Dakshin Gujarat

ચીખલીમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારમાં વીજળી ડુલ, ગણદેવીમાં ઘરોના પતરા ઉડ્યાં

ઘેજ: (Dhej) ચીખલી પંથકમાં મેઘરાજાએ (Rain) આક્રમક મૂડ અખત્યાર કરતા વહેલી સવારે ચાર વાગ્યાથી બાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. આ દરમ્યાન વીજળીના ચમકારા વચ્ચે બે કલાકમાં જ દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી વિઝીબિલિટી પણ ઘટી હતી.

ચીખલીમાં મુશળધાર વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમરોલી ઓવરબ્રિજના છેડે તથા આલીપોર ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ મોટી માત્રામાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત થાલા બગલાદેવ મંદિર આગળ તથા બામણવેલ પાટિયાની આગળ પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી હતી. સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ પર પાણી ભરાયા હતા.

તલાવચોરાના બારોલીયાના પીપળા ફળીયામાં સંજય ફાર્મ જતા માર્ગ ઉપર સવારે વડના બે ઝાડ ધરાશાયી થતા અને વિજલાઈન પર પડતા પાંચ વિજપોલ ધરાશયી થતા વિજપુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત સોલધરા, મજીગામ, બામણવેલ અને દેગામમાં પણ એક એક વિજપોલ, જ્યારે ફડવેલ, કુકેરી, રેઠવાણીયા વિસ્તારમાં પણ આઠેક જેટલા વિજપોલ જમીનદોસ્ત થતા વીજ કંપનીને મોટું આર્થિક નુકશાન થવા પામ્યું હતું. ઉપરવાસમાં પણ નોંધપાત્ર વરસાદને પગલે કાવેરી, ખરેરા અને અંબિકા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક નદી-કોતરોમાં પાણીની સપાટી વધી હતી. તાલુકામાં 6 વાગ્યે પુરા થતા ચોવીસ કલાકમાં જ ૫.૨૪ ઇંચ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૭.૪૮ ઇંચ નોંધાયો હતો.

મકાનના પતરાનો શેડ જમીનદોસ્ત થતા ચાર વ્યક્તિને ઇજા
ઘેજ ગામના બીડ નાયકીવાડ વિસ્તારમાં મળસ્કે ધીરૂભાઇ પટેલના ઘર ઉપર વૃક્ષ પડતા એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઉપરાંત સમરોલીના ધોડ ફળીયામાં નાનીબેન સોમાભાઈ અને ચીખલીના કસ્બામાં સતીષ ભીખુભાઇના ઘર ઉપર પણ ઝાડ પડતા પરિવારને નુકશાન થયું હતું. જ્યારે મજીગામના છાપરા ફળીયામાં ગોવિંદ પટેલના મકાનના પતરાનો શેડ જમીનદોસ્ત થતા ચારેક વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હતી.

બનાવના આઠ કલાકે પણ વૃક્ષો નહીં ખસેડાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો નહીં
કુકેરીના સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી બાદ બીજા બે વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. સામાજિક વનીકરણ અને માર્ગ મકાનના બેદરકારી ભર્યા કારભાર વચ્ચે બનાવના આઠ કલાકે પણ વૃક્ષો માર્ગ પરથી નહીં ખસેડાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો ન હતો. આ સ્થળે હનુમાનજીના મંદિર પાસે વળાંકમાં અવાર નવાર અકસ્માતો સર્જાતા હોવાથી આ વૃક્ષો દૂર કરવા હિતેશ દરબારે રજુઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.

ગણદેવી તાલુકામાં ભારે પવન સાથેના વરસાદથી ઘરોના પતરા ઉડ્યા, વૃક્ષા ધરાશાયી થયા
નવસારી, બીલીમોરા : ગણદેવી તાલુકામાં 24 કલાકમાં 95 મીમી (3.8 ઇંચ) વરસાદ પડવા સાથે મોસમનો કુલ 13.12 ઇંચ નોંધાયો છે. મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનને કારણે વાડી ગામ સહિતના 6 ગામના 80 ખેડૂતોના 700 ફળાવ આંબા ચીકુના મોટા વૃક્ષો તૂટી પડ્યા હતા. ગણદેવી તાલુકાના અંચેલી, કછોલી અને સોનવાડી સહિતના ગામોમાં અંદાજે 250 થી 300 જેટલા આંબાના ઝાડ અને ચીકુના ઝાડ જમીન દોસ્ત થઇ ગયા હતા. બીલીમોરામાં ફૂંકાયેલા ભારે પવનથી આતલીયા જીઈબી અને રેલવેની દીવાલ તૂટી પડી હતી. ગણદેવીનાં ઈચ્છાપોર ગામના નિશાળ ફળીયા, દેસાઈ વાડના રહીશોના ઘરના પતરા ઉડી જતા વરસાદના પાણીથી ઘરમા નુકસાન પહોચ્યુ હતું. જ્યારે આજ ગામના 5 ખેડૂતોની ચીકુની 13 અને આંબાની 5 કલમ જળમુળમાંથી ઉખડી ગઈ હતી.

સોનવાડી ગામના પિસ્તાલીસ ફળીયા, માછીવાડ અને માહ્યાવંશી મહોલ્લામા 6 પરિવારોના ઘરના પતરા તૂટીને ભુક્કો બોલી ગયા હતા. અહીં ચંડિકા માતાના મંદિરના શેડ પર પણ લીમડાનું તોતિંગ ઝાડ પડતા નુકસાન થયું છે. તો મંજુબેન હળપતિના ઘર પર ફણસનું ઝાડ પડતા પતરા તૂટી ગયા હતા. આજ ગામે વાંસીયા ફળિયામાં આંબાના ઝાડો પડતા વીજળીના 5 થાંભલા ભોઈ ભેગા થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. સાલેજ ગામની પણ હાલત સારી નથી. અહીંના વાડી વગો ફળિયા અને માયા નગરના પણ 5 ઘરોના પતરા ભારે પવનને કારણે ઉડી ગયા હતા. સોમવારની પડી રહેલા ભારે વરસાદથી ગણદેવી તાલુકામાં અસંખ્ય ઝાડો પડી જવા સાથે લોકોના ઘરોના પતરા ઉડી જતા નુકસાન થયું છે.

કાવેરી નદીનો લો લેવલ પુલ પાણીમા ગરક
બીલીમોરા આઈટીઆઇ પાછળના ઘકવાડા ગામના નવા નગર પાસે રોડ પર ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. અહીંની જીઈબી કચેરીની દીવાલ પડી ગઇ હતી. બીલીમોરા રેલવેની ગુપ્તા હોસ્પિટલ સામેની દીવાલ પડી જતા એક્ટિવા પર દીવાલ પાસે બેઠેલા ભીખુભાઇ ગાંધીને થાપા અને હાથમાં ફ્રેક્ચર થયું છે. આતલીયાથી ઉંદાચની કાવેરી નદીનો લો લેવલ પુલ પાણીમા ગરક થતા તેનો વપરાશ બંધ થઈ ગયો છે. બીલીમોરા દેસરા ખાતે બનેલો રેલવે ઓવરબ્રિજનો વાઘરેચ તરફનો અપ્રોચ રોડ પર પાણી હોવાથી વાઘરેચ તરફ લોકો જઈ શક્યા ન હતા.

તાલુકાના 80 ખેડૂતના 700 નાના મોટા ઝાડ ભારે પવનથી તુટી ગયા
ગણદેવી ખેતીવાડી અધિકારી વિપુલભાઈએ જણાવ્યુ હતુ કે તેમની ટીમે કરેલા સર્વેમાં અમલસાડ, કછોલી, સોનવાડી, ઈચ્છાપોર, સાલેજ અને અંચેલીના 80 ખેડૂતોના 700 નાના મોટા ફળાવ આંબા, ચીકુ, ફણસના ઝાડો ભારે પવનને કારણે તુટી જતા મોટુ નુકસાન પહોચ્યુ છે.

ખેરગામમાં 45મીમી વરસાદ, આછવણીમાં ઘર ઉપર ઝાડ પડ્યું
ખેરગામ : ખેરગામ તાલુકામાં પણ ભારે વરસાદથી ખેતર ખડકીયા વહેતા થતા ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદ થતાં ખેરગામ તાલુકાના આછવણી ગામના મંદિર ફળિયા નહેર કલોનીમાં રહેતા કમલેશ ગોવિંદ પટેલના ઘર ઉપર ઝાડ તૂટી પડ્યું હતું. જોકે, પરિવાર ઘરની બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. ઘર ઉપર ઝાડ પડવાથી સિમેન્ટના પતરા લોખંડની એંગલ સહિત પરિવારને ભારે નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે વીજળી પણ ગુલ થઈ હતી.

Most Popular

To Top