ઘેજ: (Dhej) ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ ચડ્ડી બનિયાન ધારી તસ્કરો (Thief) ત્રાટકયા હતા. જેમનો હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કરતા તસ્કરો રાત્રીના (Night) અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા હતા. ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો રાત્રીના સમયે ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેને લઈ લોકોમાં ડર વ્યાપ્ત છે.
- ચીખલી પંથકમાં ચડ્ડી બનિયાનધારી તસ્કરો ત્રાટકયા
- હોમગાર્ડ જવાનોએ પીછો કરતા તસ્કરો અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પંથકમાં ગતરાત્રીના સવા બે વાગ્યાના સમય દરમ્યાન ત્રણ જેટલા ચડ્ડી બનિયાન ધારી તસ્કરો ચીખલીના માછીવાડ, વાણિયાવાડમાંથી પસાર થઈ મેઈન બજાર તરફ જઇ રહ્યા હતા. તે દરમ્યાન નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા હોમગાર્ડ જવાનો તેમજ અન્ય યુવાનોએ ત્રણેય તસ્કરોને પડકારતા ત્રણેય તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા. ચીખલીમાં ગતરાત્રીએ પોલીસની કોમ્બિનગ નાઈટ હોય પોલીસની નાઈટ પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો માછીવાડ, વાણિયાવાડ થઈને મેઈન બજારમાં રાત્રીના સમયે પોતાનો કસબ અજમાવે તે પહેલા જ હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી હતી. ત્રણ ડ્રિ ચક્રીય વાહનો સાથે હોમગાર્ડ જવાનો તેમજ અન્ય ઈસમોએ દોડી રહેલા તસ્કરોનો પીછો કર્યો હતો.
રાત્રીના સમયે ખુલ્લેઆમ ફરતા તસ્કરો
ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો રાત્રીના સમયે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવાની જરૂર છે. કેટલીક વાર તો ફરજ પરના કર્મચારીઓ પોતાના પોઇન્ટ ઉપર હાજર પણ નથી રહેતા. થોડા દિવસ અગાઉ ચીખલી કોલેજ રોડ સ્થિત પોલીસ ક્વૉટર્સ પાછળ થાલા શિવેચ્છા સોસાયટી ખાતે તસ્કરો કસબ અજમાવે તે પૂર્વે મહિલા જાગી જતા તસ્કરો ફરાર થઇ ગયા હતા. જ્યારે બે દિવસ અગાઉ નેશનલ હાઇવે સ્થિત મજીગામ દિનકર ભવન ખાતે આવેલ પાર્ટી પ્લોટના બે નકુચા તોડી સ્ટીલનો કબાટ તોડી નાંખ્યો હતો. ત્યારે લોકોના જાનમાલની સુરક્ષા અંગે પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી નાઈટ પેટ્રોલીંગમાં ઉચ્ચ અધિકારી સરપ્રાઈઝ વિઝીટ કરે તે જરૂરી રહ્યું છે.