Dakshin Gujarat

ચીખલી મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં બપોરે બે વાગ્યા સુધી જ અરજી સ્વીકારાતા અરજદારો પરેશાન

CHIKHALI : ચીખલી મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં બપોરે બે વાગ્યા સુધી જ કોઇપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવી રહી છે અને અરજી મળ્યાની રસીદ પણ ન આપવામાં આવતા અરજદારોને હાલાકી વેઠવાની નોબત આવી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વેનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયાને એક માસ કરતા પણ વધુ સમય વીતવા છતાં ઇ-ધરા કેન્દ્રમાં હજુ પણ ચૂંટણીનું ભૂત ધૂણી રહ્યું છે.


મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે અરજી સ્વીકારવાનો સમય સવારે 10.30થી બપોરે 2.00 વાગ્યા સુધીનો નિર્ધારિત કરી તે અંગેની લેખિત સૂચના પણ ઇ-ધરા કેન્દ્ર પાસે મુકી દેવામાં આવી હતી. વધુમાં ઇ-ધરા કેન્દ્રમાં અરજદારોને તેમની અરજી મળ્યા બદલની રસીદ પણ આપવામાં આવતી નથી. તેવામાં કોઇ અરજી કે તેમાંના કોઇ કાગળો ગુમ થઇ જાય તો જવાબદારી કોની? આ ઉપરાંત બે વાગ્યા બાદ અરજી તૈયાર કરાય તો અરજી આપવા બીજા દિવસે ફરી મામલતદાર કચેરીના પગથીયા ઘસવાના? જેવા અનેક સવાલો આ રેઢિયાળ કારભારમાં ઉભા થાવ પામ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા અને અંકુશના અભાવે અધિકારઓ મનઘડત નિર્ણયો કરી પોતાની મનમાની ચલાવતા આખરે પીસાવાનું લોકોને જ આવતું હોય છે અને લોકોને સતત અમલદારશાહીની અનુભૂતિ થતી રહેતી હોય છે.

ઘણી અરજી પેન્ડીંગ થઇ જતા રસીદ આપવામાં આવતી નથી: ના.મામલતદાર

ઇ-ધરાના નાયબ મામલતદાર સચિન ભેડાના જણાવ્યાનુસાર ચૂંટણી વખતે બે વાગ્યાનો સમય નક્કી કરાયો હતો અને તે પૂર્વે રસીદ પણ આપવામાં આવતી હતી પરંતુ ઘણી અરજી પેન્ડીંગ થઇ જતા રસીદ આપવામાં આવતી નથી. બે ચાર દિવસમાં તો નોંધ પડી જ જાય છે અને આવતા વીકમાં કન્ટીન્યુ થઇ જશે.

Most Popular

To Top