ટીમ ઈન્ડિયા આવતા મહિને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ પહેલા બે અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. સૌ પ્રથમ ગઈ તા. 7 મેના રોજ રોહિત શર્માએ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. જ્યારે 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનું રોહિત-વિરાટ (ROKO) ના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર એક મોટું નિવેદન સામે આવ્યું છે. અજિત અગરકરે કહ્યું કે વિરાટ કોહલીએ એપ્રિલ મહિનામાં જ તેમને કહ્યું હતું કે તેમણે આ ફોર્મેટમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યા છે. અગરકરના મતે નિવૃત્તિનો નિર્ણય બંને ખેલાડીઓનો વ્યક્તિગત નિર્ણય હતો.
અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જ્યારે મોટા દિગ્ગજ ખેલાડીઓ નિવૃત્તિ લે ત્યારે તે સમય મુશ્કેલ હોય છે. હું છેલ્લા કેટલાક મહિનાઓથી તે બંનેના સંપર્કમાં છું. વિરાટે એપ્રિલમાં મને કહ્યું હતું કે તેણે ટેસ્ટ ફોર્મેટમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન આપી દીધું છે. જો તેઓ એમ કહે છે, તો આપણે તે નિર્ણયનો આદર કરવો જોઈએ. તેઓ પોતાની જાત પ્રત્યે સાચા છે. આ વિદાય છે પણ બીજા કોઈ માટે એક તક છે. તેમના જવાથી બે જગ્યાઓ ખાલી પડી છે જે ભરવી સરળ રહેશે નહીં.

રોહિત શર્માની પ્રશંસા કરતા અજિત અગરકરે કહ્યું, તે એક સાચો લીડર રહ્યો છે. ક્યારેક ખેલાડીઓ પોતે નિર્ણય લે છે. આપણે તેમનો આદર કરવો જોઈએ. રોહિત, વિરાટ, અશ્વિન અને શમી – આ ચાર મોટા ખેલાડીઓ હવે રહ્યા નથી. આ એક આંચકો છે, પરંતુ તે અન્ય લોકો માટે પણ એક તક છે.
સાઈ સુદર્શનની પસંદગી અંગે અગરકરે શું કહ્યું?
સાઈ સુદર્શનની પ્રશંસા કરતા અગરકરે કહ્યું, અમે તેને ફક્ત તેના આઈપીએલ પ્રદર્શનના આધારે પસંદ કર્યો નથી. તેણે રેડ બોલ ક્રિકેટમાં રન બનાવ્યા છે. અમે પહેલાથી જ તેમને જોઈ રહ્યા હતા. હવે જ્યારે જગ્યા બની ગઈ છે, તો તે એક તકને પાત્ર છે. મોહમ્મદ શમી અંગે અગરકરે કહ્યું કે મેડિકલ ટીમે તેમને કહ્યું હતું કે આ ફાસ્ટ બોલર હાલમાં ફિટ નથી.

સરફરાઝને કેમ પડતો મુકાયો?
કરુણ નાયર ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે સરફરાઝ ખાનને પડતો મૂકવામાં આવ્યો છે. આ અંગે મુખ્ય પસંદગીકારે કહ્યું, આ તે નિર્ણયો છે જે ટીમ મેનેજમેન્ટ લે છે. સરફરાઝે કેટલીક ટેસ્ટ મેચ રમી છે. ક્યારેક આ કોઈને અન્યાયી લાગે છે, પરંતુ નિર્ણયો લેવા પડે છે. શુભમન ગિલને કેપ્ટન અને ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવા અંગે અજિત અગરકરે કહ્યું, તમે ફક્ત એક કે બે શ્રેણી માટે કેપ્ટન પસંદ કરતા નથી. આપણે આગળ વિચારવું પડશે. અમને આશા છે કે તે (શુભમન) યોગ્ય ખેલાડી છે. ઋષભ પણ એક સારો વિકલ્પ હતો, તેથી તેને ગિલનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો છે.