સરળ અને અસરકારક સંદેશાવ્યવહાર’ છે. એમ એક ચીની અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.બે અઠવાડિયા પહેલા અમેરિકાએ બે દાયકાના ખર્ચાળ યુદ્ધ બાદ સૈનિકોને પરત બોલાવ્યા બાદ તાલિબાને 15 ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી લીધી હતી.
તાલિબાનની રાજકીય કચેરીના નાયબ વડા અબ્દુલ સલામ હનાફી અને અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂત વાંગ યુ વચ્ચેની કાબુલમાં થયેલી વાતચીત અંગે પૂછવામાં આવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને જણાવ્યું હતું કે, ચીન અને અફઘાન તાલિબાન વચ્ચે સરળ અને અસરકારક વાતચીત અને પરામર્શ છે
વાંગે વિગતો જાહેર કર્યા વિના કહ્યું કે, કાબુલ સ્વાભાવિક રીતે બંને પક્ષોની વિવિધ મહત્વની બાબતો પર ચર્ચા કરાવા એક મહત્વપૂર્ણ મંચ અને ચેનલ છે.વાંગે કહ્યું કે, અમે હંમેશા અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીએ છીએ. અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવાના સિદ્ધાંતને અનુસરીએ છીએ અને તમામ અફઘાન લોકો માટે મૈત્રીપૂર્ણ નીતિનું પાલન કરીએ છીએ.
તેમણે કહ્યું કે, ચીન અફઘાનિસ્તાનના લોકોની સ્વતંત્ર પસંદગીનું સન્માન કરે છે. તેમજ પોતાના ભવિષ્ય અને ‘અફઘાનની આગેવાની હેઠળ અને અફઘાન માલિકીના’ સિદ્ધાંતના અમલીકરણને ટેકો આપે છે.તેમણે કહ્યું કે, ચીન અફઘાનિસ્તાન સાથે સારું-પાડોશીપણું, મિત્રતા અને સહયોગ વિકસાવવા અને અફઘાનિસ્તાનની શાંતિ અને પુન:નિર્માણમાં રચનાત્મક ભૂમિકા નિભાવવા માટે પણ તૈયાર છે.ચીને પાકિસ્તાન અને રશિયા સાથે કાબુલમાં પોતાનું દૂતાવાસ ખુલ્લું રાખ્યું હતું જ્યારે તાલિબાને 15 ઑગસ્ટના રોજ કાબુલ પર કબજો જમાવ્યા બાદ ભારત, અમેરિકા અને અન્ય દેશોએ તેમના રાજદ્વારી મિશન બંધ કરી દીધા હતા.