Dakshin Gujarat

ચીખલીમાં વાહન ચાલકો-માલિકો સાથે બેઠક બાદ આવનાર દિવસોમાં વાલીઓ પર આર્થિક ભારણ વધવાના એંધાણ

ઘેજ: ચીખલીમાં શાળા સંચાલકો, વાહન ચાલકો-માલિકો સાથેની બેઠકમાં પોલીસની ઉપસ્થિતિમાં આરટીઓ દ્વારા ફરજિયાત ટેક્ષી પાસિંગ અને પાસિંગની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના અપાતા આવનાર દિવસોમાં વાલીઓને આર્થિક ભારણ વધવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે વાહન ચાલકો હડતાળનું શસ્ત્ર ઉગામે તો નવાઈ નહી. હડતાળ અંગે એક-બે દિવસમાં મિટિંગ બાદ આખરી નિર્ણય જાહેર થનાર હોવાનું જાણવા મળ્યું હતું.

ચીખલીની શાળામાં આરટીઓ અધિકારી બી.એમ.ચૌહાણ, ચીખલી પીએસઆઇ-એચ.એસ.પટેલ, એસ.વી.પટેલ સહિતનાઓ દ્વારા શાળા સંચાલકો અને વાહન ચાલકો માલિકો સાથેની યોજાયેલી બેઠકમાં શાળામાં ફરતા ઇકો, રીક્ષા, બસ સહિતના વાહનો ફરજિયાત ટેક્ષી પાસિંગની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના આપવામાં આવી હતી. અને આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડાની નિગરાણીમાં શાળામાં, રસ્તામાં ચેકીંગ હાથ ધરી દંડનીય કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉપરોક્ત સ્થિતિમાં વાહનોમાં પાસિંગની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે તેવામાં ભાડાની રકમ વધી જતાં વાલીઓને આર્થિક ભારણ વધશે. બીજી તરફ વાલીઓને પોતાનો ધંધો-રોજગાર બગાડી જાતે પોતાના બાળકોને મુકવા જવાનું પણ મુશ્કેલ બનશે. જોકે બીજી તરફ ચીખલી તથા આસપાસના ગામોમાં આવેલી ખાનગી શાળાઓમાં ઇકો, વાન સહિતના અંદાજે ૩૦૦ ની આસપાસ વાહનો ફરે છે. તે વાહનોના ચાલકો માલિકો હડતાળનું શસ્ત્ર ઉગમવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું. અને કેટલીક શાળાઓ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલુ થઈ ગયેલી છે. તેમાં મંગળવારથી જ વાહનો નહીં ફેરવવા માટે શાળા સંચાલકોને જાણ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે મંગળવારના રોજ શાળા સંચાલકો અને વાહનવાળાઓને આરટીઓ કચેરીનું તેંડુ હોય તે બાદ વાહન ચાલકો-માલિકો બેઠક યોજી હડતાળ અંગે ચોક્કસ નિર્ણય જાહેર કરશે તેવી હકીકત પણ જાણવા મળી હતી.

ગ્રામ્ય વિસ્તારના બાળકો સરકારની સુવિધાથી વંચિત રહેશે
ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓમાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે. તેમાં પણ ફરજિયાત ટેક્ષી પાસિંગ વાહનોનું ફરમાન કરાતા ગ્રામ્ય વિસ્તારના બાળકો સરકારની આ સુવિધાથી વંચિત રહેશે તેમ લાગી રહ્યું છે.

નવસારીના સ્કુલવાન ચાલકોની આરટીઓના નિયમોને હળવા કરવા માંગ
નવસારી : નવસારીના સ્કુલવાન ચાલકોએ આરટીઓના નિયમોને હળવા કરવાની માંગ કરી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. નવસારી સ્કુલવાન ચાલકોએ નવસારી જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સ્કુલ વાહનમાં બાળકને કોઈ નુકશાની ન થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખે છે. સ્કુલના વિદ્યાર્થીઓને સ્કુલમાં લઈ જવાનું અને લાવવાનું કામ જ જીવનનો આધાર છે. ત્યારે નવસારી આરટીઓ દ્વારા કેટલાક સખતાઈ ભર્યા પગલા ભરવામાં આવી રહ્યા છે. જેથી નાની સરખી ભૂલ અંતર્ગત આરટીઓ દ્વારા વાહન ડીટેઈન કરવામાં આવે તો વાહન કોર્ટમાંથી મુક્ત કરાવવામાં આર્થિક રીતે પહોંચી શકતા નથી. વાહન ચલાવવાની ગતિ મર્યાદા વધારી આપવા, આરટીઓના નિયમો મુજબ બાળકને બેસાડવાની જે બાળક સંખ્યા નક્કી કરાઈ છે તેમાં રાહત આપવા, ટેક્ષી તથા મેક્ષીનું પાર્સિગ રદ કરાવવા સહિતની માંગ કરી છે.

Most Popular

To Top