સુરત: ગણદેવીમાં સોમવારે (Monday) એક ચોંકાવનારી ઘટના બની હતી. કુમાવત (Kumavat) પરિવારની વહુની ગર્ભધારણ (Pregnancy) માટે સારવાર ચાલી રહી હતી. દરમિયાન પારિણીતાને બેભાન કરવા માટે ઇંજેક્શન અપાયુ હતું. ત્યાર બાદ અચાનક પરિણીતાનું મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. દિકરીના મોત બાદ પિતાએ સાસરિયાઓ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગણદેવીમાં નિઃસંતાન પરિણીતાનું ગર્ભ ધારણની સારવાર દરમિયાન દવાખાનામાં જ મોત નિપજતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સાસરિયાઓએ ડોક્ટર સામે ફરિયાદ કરી વહુની મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગ કરી હતી અને મૃત દેહ સુરત સિવિલ લઈ આવ્યા હતા. ચેકઅપ કરવા માટે બેભાન કરાયા બાદ પરિણીતા હોશમાં આવી જ નથી. તબીબોનુ માનવુ છે કે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ જ મોતનું ચોક્ક્સ કારણ જાણી શકાશે.
મૃતકના પિતા ગિરધારીલાલ કુમાવતએ જણાવ્યું હતું કે દિકરી ભાવનાના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ અશોક કુમાવત સાથે થયા હતા. બન્નેના બીજા લગ્ન હતા. લગ્નના એક વર્ષ સુધી દીકરીનો સંસાર સુખમય હતો. ત્યારબાદ દહેજના ભૂખ્યા સાસરિયાઓએ 7 લાખની માંગણી કરી દીકરીને ઝેર પીવડાવી દીધું હતું.
જોકે ત્યારે દીકરીનો આબાદ બચાવ થતા સમાજના મોભીઓને વચ્ચે પાડી 6 લાખ આપ્યા હતા. ત્યાર બાદ દીકરીનો સંસાર ઉજડતા અટકી ગયો હતો. દહેજ આપવામાં મોડું થતા વેવાઈઓએ આવું કૃત્ય આચર્યું હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો.
વધુમાં પિતાએ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી દીકરીને સાસરિયાઓ નિઃસંતાન હોવાથી ત્રાસ આપી રહ્યા હતા. સોમવારની સવારે બનેલી ઘટના બાદ પણ પરિણીતાના પિયરમાં જાણ કરાઈ ન હતી. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ મૃતદેહ લઈને ફરતા રહ્યા. પોલીસે ફરિયાદ પણ ન લીધી. કોઈ કહેવા તૈયાર જ નથી કે દીકરીના મોત પાછળ જવાબદાર કોણ? આપઘાત કર્યો કે કેમ? ઝેર પીધું કે પીવડાવાયું એ પણ એક પ્રશ્ન છે. બસ અમને ન્યાય મળે એવી આશા રાખીને દીકરીના મૃતદેહને ફોરેન્સ્ટિક પોસ્ટ મોર્ટમ માટે સુરત સિવિલ લઈ આવ્યા છે.
મૃતકના કાકા સસરા સાંઈલાલ કુમાવતએ જણાવ્યું હતું કે પરિણીતાનો પતિ અશોક કરીયાણાની દુકાન ચલાવે છે. સાથે ફ્લોર મિલનો માલિક છે. તેમજ રાજસ્થાનનો રહેવાસી છે. લગ્ન બાદ બન્નેનું દામ્પત્ય જીવન સુખમય ચાલી રહ્યું હતું. જોકે ભાવના અને અશોક નિઃસંતાન હતા. એટલે 6 મહિનાથી ભાવનાની નવસારીના ડોક્ટર પાસે ગર્ભ ધારણ રહે તે માટે સારવાર ચાલી રહી હતી. દરમિયાન સોમવારે ચેકઅપ માટે ડોક્ટરે ભાવનાને બેભાન કરી હતી.
ત્યાર બાદ ભાવના હોશમાં ન આવતા તેને ગણદેવીની હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જ્યાં તેનું મોત નિપજતા અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. મૃત્યુનું સચોટ કારણ જાણવા મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે લઈ આવ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે.