ઘેજ: ચીખલી (Chikhli) નજીક આલીપોરમાં નેશનલ હાઇવેના (National Highway) ઓવરબ્રિજ પાસે કેમિકલ ભરેલું ટેન્કર (Tanker) સર્વિસ રોડ પર પલટી ગયા બાદ આગ (Fire) ભભૂકી ઉઠતા અફરા – તફરી સર્જાઇ હતી. બનાવના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ ટેન્કર નંબર ડીડી – ૦૩ – પી-૯૪૨૩ મુંબઇથી કેમિકલ ભરી ભરૂચ-દહેજની કંપનીમાં પહોંચાડવા માટે અલક રવિશંકર મૌર્ય (જહોનપુર-યુપી) જઇ રહ્યો હતો. આ દરમ્યાન આલીપોર નેશનલ હાઇવેના વસુધારા ડેરી સ્થિત ઓવરબ્રિજ (Over Bridge) પર ચઢતાની સાથે જ ઓવરટેઇક કરી રહેલા વાહન ચાલકે તેનું વાહન દબાવતા ઉપરોક્ત ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર ઓવરબ્રિજની પેરાપેટ સાથે અથડાઇને સર્વિસ રોડ પર પલટી ગયુ હતું અને સાથે જ આગ ફાટી નીકળી હતી.
- કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ભભૂકી
- ટેન્કર ઓવરબ્રિજની પેરાપેટ સાથે અથડાઇને સર્વિસ રોડ પર પલટી ગયુ
- ચીખલીના આલીપોર હાઇવે પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરા-તફરી
- ઓવરટેઇકની લ્હાયમાં અન્ય વાહન ચાલકે તેનું વાહન દબાવતા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
- ટેન્કર પલટી ગયા બાદ કેમિકલને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડા ગોટે – ગોટા પ્રસરી ગયા
જોત-જોતામાં કેમિકલને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અને ધુમાડા ગોટે – ગોટા પ્રસરી જવા સાથે એક સમયે ભયાવહ સ્થિતિ સર્જાઇ હતી અને નેશનલ હાઇવે પરના વાહન વ્યવહારને પણ અસર થઇ હતી. જોકે ચીખલીના પીઆઇ કે.જે. ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી જઇ બાજી સંભાળી હતી. ટેન્કરમાં કયુ કેમિકલ હતું તે જાણી શકાયું ન હતું. પરંતુ આગ દરમ્યાન સામાન્ય ધડાકા પણ થતા હતા. બીલીમોરા નગરપાલિકાના ફાયર ફાઇટરે આગને કાબૂમાં લીધી હતી.
ટેન્કર ચાલકનો બચાવ થયો હતો. પરંતુ ટેન્કરમાં કયા પ્રકારનું કેમિકલ હતું અને કેટલો જથ્થો હતો તે જાણી નહીં શકાતા નુકશાનીની રકમ બહાર આવી ન હતી. વાપીથી એમ્પ્લોઝીવની ટીમ આવ્યા બાદ જાણી શકાશે. ઘટના સ્થળે આ બર્નિગ ટેન્કરને જોવા લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.