ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના પિપલગભણ ગામ સ્થિત ગાંધી ફળિયાની પ્રાથમિક શાળામાં (School) મધ્યાહન ભોજનની દાળમાંથી મૃત ગરોળી (Lizard) મળી આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. નાયબ મામલતદાર દ્વારા પંચ ક્યાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
- ચીખલીના પિપલગભણની શાળામાં એક બાળકની ડીશમાં પીરસવામાં આવેલી દાળમાંથી મૃત ગરોળી મળતા ચકચાર મચી
- પશુ પણ આરોગે નહીં તેવુ ભોજન ભાળકોને પીરસવામાં આવી રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નાયક ફાઉન્ડેશન દ્વારા મધ્યાહન ભોજન પુરૂ પાડવામાં આવે છે. આ દરમ્યાન શુક્રવારના રોજ પિપલગભણ ગામના ગાંધી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં એનજીઓનું ભોજન ઉતારવામાં આવ્યું હતું અને દસેક વાગ્યાના અરસામાં બાળકોને ભોજન પીરસવાનું શરૂ કરાતાં એક બાળકની ડીશમાં પીરસવામાં આવેલી દાળમાંથી મૃત ગરોળી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. શાળાના સ્ટાફે પીરસવાનું બંધ કરાવી ઉપલી કચેરીએ જાણ કરી હતી. બાદમાં નાયબ મામલતદાર વેકરિયા સહિતના સ્ટાફે શાળા પર આવી પંચક્યાસ સહિતની કાર્યવાહી કરી દાળનો નમૂનો લીધો હતો. બીજી તરફ એનજીઓના પ્રતિનિધિઓએ પણ શાળામાં આવી બાળકોને બિસ્કીટના પેકેટ આપ્યા હતા.
ગાંધી ફળિયાની પ્રાથમિક શાળામાં રજીસ્ટર સંખ્યા 34 જેટલી છે અને આજે 29 બાળકો હાજર હતા. જો કે આ ગાંધી ફળિયાની વર્ગ શાળામાં બાળકો ભોજન આરોગે તે પૂર્વ જ ગરોળી મળી આવતા કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પરંતુ બાળકોનું આરોગ્ય જોખમાય તેવી આ ગંભીર બેદરકારી બહાર આવી હતી. તંત્ર દ્વારા દાળનો નમુનો લઇ પંચક્યાસ કરી સંતોષ માનવાના સ્થાને આ માટે જવાબદારી એનજીઓ સામે નક્કર પગલા ભરવા જોઈએ તે જરૂરી જણાઈ રહ્યું છે.
આચાર્યએ દાળ-ભાતનો જથ્થો ખેતરમાં ફેંકી દેવડાવ્યો
ગાંધી ફળિયા પ્રાથમિક શાળામાં પંચક્યાસ થાય તે પૂર્વે જ આચાર્યએ દાળ-ભાતનો જથ્થો ખેતરમાં અજ્ઞાત સ્થળે ફેંકી દેવડાવ્યો હતો અને પંચક્યાસ પૂર્વે જ પ્લાસ્ટિકની બોટલમાં દાળનો નમૂનો લઇ લેવાયો હતો. ત્યારે પંચક્યાસ પૂર્વે આ મધ્યાહન ભોજન ફેંકી દેવા પાછળનું પ્રયોજન શું ? અને કોના ઈશારે આ ભોજન ફેંકી દેવાયું ? અને ફેંકી દેવાયા બાદ પંચક્યાસનો મતલબ શું ? તેવા અનેક સવાલો વચ્ચે એનજીઓને બચાવવા માટે સમગ્ર તંત્રની મિલિભગત હોય તેવુ ફલિત થવા પામ્યું છે. ભોજનનો જથ્થો કયાં ફેંકવામાં આવ્યો તે જગ્યા બતાવવા પણ આચાર્ય દ્વારા વારંવાર પૂછવા છતાં મીડીયા કર્મીઓને બતાવાઈ ન હતી. ઉપરાંત ગામના પ્રથમ નાગરિક એવા સરપંચને સમયસર જાણ કરવાની તસ્દી સુદ્ધા આચાર્ય દ્વારા લેવાઈ ન હતી. તેવા સંજોગોમાં એનજીઓ સામે પગલા લેવાની આશા ઢુંઢળી દેખાઈ રહી છે.