ઘેજ : ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર યુવાનોની દેશના સૈન્યમાં (Indian Army) પસંદગી થતાં ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. હાલ ચારેય સીઆઈએસએફ(CISF) , એસઆરપી (SRP), બીએસએફ (BSF) અને એસએસબી (SSB) માં દેશના અલગ અલગ રાજ્યમાં ટ્રેનિંગ મેળવી રહ્યાં છે.
- આંબાબારીની દીકરી CISFમાં, જ્યારે ત્રણ યુવાન BSF, SRP અને SSBમાં તાલીમ લઈ રહ્યાં છે
- બે વર્ષ પૂર્વે સેવાભાવી યુવાનોએ યુનિટિ ગ્રુપ બનાવ્યું અને પ્રેક્ટિસ શરૂ કરી હતી
- ગામના ડુંગર, તળાવ પર સૈન્ય પસંદગી માટે પ્રેક્ટિસ કરી
ફડવેલ ગામના સેવાભાવી યુવાનો દ્વારા બે વર્ષ પૂર્વે યુનિટિ ગૃપ બનાવવામાં આવ્યું હતું. જેમાં ગામના 35 યુવક-યુવતીઓ જોડાયા હતાં. દેશની સેવામાં જોડાવાના અને રોજગારીના મક્કમ નિર્ધાર સાથે યુનિટિ ગ્રુપના નેજા હેઠળ આ યુવક-યુવતીઓએ દર રવિવારે વાઘાબારી ગામે ડુંગર પર જઇને પ્રેક્ટિસ શરૂ કરી હતી. બાદમાં ગામના બેડિયા તળાવની પાળે પણ દરરોજ સવારે દોડવાની પ્રેક્ટિસ કરતા હતાં. ત્યારબાદ આ ગૃપ દ્વારા જાતે-પોતે મહેનત કરી દોડવા માટે એક સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરી દરરોજ સવારે સાડા પાંચ વાગ્યે ભેગા થઇ સાત વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલુ રાખતા હતા. ફડવેલના યુવાનો ગામમાં શારિરીક કસરત સાથે થીયરીના રીડીંગ માટે સુરખાઈ ઢોડિયા સમાજની વાડીમાં પણ જઇ રહ્યા છે. આ યુવાનોને ગામના પૂર્વ સરપંચ હરિશભાઈ, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા મહેશભાઈ સહિતના આગેવાનો મદદરૂપ પણ થઇ રહ્યા છે.
ફડવેલ ગામના આંબાબારીની દીકરી નિતલ મુકેશભાઈ પટેલ સીઆઈએસએફમાં તમિલનાડુમાં, ગોડાઉન ફળિયાનો દિગ્નેશ રામભાઈ પટેલ બીએસએફમાં આસામના ગુવાહટીમાં, તો બે સગાભાઈ પૈકી તરૂણ પ્રવિણભાઈ પટેલ એસઆરપીમાં ભરૂચ જ્યારે તેજસ પ્રવિણભાઈ પટેલ સીમા સુરક્ષા બલ (એસએસબી)માં ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં તાલીમ લઇ રહ્યા છે. ચાર પૈકી દિગ્નેશ પટેલે અભ્યાસ સુરતમાં કર્યો છે. જ્યારે બાકીના ત્રણેય ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરી આ મુકામે પહોંચ્યા છે. હાલ પણ ગામમાં યુવાનોની પ્રેક્ટિસ ચાલુ છે.
ચાર પૈકી ત્રણ સામાન્ય ખેડૂત પરિવારના સંતાન
સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના છોકરાઓ પણ પોતાની ટેલેન્ટ અને મહેનતથી દેશની, સરકારની સેવામાં પસંદગી પામ્યા છે. ચાર પૈકી ત્રણ તો સામાન્ય ખેડૂત પરિવારના સંતાન છે. માં-બાપને આર્થિક ભારણ આપ્યા વિના કોઇ ખાનગી કોચિંગ કે એકેડમીમાં જવા વિના પોતાની સૂઝ-બૂઝ અને પરિશ્રમથી રોજગારી પ્રાપ્ત કરતા દેશની સેવામાં જોડાતા અમને ખૂબ ગૌરવ અને આનંદ છે.