પ્રત્યેક માતાપિતાને સંતાનો વહાલાં જ હોય. પણ કયારેક જાણે અજાણ્યે પ્રથમ સંતાનને ઓછું આવી જતું હોય છે. બાળમાનસમાં એક ગેરમાન્યતા પ્રવેશતી હોય છે કે મારા માતાપિતાને નાનું સંતાન જ વધારે પ્રિય છે. બે બાળકો વચ્ચે વધારે અંતર હોય ત્યારે કદાચિત આ સમસ્યા આકાર લેતી હોય છે. માતા નાના સંતાન પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરતી હોય અથવા એને વધુ મહત્ત્વ પ્રદાન કરતી હોય. કયારેક નાનું બાળક નબળું હોય થોડો માનસિક વિકાસ ઓછો હોય તો માતા એના ઉછેરમાં વધુ સમય આપતી હોય ત્યારે મોટા બાળકનું બાળમાનસ બળવો પોકારતું હોય છે. આમ પણ સામાન્ય સંજોગોમાં માતાપિતાને નાનું બાળક વધુ વહાલું હોય જ છે. અપવાદ સર્વત્ર હોય જ. પણ મોટા બાળકના કુમળા બાળમાનસ પર વહાલા-દવલાની છાપ આજીવન રહે જ છે!
બે બાળકો વચ્ચે તુલના કરવામાં આવે ત્યારે બાળકોનું સ્વમાન અવશ્ય ઘવાય છે. પ્રત્યેક બાળકમાં કુદરતે કંઇક ને કંઇક ખૂબીઓ મૂકી જ હોય છે. માવતરે એ ખૂબ પહેચાનીને એને પ્રશંસા દ્વારા બિરદાવવું નાનું સંતાન વધુ સ્નેહ પામી જાય છે. એ પણ નિર્વિવાદ સત્ય છે. બીજા સંતાનના આગમન પૂર્વે મોટા સંતાનને માનસિક રીતે બીજા ભાઈ-બહેનના પ્રવેશ માટે પ્રેમથી તૈયાર કરવું જરૂરી જેથી એ એને પ્રેમથી સ્વીકારે. નાના શિશુના આગમન અને ઉછેરમાં મોટા સંતાનની મદદ પણ લેવી જેથી એનું મહત્ત્વ પણ જળવાઈ રહે અને એ ઉપેક્ષિત ન રહે. બંનેને સમાન મહત્ત્વ અને સ્નેહ પ્રાપ્ત થવા જ જોઈએ. જેથી ભવિષ્યમાં બંને વચ્ચે સ્નેહનો સેતુ અને ભાઈચારો જળવાઈ રહે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.