Business

ધાર્મિક, રાજકીય અને સામાજીક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ચીખલીનું વાંઝણા

તાલુકા મથક ચીખલીથી આશરે 12 કી.મી.ના અંતરે ખારેલ રાનકૂવા માર્ગને અડીને આવેલ વાંઝણા ગામ વિકાસમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. ગામની કુલ વસ્તી 5995 છે. ગામમાં મુખ્યત્વે ઢોડિયા પટેલ ઉપરાંત હળપતિ, નાયરા પટેલ, પાટીદાર, કોળી પટેલ, આહીર, માહ્યાવંશ, કુંભાર, મોચી સહિતના સમાજના લોકો ગામના ગામતળ, નાયકીવાડ, છાબડી ફળિયા, નાની વાંગરવાડી, મોટી વાંગરવાડી, ટપાલ ફળિયા, પારસી ફળિયા, નાગર કોટ, નહેર ફળિયા, આહિરવાસ, નવા ફળિયા સહિતના મહોલ્લાઓમાં વસવાટ કરે છે. વનિતા ગ્રામ પંચાયતના 10 જેટલા વોર્ડ છે અને 4890 જેટલાં મતદારો છે. ગામના સરપંચપદે ઉત્સાહી એવા યુવા અગ્રણી નવિનભાઈ રમણભાઈ પટેલ અને ઉપસરપંચપદે પંકજ નાથુભાઈ પટેલ બિરાજમાન છે.

ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે વાંઝણા ગામના લોકો

વાંઝણા નામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. વાંઝણા ગામમાંથી ઉકાઈ-કાકરાપાર યોજનાની મુખ્ય નહેર પસાર થાય છે. આ ઉપરાંત ગામમાંથી પસાર થતી રૂંગરી ખાડી, નિરજ ખાડી ઉપર નાના મોટા ચેકડેમો, ખાનગી બોર કૂવા સહિતની સિંચાઈની પૂરતી વ્યવસ્થાને પગલે ગામમાં ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. ગામના ખેડૂતો મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજી ઉપરાંત કેરી, કેળાં સહિતનાં ફળોના ઉત્પાદન થકી આર્થિક ઉપાર્જન મેળવે છે. ગામમાં ચારે તરફ શેરડીનાં લીલાંછમ ખેતરો અને આંબાવાડી જોવા મળી રહી છે. વાંઝણામાં ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય મોટાપાયે વિકસિત થયેલ છે અને ગામમાં દુધાળાં પશુઓની સંખ્યા પણ વિશેષ છે. ગામના છાબડી ફળિયા, નાની વાંગરવાડી, ગામતળ મળી કુલ ત્રણ જેટલી વસુધારા ડેરી સંચાલિત સહકારી દૂધ મંડળીઓ કાર્યરત છે અને જેમાં નામના પશુપાલકો દૂધના ઉત્પાદન દ્વારા ઘર આંગણે આવક મેળવી રહ્યા છે. આમ ગામમાં મોટા પાયે દૂધનું પણ ઉત્પાદન થાય છે.

NRIના સહયોગથી ઉપલબ્ધ કરાઈ અનેક સુવિધાઓ

વાંઝણા ગામના વિકાસમાં ગામના એનઆરઆઈ પરિવારોનું પણ વિશેષ યોગદાન જોવા મળી રહ્યું છે. ગામના પાટીદાર, કોળી પટેલ, પ્રજાપતિ સમાજનાં 100 થી વધુ પરિવારો અમેરિકા, લંડન, કેનેડા જેવા દેશોમાં નોકરી ધંર્ધાર્થે સ્થાયી થયા છે અને આ એનઆરઆઈ પરિવારો ગામનું એટલે કે જન્મભૂમિનું ઋણ અદા કરવા માટે હંમેશા તત્પર રહેતાં હોય છે. એનઆરઆઈ પરિવારોની ગામ અને ગામનાં લોકો માટે કંઇક કરી છૂટવાની ભાવના ખરેખર બિરદાવવાલાયક છે. ગામમાં એનઆરઆઈના ફંડથી 1962 ના વર્ષમાં ગામતળમાં 50,000 લીટર પાણીની ક્ષમતાવાળી આરસીસીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ટાંકી આજે પણ અડીખમ અને સલામત છે. 1962 ના વર્ષના સરકારની પાણી પુરવઠા યોજના અમલ પણ શરૂ ન થયો હશે તે સમયે પીવાના પાણીની સુવિધા માટે વિશાળ યોજનાનું નિર્માણ એનઆરઆઈના સહયોગથી કરવામાં આવ્યું હતું. હાલ પણ એનઆરઆઈ પરિવારના ફંડમાંથી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં જી પ્લસ વન માં છ જેટલા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે અગ્રેસર બન્યું વાંઝણા ગામ

વાંઝણા ગામ ધાર્મિક ક્ષેત્રે પણ અગ્રેસર છે. ગામના દરેક વિસ્તારમાં નાનાં-મોટાં અનેક મંદિરો આવેલાં છે. ગામના હેડકાકા ફળિયામાં કાકા બળિયાદેવજીનું મંદિર છે અને ત્યાં દીવાળી પર દેવઉઠી અગિયારસ નિમિત્તે વર્ષોથી મેળો ભરાય છે, જેમાં વાંઝણા તથા આસપાસનાં ગામનાં લોકો મોટી સંખ્યામાં આવતાં હોય છે. ગામતળમાં દેવાધિદેવ મહાદેવ, શ્રી રામજી પરિવાર, શ્રી હનુમાનજી ભગવાનનાં પૌરાણિક મંદિરો છે. આ ઉપરાંત ગામતળમાં ભવાની માતા અને બ્રહ્મદેવજી ભગવાનનું મંદિર છે. ગામના મોટી વાંગરવાડી વિસ્તારમાં પણ ભવાની માતા બિરાજમાન છે. માહ્યાવંશી મહોલ્લામાં કુળદેવી અને અંબામાંના મંદિરમાં પણ સ્થાનિક અને આસપાસનાં લોકોની આસ્થા જોડાયેલી છે. વાંગણા ગામે ખારેલ-રાનકૂવા મુખ્યમાર્ગ ઉપર નકટીવાવના મેલડી મા નું ધામ ખરા અર્થમાં સેવાધામ છે. શ્રી રાજરાજેશ્વરી મા મેલડી સેવા ટ્રસ્ટના માધ્યમથી વિજયબાપુ અને એમની સેવાભાવી ટીમ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અહીં છેલ્લાં 22 વર્ષથી માતાજીની પૂજા થતી હતી. આ સ્થળે છેલ્લાં 12 વર્ષથી મંદિરના નિર્માણ સાથે ભક્તિપૂજા કરવામાં આવી રહી છે અને સાથે છ વર્ષથી જરૂરિયાત માટે પરિવારોનાં દીકરા-દીકરી માટે સમૂહ લગ્ન યોજી 11 જેટલાં જોડાઓને લગ્નગ્રંથિથી જોડી વિના મૂલ્યે ભોજન અને જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ દાતાઓના સહયોગથી કન્યાદાનમાં આપવામાં આવી રહી છે. સાત વર્ષથી વાંગણા ગામની તમામ પ્રાથમિક શાળાઓમાં નોટબુકોનું વિતરણ ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લાનાં છાત્રાલયોમાં ધાબળાઓનું વિતરણ કરવામાં આવે છે. કરંજવેરીની અંધજન શાળાના વિદ્યાર્થીઓને ધાબળા,  યુનિફોર્મ તથા ક્રિકેટનાં સાધનો આપવામાં આવ્યાં હતાં. મેલડી મા ના ધામમાં યાત્રિકો માટે વિશ્રામ અને અન્નક્ષેત્રની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત બે વર્ષથી રકતદાન કેમ્પ પણ યોજવામાં આવે છે. ગામમાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. લોકડાઉન સમયે કોરોનાના કપરાકાળમાં મેલડી મા ના આ ધામ દ્વારા ગામના મહત્તમ શ્રમિકોને બે વાર અનાજની કીટ પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મેલડી મા ધામના વિજય બાપુને ગામના સરપંચ નલિનભાઈ, સુમનકાકા ઉપરાંત એમઆરઆઈ જયેશભાઈ પટેલ સહિતનાઓનો સહયોગ સાંપડી રહ્યો છે. એનઆરઆઈ જયેશભાઈના સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓ માટે ફંડ એકત્ર કરવા જાણીતાં કલાકારો ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવીના ભવ્ય ડાયરાઓ પણ યોજવામાં આવ્યા હતા. આ સેવાભાવી સંસ્થા દ્વારા ભવિષ્યમાં મેલડી માતાના વિશાળ મંદિરના નિર્માણના આયોજન સાથે સેવાકીય પ્રવૃત્તિઓ અવરિતપણે ચાલુ રાખવામાં આવી છે. હાલમાં જ વલસાડ આરએનસીના સહયોગથી નેત્ર કેમ્પનું પણ આયોજન કરાતાં 450 જેટલાં લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો. જેમાં જરૂરિયાતવાળાં દર્દીઓને વિના મૂલ્યે ચશ્માંનું વિતરણ અને 37 જેટલાને વિના મૂલ્યે ઓપરેશન કરવાનું પણ આયોજન હાથ ધરાયું હતું.

આંગણવાડીની સુવિધા સાથે શિક્ષણમાં પણ અગ્રેસર

વાંઝણા ગામમાં શિક્ષણની વ્યવસ્થાની વાત તો ગામના મોટા ભાગના વિસ્તારમાં નાનાં ભૂલકાંઓ માટે આંગણવાડીની સુવિધા છે. આ ઉપરાંત ગામતળમાં મુખ્ય પ્રાથમિક શાળા ઉપરાંત નાયકીવાડ,  છાબડી ભગત ફળિયા, નાની વાંગરવાડી, મોટી વાંગરવાડી એમ છ જેટલી પ્રાથમિક શાળાઓ પણ કાર્યરત છે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની ગામમાં છ જેટલી પ્રાથમિક શાળાઓ આવેલ છે. વાંઝણા ગામમાં શિક્ષણપ્રમાણ સારું જોવા મળી રહ્યું છે. ગામમાં શિક્ષકો, એન્જિનિયરો ઉપરાંત તબીબોની પણ સંખ્યા વિશેષ છે. સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ગામના શિક્ષિત લોકો ફરજ બજાવી રહ્યાં છે. ગામના કોળીવાડ વિસ્તારના ડો. બાલુભાઈ નારણભાઈ પટેલ કે જેઓ તબીબી ક્ષેત્રે એમડી સુધીનો અભ્યાસ કરી અમેરિકા સ્થાયી થયેલા છે. આ ઉપરાંત ડો. ધવલ બાબુભાઈ પટેલ, ડો. નેન્સી ધવલ પટેલ તબીબ  દંપતી  છે અને રાનકૂવા ખાતે કલીનીક ચલાવે છે. ગામની ડો. રીની મનીષ પટેલ ડેન્ટીસ્ટ છે. આ ઉપરાંત ડો. પ્રદીપ પટેલ પણ તબીબ છે. આમ, વાંઝણા ગામમાં શિક્ષણનો દર પણ ઊંચો જોવા મળી રહ્યો છે.

પાકા રસ્તાઓ સાથે પાણી પુરવઠાનો પણ યોગ્ય લાભ લઈ રહ્યા છે લોકો

વાંઝણા ગામમાં મોટે ભાગના માર્ગો પાકા છે. સરકારની વિવિધ યોજનાનાઓના માધ્યમથી ગામમાં પાયાની સુવિધા મોટે ભાગની ઉપલબ્ધ છે. ગામના ટપાલ ફળિયાથી નાયકીવાડી અને વાંઝણા નહેરથી નાની વાંગરવાડી એમ બે જેટલા માર્ગો આઝાદી બાદ પ્રથમ વખત ગામના સરપંચ નલિનભાઈ અને સ્થાનિક આગેવાનોના અથાગ પ્રયત્નને પગલે ડામરની સપાટીવાળા પાકા બન્યા છે. વાંઝણા ગામના ટપાલ ફળિયા, પારસી ફળિયા, નવા ફળિયા, નાયકીવાડ, નાગરકોટ ફળિયા, છાબડી ફળિયા, નાની વાંગરવાડી, મોટી વાંગરવાડી, આહિરવાસ, નહેર ફળિયા સહિતના વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓ કાર્યરત છે અને લોકોને ઘર આંગણે પીવાનું પાણી ઉપલબ્ધ થઇ રહ્યું છે. ગામના મોટે ભાગના વિસ્તારમાં પાણી પુરવઠાની યોજના કાર્યરત છે.

કૃષિ પંડિતનું બિરુદ મળ્યું

વાંઝણા ગામના કૃષિ પંડિત તરીકે ઓળખાતા રાજેન્દ્રકુમાર પરસોત્તમભાઈ પટેલને ઇનોવેટિ ફાર્મર તરીકે બે વાર એવોર્ડથી સન્માનિત કરાયા છે કેળાના ટીસ્યુ કલ્ચર માટે પોતાની લેબ ઊભી કરી મોટાપાયે ટીસ્યુ કલ્ચરનું ઉત્પાદન કરી રહ્યા છે. વાંઝણા ગામના પાટીદાર ખેડૂત અગ્રણી એવા રાજેન્દ્રકુમાર પરસોત્તમભાઈ પટેલ વર્ષોથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આધુનિક ખેતી માટે જાણીતા છે તેમનો ખેતી પ્રત્યેનો લગાવ અને સતત પરિશ્રમથી નવા-નવા સંશોધનો કરી સમયાંતરે ખેતીમાં જરૂરિયાત મુજબના ફેરફારો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી હંમેશા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી એક શ્રેષ્ઠ ખેડૂત તરીકે નામના પ્રાપ્ત કરી છે. રાજેન્દ્રકુમારે 1993ના વર્ષમાંથી શેરડીની ખેતીમાં ટપક પદ્ધતિ અપનાવી હતી અને સામાન્યપણે એકરદીઠ 50-60 ટન શેરડીના ઉત્પાદન સામે તેમણે ટપક પદ્ધતિથી 72 ટનથી વધુ શેરડીનું ઉત્પાદન કરવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત રાજેન્દ્રકુમાર 1995ના વર્ષથી કેળના ટીસ્યુ કલ્ચરની નાના પાયે શરૂઆત કર્યા બાદ 2005ના વર્ષથી અન્ય કંપની માટે જોબ વર્કનું કામ આ ક્ષેત્રે કર્યું હતું. બાદમાં 2021થી શરૂઆત કરી 2013ના વર્ષમાં તેમણે ગામમાં જ  કેળના ટીસ્યુ કલ્ચર માટે પોતાની લેબ બનાવી મોટાપાયે ટીસ્યુ કલ્ચરનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેનું વેચાણ કરી ઉપજ મેળવી રહ્યા છે. હાલે છેલ્લા વર્ષમાં તેમણે 10 લાખ જેટલા ટીસ્યુ કલ્ચરનું ઉત્પાદન કર્યું છે. આ અંગે રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે લેબમાં કેળની એક ગાંઠ માંથી 54 જેટલી ગાંઠ બને છે આમ, સામાન્ય પણે સાત આઠ મહિને એક ગાંઠમાંથી સાત આઠ ગાંઠ બનતી હોય છે પરંતુ એક વર્ષમાં લેબના માધ્યમથી એક માથી 54 જેટલી ગાંઠ બને છે અને ગ્રીન હાઉસમાં તેનો ઉછેર કરવામાં આવે છે. રાજેન્દ્રકુમાર આમ, તો વાંઝણા પંઠકમાં રાજુભાઈ તરીકે ઓળખાય છે પરંતુ તેના કરતા એ તેઓ આધુનિક પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતા છે. છેલ્લા વર્ષોમાં બાગાયાત વિભાગ દ્વારા કૃષિ મહોત્સવ અને નવસારી રોટરી કલબ એમ બે વાર તેમને નવસારી રોટરી કલબ એમ બે વાર તેમને એવોર્ડ આપી ઇનોવેટિવ ફાર્મર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ખેતીમાં સમયે સમયે કંઇક નવુ કરવાની અને ખેડૂતોને કઇ રીતે લાભ થાય. ખેડૂતોનું હિત સચવાય તેવા સતત પ્રયત્ન અને અથાગ પરિશ્રમ વચ્ચે આજે તેઓને કૃષિ પંડિતનું બિરુદ મળ્યું છે.

વાંઝણા ગામના દંપતિએ રાજકીય ક્ષેત્રે મેળવ્યો ઉચ્ચ દરજ્જો

 વાંઝણા ગામનું રાજકીય ક્ષેત્રે પણ વિશેષ યોગદાન રહ્યું છે. વાંઝણા ગામનાં ભારતીબેન પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી બે ટર્મ ધારાસભ્યપદે રહી ચૂકયાં છે. આ ઉપરાંત તેઓ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતના વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન રહી ગામ અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધારી વિકાસ ક્ષેત્રે પણ તેઓનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. આ ઉપરાંત તેમના પતિ નરદેવભાઈ પટેલ પણ તાલુકા પંચાયતના સભ્યપદે એપીએમસીના ડિરેકટરપદે અને પક્ષના વિવિધ હોદ્દાઓ પર રહી ચૂકયા છે. આમ, વાંઝણા ગામ ભારતીબેન અને નરદેવભાઈ પટેલ દંપતી રાજકીય ક્ષેત્રે ઉચ્ચ કક્ષા સુધી પહોંચી સમગ્ર વિસ્તારના વિકાસનાં સક્રિય રહ્યા છે.

ખેડૂતોની સેવામાં કાર્યરત સહકારી મંડળી

વાંઝણા ગામ સહકારી ક્ષેત્રે પણ અગ્રેસર છે. ગામના પાટીદાર અગ્રણી રતિલાલ છગનભાઈ પટેલ, ગણદેવી સુગર ફેકટરીમાં વાઈસ ચેરમેનપદે છે. વાંઝણા ગામમાં 5/5/1914 ના રોજ વાંઝણા સેવા સહકારી મંડળીની સ્થાપના જે તે સમયના સ્થાનિક આગેવાનોએ દીર્ઘદૃષ્ટિ અપનાવી કરી હતી. આજે આ સહકારી મંડળી 582 જેટલા સભાસદો ધરાવે છે. ગામના તથા આસપાસના ગામના ખેડૂતો માટે સહકારી મંડળી આશીર્વાદ સમાન છે. સહકારી મંડળી દ્વારા ખેડૂતોને ધિરાણ ઉપરાંત ખાતર સહિતની ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ છે. ગામના પાટીદાર અગ્રણી ઘેલાભાઈ પરસોત્તમભાઈ પટેલ કે જેઓ ઘેલાબાપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓ સહકારી મંડળીના ચેરમેન છે જયારે વાઈસ ચેરમેનપદે રાજુભાઈ પરસોત્તમભાઈ છે. વાંઝણા ગામની સહકારી મંડળીમાં સિમેન્ટ, પતરાં, સ્ટીલ સહિતનું વ્યાજબીભાવે વેચાણ થાય છે અને ઘેલાબાપાના નેતૃત્વવાળી આ સહકારી મંડળી વાર્ષિક બે કરોડ રૂપિયાની આસપાસનું ટર્નઓવર ધરાવે છે. મંડળીમાં જે સસ્તા અનાજની દુકાન પણ કાર્યરત છે. આમ વાંઝણા ગામની સેવા સહકારી મંડળી ખરેખર ખેડૂતોની સેવામાં કાર્યરત છે અને વર્ષો જૂની આ સંસ્થાને ગામના ખેડૂતો અને સહકારી આગેવાનોએ યોગ્ય સૂઝબૂઝ અને એકતાથી જાળવી રાખી ઉત્તરોત્તર સમયની જરૂરિયાત મુજબ મંડળીનો વિકાસ પણ કર્યો છે અને ગામની આ સહકારી સંસ્થા ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની અને ઉપયોગી પુરવાર થઇ રહી છે. ઘેલાબાપાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વાંઝણા ગામે સહકારી મંડળીના કેમ્પસમાં જ બેંક ઓફ બરોડાની શાખા કાર્યરત છે અને ત્યાં જ એ.ટી.એમ.ની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ પણ કાર્યરત છે. ગામની આરોગ્યલક્ષી સુવિધા માટે પેટા આરોગ્ય કેન્દ્ર પણ છે. ગામમાં પેટ્રોલ પંપની પણ સુવિધા છે.

Most Popular

To Top