૩૬ કરોડથી વધુની સાધન સહાયનું વિતરણ, ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે સહાય વધારી રૂ.૧.૧૦ લાખ
ગાંધીનગર,તા.13
દિવ્યાંગજનોનું રોજિંદું જીવન વધુ સરળ અને સુગમ બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના અમલમાં મૂકી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૫૬૭૬ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂ.૩૬ કરોડથી વધુની સાધન સહાયનું પ્રતિકરૂપે વિતરણ કર્યું હતું.આ યોજના હેઠળ રાજ્યના ૩૪ જિલ્લાઓના ૪૦૦૦ દિવ્યાંગોને પ્રથમ વખત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને ૧૬૭૬ દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સૂચનથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આ માટે રૂ.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે દિવ્યાંગ લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના જીવનમાં આ સાધનોથી આવનારી સુગમતા વિશે પણ ચર્ચા કરી હતી. અગાઉ હાથથી ચલાવાતી ટ્રાઈસિકલ અને વ્હીલચેર આપવામાં આવતી હતી, જેના કારણે દિવ્યાંગજનોને વધારે શારીરિક શ્રમ કરવો પડતો હતો. હવે મોટરાઈઝ્ડ સાધનો મળવાથી તેમની અવરજવર વધુ સરળ બનશે. મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ સાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે સહાય વધારી રૂ.૧.૧૦ લાખ કરવાની દિશા નિર્દેશો આપ્યા છે. ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે સહાય મેળવવાની પાત્રતા વય મર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૦ વર્ષ કરવામાં આવી છે.