ઘેજ: ચીખલી તાલુકાના ઘેજ ગામના યુવાન ખેડૂતે કમાલ કરી દેખાડી છે. શેરીડના પાક બાદ ફાજલ સમયમાં ખેતરમાં ગાંઠ રોપીને 4 જ મહિનામાં 6 ફૂટ ઊંચું સૂરણ ઉગાડી દીધું છે. ખેડૂતે કઈ પદ્ધતિથી સૂરણ ઉગાડ્યું તે જાણવા આસપાસના ગામના ખેડૂતો ઘેજમાં આવી રહ્યાં છે. આ ખેડૂત હવે સૂરણનો મબલખ પાક લેવાની આશા રાખી રહ્યો છે.
ઘેજના બીડ ફળિયા વિસ્તારના પાટીદાર ખેડૂત અગ્રણી અને ગણદેવી સુગરના પૂર્વ ડીરેક્ટર ચેતન પટેલે તેમના પિતા ગોવિંદભાઇ અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સાત વિંઘા જમીનમાં ટપક પધ્ધતિથી સૂરણની ગાંઠ રોપી હતી. ખેતરમાં શેરડી કપાઇ ગયા બાદ શણનો લીલો પડવાશ કર્યો હતો. શણનો પડવાશ ઓર્ગેનિક ખાતર તરીકે કામ કરતો હોય છે. શણનો પડવાશ કર્યા બાદ તેમણે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ સૂરણની ગાંઠ બબ્બે ફૂટના અંતરે રોપી હતી. અને ચાસ પણ પોણા ચાર ફૂટના મોટા કરવામાં આવ્યા હતા.
બીજી તરફ સિંચાઇ માટે ટપક પધ્ધતિનો અમલ કરાતા નિંદામણ પણ નહીવત થતું હોય છે. વીજળી અને પાણીનો પણ બચાવ થાય છે. જેને લઇને ખર્ચમાં પણ મોટી રાહત થાય છે. સાથે જરૂરિયાત મુજબનું પાણી મળતા ઉત્પાદન પણ સારુ મળતું હોય છે.
ચેતનભાઇએ ચીલાચાલુ ખેતીની પધ્ધતિના સ્થાને આધુનિક પધ્ધતિનો અમલ કરતા ચાર માસના ગાળામાં જ સૂરણની ગાંઠનું વજન સાડા ચાર કિલોગ્રામની આસપાસ મળી રહ્યું છે. જેને લઇને સારા ઉત્પાદનની આશા સેવાઇ રહી છે. ચેતનભાઇના પિતાનો પહેલેથી જ ખેતીમાં ખુબ રૂચિ ધરાવવા સાથે આધુનિક ખેતીના આગ્રહી છે. જેથી તેમના માર્ગદર્શન હેઠળ ચેતનભાઇએ સૂરણની ખેતીમાં આધુનિક પધ્ધતિ અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ થયા છે. જોકે સારા ઉત્પાદન સાથે ભાવ પણ સારા મળે તે જરૂરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા પૂરતા પ્રમાણમાં ફાયદો થતો નથી.
એક વિંઘા દીઠ ૩૦ થી ૩૫ ખાંડી સુરણનું ઉત્પાદન થશે
ખેડૂત અગ્રણી ચેતનભાઇએ જણાવ્યુ હતુ કે ટપક પધ્ધતિ દ્વારા સૂરણની ખેતી કરી છે અને હાલની સ્થિતિ જોતા એક વિંઘા દીઠ ૩૦ થી ૩૫ ખાંડી સુરણનું ઉત્પાદન થશે. આ ખેતરમાં શેરડીનું પણ વિંઘા દીઠ ૬૫ ટકા જેટલું ઉત્પાદન લીધું હતું.