ચીનમાં (China) આ વર્ષે વારંવાર પાવર કટની (Power Cut) સમસ્યાઓ સામે આવી રહી છે. જેની અસર અનેક ઉદ્યોગો પર પડી રહી છે. ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર તાજેતરના વર્ષોમાં ચીનમાં વ્યાપક અંધારપટ (Blackout) ફેલાયો છે. ભારે તાપમાન, વીજળીની વધતી માંગ અને કોલસાની અછતને કારણે સમગ્ર ચીનમાં વિનાશ વેર્યો છે જે હજુ પણ ચીનની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. ત્યારે હવે સિચુઆન પ્રાંતમાં પાવર કટના કારણે અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે અહીં 6 દિવસથી વિવિધ કંપનીઓમાં ઉત્પાદન ઠપ થઈ ગયું છે. સિચુઆન પ્રાંતમાં બ્લેકઆઉટને કારણે ઘણી મોટી કંપનીઓએ પોતાનું ઉત્પાદન (Production) બંધ કરી દીધું છે. જેમાં ખાસ કરીને એપલ કંપનીના પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.
- ચીનમાં બ્લેકઆઉટને કારણે ઉદ્યોગોની મુશ્કેલી વધી
- સિચુઆન પ્રાંતમાં બ્લેકઆઉટને કારણે ઘણી મોટી કંપનીઓએ પોતાનું ઉત્પાદન બંધ કરી દીધું
- પ્રાંતના 21માંથી 19 શહેરોમાં ઔદ્યોગિક વપરાશકર્તાઓને શનિવાર સુધી ઉત્પાદન સ્થગિત કરવાનો આદેશ
- સરકારે રહેણાંક વીજ પુરવઠાને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું
આ તરફ ચીનની સરકારે રહેણાંક વીજ પુરવઠાને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. રવિવારે જાહેર કરાયેલી નોટિસ અનુસાર પ્રાંતના 21માંથી 19 શહેરોમાં ઔદ્યોગિક વપરાશકર્તાઓને શનિવાર સુધી ઉત્પાદન સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે મર્યાદિત માત્રામાં રહેણાંક વિસ્તારોમાં વીજ પૂરવઠો ચાલુ રહેશે. જોકે ચીનમાં આવનારા પાંચ દિવસ ઉદ્યોગો માટે ભારે રહેશે. ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલો પ્રાંત દેશના કુલ ઉત્પાદનના અડધા ભાગના લિથિયમનું ઉત્પાદન કરે છે. આ લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે થાય છે અને તેના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દેશના પૂર્વ કિનારે આવેલા ઔદ્યોગિક કેન્દ્રોને વીજળી પૂરી પાડે છે. જોકે હાલ તેને પણ વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી.
સિચુઆનને ચીનનો મોટો પાવર સપ્લાય પ્રાંત પણ કહેવામાં આવે છે. અહીં પાવરકટની સમસ્યાની અસર ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સિચુઆન પ્રાંતને લિથિયમ ઉત્પાદનનો ગઢ માનવામાં આવે છે. સિચુઆનમાં એલ્યુમિનિયમ, લિથિયમ અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ઘણી મોટી કંપનીઓ આવેલી છે. આ તરફ તાઈપેઈની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પ્રાંતમાં તાઈવાની જાયન્ટ અને એપલ સપ્લાયર ફોક્સકોન દ્વારા સંચાલિત પ્લાન્ટમાં પણ ઉત્પાદન અટકાવી દેવાયું છે. જોકે કેટલાક ઉદ્યોગો એવા છે જેને બંધ કરવું ચીન માટે નુકશાનકારક રહી શકે છે. જેને કારણે કેટલીક કંપનીઓને તેમની ઉત્પાદન જરૂરિયાતોના આધારે મર્યાદિત ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
જણાવી દઈએ કે આ પહેલા 2022ના જુલાઈ માસમાં પણ ચીનમાં વીજળી સંકટ ઘેરાયું હતું. લાંબા સમય ચાલેલા હીટવેવના કારણે અહીં વીજળીની ખપત ખૂબજ વધી ગઈ હતી. જેના કરાણે અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયો હતો. જેની વ્યાપક અસર ઉદ્યોગો પર જોવા મળી હતી.