મંગળવાર તારીખ ઓગણત્રીસ જુલાઈનાં ગુજરાતમિત્રના અંકમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રસિદ્ધ થયો છે. વિગતો મુજબ પોતાના પુત્રોએ ઘરમાંથી હાંકી કાઢતા એક સિત્તેર વર્ષની ઉંમરના વૃદ્ધા કોર્ટના શરણે ગયા છે અને એમણે એમના(?) પુત્રો પાસેથી માસિક પચાસ-પચાસ હજાર રૂપિયા ભરણ પોષણ માટે માંગ્યા છે. આવાં તો અન્ય પણ અનેક કિસ્સાઓ હશે કે જેમાં જેમને પાળી પોષીને મોટા કર્યા હોય એમને પાછલી ઉંમરમાં એમના સં(કં)તાનો દ્વારા હડધૂત કરવામાં આવ્યા હોય. એમને છેતરવામાં આવ્યા હોય અને લાચારીની સ્થિતિમાં મૂકવામાં આવ્યા હોય. આ અને આવાં કિસ્સાઓમાં કોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે અને યોગ્ય ન્યાય કરવામાં આવતો હોય છે. પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ ઉંમરમાં એમને જે પ્રેમ, કાળજી અને હૂંફની જરૂર છે એ ક્યાંથી મળશે? સંતાનોની હૂંફનું શું? આવાં લોકોને સંતાન કહેવા કે કંતાન?
નવસારી- ડૉ.ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.