નવી દિલ્હી: કોરોનાના સંક્રમણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરુ થશે તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે બૂસ્ટર ડોઝ મેળવી શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી. અત્યાર સુધીમાં ભારતમાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર તેમજ 60 વર્ષથી વધુની ઉંમરના કોમોબીડીટી વાળા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. તેમણે આગળ લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીના ડોઝ મેળવી શકશે. તેમણે બાળકો અને વૃદ્ધોને પણ કોરોનાની રસી કરાવવા અપીલ કરી હતી.
દેશમાં અત્યાર સુધીમાં 180 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
ભારતમાં 3 જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવી રહી છે. હવે 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ પણ શરૂ થવા જઈ રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,503 કેસ નોંધાયા છે. તે જ સમયે, 4,377 લોકો સાજા થયા છે. જ્યારે 27 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં 36,168 સક્રિય કેસ છે. જે 675 દિવસમાં સૌથી ઓછો છે. તે જ સમયે, 680 દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ પણ જોવા મળ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 180 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં 676 દિવસમાં કોરોનાના સૌથી ઓછા કેસ
નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં નવા 3,116 કોરોનાવાયરસના ચેપના કેસ નોંધાયા છે. જે છેલ્લા 676 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 4,29,90,991 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસ ઘટીને 38,069 થયા છે. એમ રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ આંકડા જણાવે છે.
રીકવરી રેટ 98.71 ટકા પર પહોંચ્યો
રવિવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય મંત્રાલયના અપડેટ કરેલા ડેટા મુજબ, દેશમાં કોરોના રોગના કારણે વધુ 47 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,15,850 પર પહોંચી ગયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.09 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ વધુ સુધરીને 98.71 થયો છે. તેમ જ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 કેસ લોડમાં 2,490 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં દૈનિક પોઝિટિવિટી દર 0.41 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.50 ટકા નોંધાયો છે. જ્યારે આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,37,072 થઈ ગઈ છે. તેમ જ કેસમાં મૃત્યુદર 1.20 ટકા નોંધાયો છે.