વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બદલાયેલા વાતાવરણના પગલે રવિવાર બાદ સોમવારે બીજા દિવસે પણ ધરમપુર અને કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં આખો દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને બપોરે ગાજવીજ અને પવન સાથે અચાનક કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો. કપરાડાના મુખ્ય મથક કપરાડા, સુથારપાડા, નાનાપોંઢા, વેરી, વેરીભવાડા સહિતના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ તુટી પડ્યો હતો. જેને લઈ હોળી પર્વ નિમિત્તે ખરીદી કરવા નીકળેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાટ બજારમાં પણ વેપારીઓ દોડધામ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સતત બીજા દિવસે વરસેલા વરસાદને લઈ લીલા શાકભાજી, કેરીની ફુટેલી મંજરીઓને પણ નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. એજ રીતે મરચાં, વેંગણ સહિત લીલા શાકભાજીના પાકમાં જીવાત પડવાની શક્યતા ખેડૂતો દર્શાવી રહ્યા છે. ધરમપુર તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
વરસાદ પડતા હોળીના હાટ બજારમાં અફરાફરી મચી
હોળીના મહાપર્વ સમયે જ કમોસમી વરસાદ વરસતા હોળીના આયોજકોમાં દોડધામ મચી હતી. પર્વને અનુલક્ષીને વરસાદથી હોળી પ્રગટાવવાના લાકડાને ભીના થતાં બચાવવા પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા હતા. એજ રીતે ધરમપુર-કપરાડા તાલુકામાં હોળી નિમિત્તે ભરાતા હોળીના હાટ બજારમાં પણ વરસાદને લઈ અફરાફરી મચી હતી. વેપારીઓએ પણ માલસામાન બચાવવા દોડધામ કરી હતી. તો માર્ગો ઉપર વાહન ચાલકો પણ ભીંજાયા હતા.
કપરાડાના વેરી ભવાડા ગામમાં ભારે પવન અને વરસાદથી ખેડૂતના પતરા લઈ ગયા
કપરાડા તાલુકાના વેરી ભવાડા ગામે અરવિંદ સવજી નામના ખેડૂતના ઘરે સિમેન્ટના પતરા ભારે પવન અને વરસાદને લઈ ઉડી જતાં સામી હોળીના દિવસે જ પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
ચીખલી પંથકમાં અડધા કલાકના વરસાદથી માર્ગો પરથી પાણી વહેતુ થઇ ગયું
ઘેજ : ચીખલી પંથકમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદનું (Rain) આગમન થતા ભરઉનાળે ચોમાસા (Monsoon) જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી કેરી-ચીકુ સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીખલી પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ (Atmosphere) અને ઉકળાટભર્યા માહોલ વચ્ચે સોમવારના રોજ બપોરના સમયે કાળા વાદળો છવાઇ જવા સાથે પવનના સૂસવાટા સાથે વરસાદનું ધીમીધારે આગમન થયું હતું અને અડધો કલાક સતત વરસાદને પગલે માર્ગો પરથી પાણી વહેતુ થઇ ગયું હતું અને ભરઉનાળે રીતસરનો ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
કમોસમી વરસાદથી કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં ફુગજન્ય રોગનું પ્રમાણ વધવા સાથે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત કમોસમી વરસાદથી વ્યવસાયને પણ અસર થવા પામી હતી. હોળીના પર્વ ટાણે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.