ઘેજ : ચીખલી – ખેરગામ રાજ્યધોરી માર્ગ ઉપર સાદકપોરના ગોલવાડ પાસે કારને બચાવવા જતા શેરડી ભરેલો ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો. ગોલવાડમાં ત્રણ રસ્તા પાસે ટ્રાફિક આઇલેન્ડના નિર્માણની માંગ ઊઠી છે.ચીખલી નજીકના સાદકપોર ગોલવાડ પાસે ચીખલી – ખેરગામ માર્ગ પરથી ફડવેલ – ઉમરકૂઇ માર્ગ પસાર થાય છે અને ચીખલી – ખેરગામ માર્ગ કે જે ધરમપુરથી મહારાષ્ટ્રને પણ જોડતો હોય ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ દરમ્યાન આજે સવારે મળસ્કે ચારેક વાગ્યાના અરસામાં નાશિકથી શેરડી ભરીને વડોદરા તરફ જતો આઇસર ટેમ્પો પલ્ટી ગયો હતો. કોઇ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા પરંતુ ટેમ્પાને મોટુ નુકસાન થયું હતું. આ સાદકપોર – ગોલવાડના ત્રણ રસ્તાના જંક્શન પાસે સામેથી આવતી કારને બચાવવા જતા ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.
ટ્રાફિક આઇલેન્ડના નિર્માણની માંગ ઊઠી
સાદકપોર – ગોલવાડ પાસે ચીખલી – ખેરગામ માર્ગ પરથી ફડવેલ ઉમરકૂઇ માર્ગ પસાર થાય છે ત્યારે આ ત્રણ રસ્તાના જંક્શન પાસે અવાર-નવાર નાના – મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક આઇલેન્ડ (સર્કલ) ના નિર્માણની માંગ ઊઠી છે. ત્યારે માXમ વિભાગ દ્વારા આ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક આઇલેન્ડના નિર્માણ માટેનું આયોજન હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
સેલવાસના ખડોલીની કંપનીમાં ચોરી કરનારા 6 પકડાયા
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહના ખડોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કંપનીમાં થયેલી ચોરીનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં ચોરીનો માલ ખરીદનારની સાથે આ કામના 6 ચોરોની ધરપકડ કરી 3 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 25 સપ્ટેમ્બરે મસાટ સ્પ્રિંગ સીટીમાં રહેતા રવિન્દ્ર દેવેન્દ્ર શર્માએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી કે, 24 સપ્ટેમ્બર-22 ની મોડી રાત્રે ખડોલીની પોલીવર્લ્ડ કંપનીમાંથી અજાણ્યા તસ્કરો 8 પલ્વરાઈઝર મશીન ગ્રાઈન્ડીંગ ડિસ્ક, 5 જી.આઈ. પાઇપ, 3 એસ.પી. વોટર પંપ, 1 ઈલેક્ટ્રિક ડિજિટલ વજન કાંટો, 3 એલ.ઈ.ડી. ફ્લડ લાઈટ, 1 પી.વી.સી. પાઈપ રોલ, 5 ટ્યુપિંગ મશીન રોલર તથા સિંગલ કોર કોપર કેબલ 165 મીટર કિંમત 2.43 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવા પામ્યા છે.
મુખ્ય ચોરોને શોધવા પ્રયાસ શરૂ કર્યા
આ ફરિયાદ મળતા જ પોલીસે ગુનો દાખલ કરી ચોરોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં પોલીસે તપાસમાં ચોરેલો માલ ખરીદનારની માહિતી મળતા સામરવરણી રહેતો 32 વર્ષીય દિનેશ રામતપશ્ય ગુપ્તાની ધરપકડ પૂછપરછ કરતાં તેણે ગુનો કબુલ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1.97 લાખનો ચોરેલો માલ સામાન તથા એક મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન મળી કુલ 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ આ કામના મુખ્ય ચોરોને શોધવા પ્રયાસ શરૂ કર્યા હતા. જ્યાં પોલીસે એક આરોપી જયેશ સોબન ગડગની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આરોપીએ આપેલી માહિતીના આધારે સેલવાસ પોલીસે અન્ય આરોપી રણજીત બાબજી પવાર, પ્રમુખ બબલુ ગડગ, ઉસ્માન કમલેશ ગડગ, જાન્યા દેવજી ગડગ, સુરેશ બબલુ ગડગને 18 ઓક્ટોબર-22 ના રોજ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.