SURAT

સુરતમાં રમતા બાળકને BRTS એ કચડી માર્યોઃ મૃતકના પિતાએ કહ્યું, ડ્રાઈવરે બ્રેક જ ન મારી…

સુરતઃ શહેરમાં સિટી બસ બેફામ દોડતી હોવાની અનેક ફરિયાદ ઉઠતી રહે છે. ગયા વર્ષે સુરત મનપાના તંત્રએ ફુલસ્પીડમાં બસ હંકારી અકસ્માત નોંતરતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવા પ્લાન પણ ઘડ્યો હતો, પરંતુ તે બધું કાગળ પર જ રહી ગયું હોય તેમ લાગે છે. કારણ કે આજે વધુ એક માસૂમનું બીઆરટીએસ બસ નીચે કચડાઈ જતાં અરેરાટીભર્યું મોત નિપજ્યું છે.

ગઈકાલે તા. 23 સપ્ટેમ્બરના રોજ શહેરના સિટીલાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે ગોઝારો અકસ્માત થયો હતો. અહીં બીઆરટીએસ બસે અડફેટે લેતા 6 વર્ષના બાળકને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને 108માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને ઈમરજન્સી સર્જીકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો. તબીબોએ ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ બાળકનો જીવ બચાવી શકાયો ન હતો. તેનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના દીપક સોલંકી સિટીલાઈટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે ત્રણ સંતાન, પત્ની સહિત રહે છે. મિસ્ત્રી કામ કરી દીપક સોંલકી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણ સંતાન પૈકી 6 વર્ષનો રૂદ્ર ગઈકાલે મિત્રો સાથે બ્રિજ નીચે રમતો હતો ત્યારે તે રોડ ક્રોસ કરવા ગયો અને બીઆરટીએસ બસની અડફેટે આવ્યો હતો.

આ અકસ્માતમાં રૂદ્રના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને 108માં સિવિલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન આજે મંગળવારે તા. 24 સપ્ટેમ્બરની સવારે 5.30 કલાકે રૂદ્રનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

મૃતકના પિતાએ શું કહ્યું?
મૃત બાળકના પિતા દીપક સોલંકીએ બીઆરટીએસ બસના ડ્રાઈવર પર સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. દીપકભાઈએ કહ્યું કે રમતી વખતે મારા દીકરાએ બીઆરટીએસ રૂટ ક્રોસ કરતો હતો ત્યારે બસના ચાલકે ટક્કર મારી હતી. બાળક બસ સામે આવ્યો હોવા છતાં ડ્રાઈવરે બસને બ્રેક મારી નહોતી. અકસ્માત થયા બાદ પહેલાં ડ્રાઈવર ઉભો રહ્યો અને ત્યાર બાદ બસ મુકીને ભાગી ગયો હતો.

Most Popular

To Top