ટ્રેન શરૂ થઇ.મુંબઈથી દિલ્હી જતી હતી.એ.સી. કોચમાં છ જણ હતાં.એક આધેડ દંપતી.એક યુવાન નવપરિણીત દંપતી.એક યુવાન માતા રીમા અને તેનો આઠ વર્ષનો પુત્ર કિયાન.ટ્રેન શરૂ થઇ,ક્યાં જવું છે? શું કામ જવું છે? જેવી થોડી ઔપચારિક વાતચીત પછી બધા શાંત થયાં.આધેડ દંપતીમાંથી કાકી સૂઈ ગયાં.કાકા છાપું વાંચવા લાગ્યા. યુવાન નવપરિણીત દંપતી બંને પોતપોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત થઇ ગયા.રીમા એક સરસ ગુજરાતી નવલકથા વાંચવા લાગી અને નાનકડો કિયાન પણ હેરી પોટરની સ્ટોરી બુક વાંચવા લાગ્યો.લગભગ એક કલાક વીતી ગયો.
રીમા અને કિયાન બંને પોતપોતાની ફેવરીટ વાર્તા વાંચી રહ્યાં હતાં.આજના જમાનામાં એક નાનકડો છોકરો મોબાઈલ ફોનને ભૂલીને ગેમ રમવાનું છોડીને, વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો તે જોઇને આજુબાજુ બેઠેલાં લગભગ બધાંને નવાઈ લાગી.છાપું વાંચતાં કાકા ઘણી વાર તેની સામું જોતા હતા.કાકાના મનમાં હતું હમણાં થોડી વારમાં મમ્મીનો મોબાઈલ માંગશે અથવા ટેબ્લેટ કાઢશે.ઘણો સમય વીતી ગયો પણ કિયાન તો મોજથી વાર્તા વાંચી રહ્યો હતો.બસ મમ્મી પાસે એક વાર પાણી માંગ્યું અને એક વાર નાસ્તો અને પછી વાંચવામાં મસ્ત.
કાકીએ રીમાને કહ્યું, “બહેન,તને મારે અભિનંદન આપવા છે.આજ કાલના જન્મેલાં છોકરાઓ મોબાઈલમાંથી ઊંચા નથી આવતાં.જમે મોબાઈલ જોતાં જોતાં.રમે પણ મોબાઈલમાં.મેદાનમાં રમવાનું ભૂલી ગયાં છે.વાંચવાનું ભૂલી ગયાં છે અને તેં બરાબર કડક રહી છોકરાને વાંચવાની ટેવ પાડી છે અને મોબાઈલ આપ્યો નથી, સારી વાત છે.”બીજા બધાએ પણ કાકીની વાતમાં સૂર પુરાવ્યો કે સારું કર્યું છોકરાને મોબાઈલની ટેવ પાડી નથી.બધાએ તમારા જેવા કડક બનવું જોઈએ.બધાએ સાચી વાત બાળકોને શીખવવી જોઈએ,વગેરે વગેરે.બધાં બોલતાં હતાં.
રીમા મીઠું મલકતી સાંભળતી હતી. પછી ધીમેથી બોલી, ‘આભાર ,પણ એક વાત કહું હું કડક માતા નથી પણ એટલું સમજું છું કે બાળકો બધું અનુકરણ કરી શીખે છે માટે જો તમારે બાળકોમાં કોઈ રીતભાત સંસ્કાર રોપવા હોય તો તે તમારે પોતે આચરણમાં મૂકી તેને શીખવાડવાં પડે.હું પોતે પણ જરૂર સિવાય મોબાઈલ વાપરતી નથી.મારા મોબાઈલમાં કોઈ ગેમ નથી.હું કિયાન માટે જાતે ઉદાહરણ બનું છું જેનું તે અનુકરણ કરે અને શીખે.હું વાંચું છું.મારું જોઇને તે પણ વાંચતાં શીખી ગયો છે.”રીમાએ એકદમ સાચો પેરેન્ટીંગનો પાઠ શીખવી દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
