રસ્તાનું તો ક્યાંય નામનિશાન નહોતું, ક્યાંક શેરીમાં થઇને, ક્યાંક ઘાસિયા મેદાનમાં થઇને, બળદગાડા જતાં અને ઊંડા ચીલા પડતા એ જ માન્ય અને મુકરર રસ્તો. બળદગાડાએ આપણને રસ્તાનો ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર શીખવ્યું. બળદગાડું એક બે નહીં ઘણી સદીઓને ખેંચીને અંતે હાંફી ગયું. ક્યારેક તો બળદગાડું લગ્ન માટે નીકળતી જાનનું અગત્યનું અંગ હતું. વેલડામાં બેસી વરરાજા કન્યાને પરણવા જતા. નવોઢા ગાડામાં બેસીને પ્રથમવાર સાસરે જતી, મીઠડો સંસાર મંડાતો. બળદગાડું માત્ર સવારી માટે નહીં, ખેતરપાક લાવવા, ઉકરડાનું ખાતર કાઢવા, ઘાસચારો લાવવા અને જાત્રા કે મુસાફરી કરવા માટે પણ માધ્યમ બનતું. ખેડૂતો બળદોને દીકરાની જેમ સાચવતા, પ્રેમ કરતા.
શિયાળો આવે ત્યારે બળદ માટે કાપડનાં ઓઢા ઓઢાવતા. આ ઓઢા રંગબેરંગી હોવાને કારણે ખૂબ આકર્ષક પણ લાગતા! આજે આ લુપ્તતાની શ્રેણીમાં આવી ગયું છે. તંદુરસ્ત બળદો દેખાઇ જવા એટલે જંગલ સફારીમાં વાઘનાં દર્શન થવા બરાબર છે. બળદગાડું એ આપણું સૌથી પુરાણું અને પ્રાકૃતિક વાહન છે જે ઇંધણ વગર ચાલતું હતું, બલ્કે એને ચલાવવા માટે જોડાતા બળદો આપણને ઇંધણ પૂરું પાડતા. ચીલો શબ્દ હવે શબ્દકોશ અને રૂઢિપ્રયોગો પૂરતો સીમિત છે. હાલની પેઢી એનો સંદર્ભ સમજી શકે તેટલા સંદર્ભો આપણે ગુમાવી દીધા છે.
21““““`કેટલાક મેળાઓમાં અને કેટલીક જૂની પરંપરાઓમાં બળદગાડાને હજી સ્થાન અપાય છે તે સિવાય બળદગાડું સૌરાષ્ટ્રના કોઇક ગામડાંઓ અને ધરમપુરમાં આહિર સમાજ દ્વારા યોજાતી બળદગાડા સ્પર્ધાઓમાં શોધવું પડે તેવી સ્થિતિ છે. ગામડાઓમાં પહેલાં માફાવાળી ગાલ્લી હોવી એ ઐશ્વર્ય અને સમૃધ્ધિનું પ્રતિક હતી. બળદગાડું હોવું એ જરૂરિયાત હતી. મને બ્લેક એન્ડ વહાઇટ ફોટોગ્રાફ્સમાં ગાડું જોયા પછી આટલું સૂઝ્યું તે લખ્યું સાથે બહેનો જુદા જુદા પ્રસંગોએ ગવાતાં ગીતોમાં પણ બળદ અને બળદગાડાનો ઉલ્લેખ કરતી તે સ્મૃતિમાં આવ્યું.
વલસાડ – પ્રા. કિરણ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.