
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ગામ એટલે ચીખલી. આ ગામ નજીકથી અંબિકા નદી પસાર થાય છે. હાલ આ ગામ રોજગારી, શિક્ષણ, નોકરી, પશુપાલન, ખેતીવાડી અને જંગલોના સંરક્ષણ ક્ષેત્રે ધીમે ધીમે વિકાસનાં ડગલાં ભરી આગળ ધપી રહ્યું છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીખલી ગામની વાત કરીએ તો આ ગામ ચોતરફ ડુંગરોની વચ્ચે સમથળ ભૂમિ પર અંબિકા નદીના કાંઠે વસેલું ગામ છે. ચીખલી ગામની ચારે બાજુ નજર નાંખીએ તો ચોતરફ હરિયાળા પર્વતો તેમજ ગામ નજીક અંબિકા નદી અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર જોવા મળે છે. અહીં ચોતરફ કુદરતી સૌંદર્ય અને નયનરમ્ય દૃશ્યોમાં કાચાં-પાકાં ઘરોની આહલેક વચ્ચે ગામડાંની અદભૂત ઝલક જોવા મળે છે. ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરી માર્ગના સાપુતારા, શામગહાન, બારીપાડા થઈ ચીખલી ગામ નજીક પડે છે. જ્યારે આ ગામમાં જવું હોય તો વઘઇ, સાકરપાતળ અને શિવારીમાળ થઈ પણ જઈ શકાય છે. પરંતુ વઘઇથી દૂરનું અંતર થાય છે. બારીપાડા ચીખલીથી સાપુતારા, આહવા, વઘઇ, વાંસદા અને બારડોલી, સુરત તરફ પણ જઈ શકાય છે. ગામમાં ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુમાં કુદરતી સંપદા પણ જાજરમાન દેખાય છે. જ્યારે ગામમાં પાનખર ઋતુમાં જંગલોનાં ઝાડ પરથી પાંદડાં ખરી પડતાં સમથળ ભૂમિ પર માત્ર કાચાં-પાકાં મકાનોની સાથે આંતરરાજ્ય ધોરી માર્ગની આહલેક તથા ડુંગરોની અદભૂત ઝલક જોવા મળી રહે છે. ચીખલી ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશે વાત કરીએ તો આ ગામમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો આવ્યો છે. ગામનો સાક્ષરતા દર 66.64 ટકા જોવા મળે છે. જેના પગલે હાલમાં નોકરિયાતોની સંખ્યા પણ સારી એવી જોવા મળે છે. જ્યારે અમુક નિવૃત્ત થઈ સમાજસેવામાં જોડાયા છે.
ચીખલી ગામના વડીલ અને નિવૃત્ત એ.સી.એફ. મોહનભાઈ પાગીના જણાવ્યાનુસાર અમે પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું કે, ચીખલી ગામ અગાઉ વાસુર્ણા રાજાના રજવાડામાં હતું. ચીખલી વિસ્તારમાં સૌપ્રથમ ભીલ, વારલી અને કુનબી એટલે કોંકણી લોકોએ સાથે જ વસવાટ શરૂ કર્યો હતો. આ ગામમાં લોકોએ પશુપાલન સાથે સમથળ ભૂમિ પર વસવાટ તો શરૂ કર્યો, પરંતુ અહીં કાદવની સમસ્યા વિકટ હતી. આ ગામની સીમમાં ગમે ત્યારે લોકો, પશુઓ અને પ્રાણીઓ કાદવમાં ફસાઈ જતા હતા. તેમજ લોકોના પગ પણ ઘૂંટણ સુધી કાદવમાં ખૂંપી જતા હતા. ત્યારે અગાઉ લોકો કાદવને ડાંગી બોલીમાં “ચિખોલ” તરીકેનું પ્રયોજન કરતા હતા. લોકોએ ડાંગી બોલીમાં ચિખોલ શબ્દના પ્રયોજન પરથી આ ગામનું નામ ચીખલી પાડ્યું હોવાની લોકવાયકા સાંભળવા મળે છે. તેમજ આ કાદવવાળા વિસ્તારમાં ચીંચ એટલે આંબલીનાં વૃક્ષો પણ હતાં.
બીજી લોકવાયકા મુજબ કાદવમાં ચીંચનાં વૃક્ષો હોવાથી ચિખોલ એટલે કાદવમાં ચીંચનાં વૃક્ષો હોવાથી ચીખલી ગામનું નામકરણ થયાનું સાંભળવા મળે છે. તેમજ સમય જતાં ચીખલી ગામમાં કાદવ ઓછો થતો ગયો અને જમીન ફળદ્રુપ થતી ગઈ. જેથી આ ગામનું નામ ચીખલી પાડી જનજીવન દ્વારા સમથળ ભૂમિ પર વિધિવત વસવાટ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ. સાપુતારા દ્વારા 24 કલાક વીજળી આપવામાં આવે છે. આ ગામના ખેડૂતોને ખેતીવાડીનાં વીજ કનેક્શન ફાળવી ખેતી ક્ષેત્રે સધ્ધર બનવા માટેનું પ્રોત્સાહન પણ અપાયું છે. ચીખલી ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામમાં બે-ત્રણ વર્ષ અગાઉ સ્મશાનઘરનું નિર્માણ કરવામાં આવતાં ચોમાસાની ઋતુમાં અગ્નિદાહ માટે રાહત રહે છે. આ ગામમાં ખ્રિસ્તી લોકો દરેક ઋતુમાં દફનવિધિ સરળતાથી કરી શકે છે. ચીખલી ગામમાં સંપ ત્યાં જંપનું ઉદાહરણ જોવા મળે છે. અહીં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળાનાં બાળકો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર થયેલું નજરે પડે છે. વધુમાં ગ્રામ પંચાયત ચીખલી દ્વારા ચાલુ વર્ષમાં ગામમાં અનેક લાભાર્થીઓને ઇન્દિરા આવાસ અને પ્રધાનમંત્રી આવાસ તથા સમાજ કલ્યાણ શાખામાંથી આવાસોની ફાળવણી કરાઈ છે.
ચીખલી ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાંથી સૌથી વધુ કોંકણી, કુનબી ભીલ અને વારલી જ્ઞાતિના છે. આ ગામના 90 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 10 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા જોવા મળે છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર, વાઘદેવ, જીવંત વૃક્ષના થડમાં વાઘદેવની પ્રતિમા, ગાવદેવી અને 1 ચર્ચ પણ આવેલું છે. ખ્રિસ્તી ધર્મના લોકો રવિવારે દેવળમાં પ્રાર્થના કરે છે. ચીખલી ગામમાં ભક્તો દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. વધુમાં આ ગામમાં શ્રી સંપ્રદાય તથા મોક્ષમાર્ગી અને માળકરી સંપ્રદાયના ભક્તો પણ સમય તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે.
ચીખલી ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 992થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા અંદાજિત 483થી વધુ છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા પણ 509થી વધુની છે. આ ગામમાં 170થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. સાથે 200થી વધુ નાનાં-મોટાં કુટુંબો આવેલાં છે. ચીખલી ગામમાં ઉમરાનામાળનું ફળિયું, જામન્યામાળનું ફળિયું, વાંગણ ફળિયું મળી કુલ 3 ફળિયાં આવેલાં છે. આ ગામમાં ગાવીત, વાડુ, ચૌધરી, પવાર, રાઉત, બાગુલ, વજીર, પાગી, તલવાર, ગાયકવાડ, વળવી, માહલા, તુંબડા અને સામનાની અટકના લોકોનો સમાવિષ્ટ થયો છે.
આ ગામ સાપુતારાથી અંદાજિત 18 કિલોમીટર અને શામગહાનથી અંદાજિત 9 કિલોમીટરના અંતરે આવેલું છે. ગિરિમથક સાપુતારા, વહીવટી મથક આહવા-વઘઇ જવું હોય તો લોકોને વાહનોની સરળ સગવડ જોવા મળે છે.
વિકાસને વેગ આપવામાં આમનો પણ ઉમદા ફાળો
અગાઉ ચીખલી ગામનો બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતો હતો. હાલ ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ગ્રામ પંચાયતમાં વસતીના આધારે ચીખલી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે. ચીખલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચીખલી, મહારાઈચોંડ અને બોરીગાવઠા ગામ મળી ત્રણ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લાં દસ વર્ષથી ગ્રામ પંચાયત (બારીપાડા) ચીખલીમાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. (બારીપાડા) ચીખલી ગ્રામ પંચાયતની વાત કરીએ તો ગત ટર્મમાં અહીં ભાજપા પેનલ સમર્પિત સરપંચ તરીકે રતિલાલભાઈ એવાજીભાઈ ગાવીત દબદબાભેર ચુંટાઈ આવ્યા હતા. હાલ થોડા દિવસ પૂર્વે જ ડાંગ જિલ્લામાં વિભાજન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. હાલની ચૂંટણીમાં પૂર્વ સરપંચ રતિલાલભાઈ ગાવીતની પુત્રવધૂ શીતલબેન સુભાષભાઈ ગાવીત ગ્રુપ ગ્રામ પંચાયત ચીખલી ગ્રામ પંચાયતમાં 8 સભ્ય સાથે બિનહરીફ સરપંચ ચુંટાયાં છે. ચીખલી ગ્રામ પંચાયતમાં ભાજપા સમર્પિત પેનલનાં શીતલબેન ગાવીત 8 સભ્ય સાથે બિનહરીફ થતાં ગ્રામ પંચાયત પ્રથમ વખત સમરસ બની છે. ચીખલી ગામના વોર્ડ મેમ્બરમાં સોનલબેન બાલક્રિષ્નાભાઈ ચૌધરી, સુરેશભાઈ સોન્યાભાઈ પાગી, શાંતાબેન શંકરભાઈ વાડુ, ભીમાબેન ગણેશભાઈ પવાર, અમ્રતભાઈ લક્ષમણભાઈ પાગી પણ બિનહરીફ ચુંટાઈ આવ્યાં છે. હાલ આ ગામનાં યુવા મહિલા સરપંચ શીતલબેન ગાવીત, ચુંટાયેલા સભ્યો અને આગેવાનો તલાટી કમ મંત્રી તથા તાલુકા સદસ્ય તેમજ જિલ્લા સદસ્યના માર્ગદર્શન મુજબ વિકાસકીય કામો કરવા માટે તત્પર બન્યા છે.
ચીખલી ગામના પૂર્વ સરપંચ અને ભાજપાના આગેવાન એવા રતિલાલભાઈ એવાજી ગાવીતનો ગામના વિકાસમાં અગ્રીમ ફાળો જોવા મળે છે. દસ વર્ષ પહેલાં રતિલાલભાઈ ગાવીતે કોંગ્રેસનો હાથ છોડી ભાજપાના વિકાસ સાથે હાથ મળાવતા ગામના વિકાસમાં સફળતા મળી છે. ભાજપાના આ આગેવાને ભાજપા સાથે કદમ મિલાવી ચીખલી ગામને યોગ્ય વિકાસની વાચા આપવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. હાલ તેમનાં પુત્રવધૂ સરપંચ તરીકે બિનહરીફ ચુંટાયાં છે. આવનારા દિવસોમાં ત્રણ ગામમાં તેઓ તથા તેઓની યુવા પુત્રવધૂ નારીશક્તિનાં દર્શન કરાવી વિકાસકીય કામોને વેગ આપવા માટે પ્રયત્ન હાથ ધરશે.
જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કટિબદ્ધ ચીખલી રેન્જ-દક્ષિણ વન વિભાગ
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના ચીખલી ગામે ચીખલી રેન્જ કચેરી પણ કાર્યરત છે. ચીખલી રેન્જ કચેરીમાં આર.એફ.ઓ. તરીકે સરસ્વતીબેન ભોયા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. ચીખલી રેન્જનો વિસ્તાર 9084 હેક્ટરમાં સમાયેલો છે. ચીખલી રેન્જમાં જંગલ વિસ્તારની કુલ 2 રાઉન્ડ અને 6 બીટ આવેલી છે. ચીખલી રેન્જની દક્ષિણમાં બારીપાડા બીટ, પશ્ચિમમાં આહેરડી બીટ, પૂર્વમાં ચીખલી બીટ આવેલી છે. ચીખલી રેન્જમાં કુલ 14 ગામનો સમાવેશ થયો છે. દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ. નીરજકુમાર(IFS)ના માર્ગદર્શન હેઠળ ચીખલી રેન્જનાં આર.એફ.ઓ. સરસ્વતીબેન ભોયા સહિત ફોરેસ્ટરો, બીટગાર્ડ, દવગાર્ડ અને રોજમદારો જંગલોના સંરક્ષણ માટે પ્લાન્ટેશન, નર્સરી સહિતની સફળ કામગીરી કરી રહ્યાં છે. સાથે ઈમારતી લાકડાં તથા વન્યજીવોનાં સંરક્ષણ માટે પણ ભેસકાતરી રેન્જના કર્મીઓ દ્વારા રોજેરોજ પેટ્રોલિંગ હાથ ધરી ઘનિષ્ટ કામગીરી કરવામાં આવે છે. ચીખલી રેન્જ દ્વારા વન મહોત્સવ દરમિયાન 10 હજાર રોપાનું વિતરણ કરી વાવેતર કરાયું છે. સાથે ચીખલી રેન્જ દ્વારા લાગુ ગામોના લાભાર્થીઓને વાડીયોજના અંતર્ગત આંબાની કલમ, પાણીની ટાંકી, વૃક્ષ ખેતી યોજનાની સહાય, રેન્જમાં માલિકી યોજના અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં 254 લાભાર્થીને કરોડો રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે. આ માલિકી યોજનામાંથી વિધવા સહિત અમુક ગરીબ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સ્પેશિયલ કેસોમાં સહાય પૂરી પાડી માનવતાવાદી અભિગમ સાર્થક કરાયો છે.
જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કટિબદ્ધ ચીખલી રેન્જ-દક્ષિણ વન વિભાગ
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના ચીખલી ગામે ચીખલી રેન્જ કચેરી પણ કાર્યરત છે. ચીખલી રેન્જ કચેરીમાં આર.એફ.ઓ. તરીકે સરસ્વતીબેન ભોયા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. ચીખલી રેન્જનો વિસ્તાર 9084 હેક્ટરમાં સમાયેલો છે. ચીખલી રેન્જમાં જંગલ વિસ્તારની કુલ 2 રાઉન્ડ અને 6 બીટ આવેલી છે. ચીખલી રેન્જની દક્ષિણમાં બારીપાડા બીટ, પશ્ચિમમાં આહેરડી બીટ, પૂર્વમાં ચીખલી બીટ આવેલી છે. ચીખલી રેન્જમાં કુલ 14 ગામનો સમાવેશ થયો છે. દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ. નીરજકુમાર(IFS)ના માર્ગદર્શન હેઠળ ચીખલી રેન્જનાં આર.એફ.ઓ. સરસ્વતીબેન ભોયા સહિત ફોરેસ્ટરો, બીટગાર્ડ, દવગાર્ડ અને રોજમદારો જંગલોના સંરક્ષણ માટે પ્લાન્ટેશન, નર્સરી સહિતની સફળ કામગીરી કરી રહ્યાં છે. સાથે ઈમારતી લાકડાં તથા વન્યજીવોનાં સંરક્ષણ માટે પણ ભેસકાતરી રેન્જના કર્મીઓ દ્વારા રોજેરોજ પેટ્રોલિંગ હાથ ધરી ઘનિષ્ટ કામગીરી કરવામાં આવે છે. ચીખલી રેન્જ દ્વારા વન મહોત્સવ દરમિયાન 10 હજાર રોપાનું વિતરણ કરી વાવેતર કરાયું છે. સાથે ચીખલી રેન્જ દ્વારા લાગુ ગામોના લાભાર્થીઓને વાડીયોજના અંતર્ગત આંબાની કલમ, પાણીની ટાંકી, વૃક્ષ ખેતી યોજનાની સહાય, રેન્જમાં માલિકી યોજના અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં 254 લાભાર્થીને કરોડો રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે. આ માલિકી યોજનામાંથી વિધવા સહિત અમુક ગરીબ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સ્પેશિયલ કેસોમાં સહાય પૂરી પાડી માનવતાવાદી અભિગમ સાર્થક કરાયો છે.
તેજસ્વિની સંસ્કૃતિ ધામની મુલાકાત લેવા જેવી ખરી
લોકોએ શાંતિની અનુભૂતિ કરવી હોય તો ચીખલી નજીક વાસુર્ણા ગામ ખાતે આવેલા તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે જઈ શાંતિનું સુખ મેળવી શકે છે. તેજસ્વિની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તેજસ્વિની સંસ્કૃતિ ધામનું સંચાલન બ્રહ્મવાદીની સુશ્રી હેતલ દીદી અને પૂજ્ય ડો.કેતનદાદા કરી રહ્યા છે. તેજસ્વિની સંસ્કૃતિ ધામ કેન્દ્ર વાસુર્ણા એ પ્રકૃતિ સાથે અદભૂત સંગમ રચે છે. તેજસ્વિની સંસ્કૃતિ ધામ એક જીવન સંશોધન કેન્દ્ર છે. અહીંનું સૂત્ર જ ચાલો પ્રકૃતિ તરફ, ચાલો સંસ્કૃતિ તરફ અને ચાલો અધ્યાત્મ તરફનો સંદેશો આપે છે. જે વ્યક્તિએ શાંતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકનો અનુભવ કરવો હોય તો આ જીવન સંશોધન કેન્દ્રની એકવખત અવશ્ય મુલાકાત કરવી જોઈએ.
ગામનાં વિકાસ માટે તત્પર મહિલા સરપંચ શીતલબેન ગાવીત
ચીખલી ગામનાં શિક્ષિત એવાં યુવા મહિલા સરપંચ શીતલબેન સુભાષભાઈ ગાવીતે ધો.10 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ભાજપમાં જોડાઈ ગયાં છે. આ શિક્ષિત યુવા મહિલા આગેવાન હાલમાં જ ચીખલી ગામ મત વિસ્તારમાં સરપંચ તરીકે ભાજપની પેનલમાંથી બિનહરીફ દબદબાભેર ચુંટાઈ આવ્યાં હતાં. થોડા દિવસ બાદ યુવા સરપંચ તરીકે ચીખલી ગામ વિસ્તારનાં ગામડાંના વિકાસમાં વાચા આપશે. શીતલબેન ગાવીતે જણાવ્યું હતું કે, શિક્ષણ મેળવ્યા બાદ મારાં લગ્ન ચીખલી ગામે થતાં ગૃહિણીની સાથે સાથે ચીખલી ગામ વિસ્તારમાં અગ્રણી તરીકે સેવા આપી રહી છું. લોકોની સલાહ મુજબ વિકાસનાં કામોની ચર્ચા કરી ઉપલા લેવલે રજૂઆત કરી સરકારી યોજનાઓ સફળ બનાવવા માટે તંત્રમાં હું રજૂઆત કરું છું. અમારા ગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે. અમારું ગામ છેલ્લાં ઘણાં વર્ષથી ભાજપાની પડખે અડીખમ બનીને ઊભું છે.