ગાંધીનગર,તા.25
રાજ્યના સામાન્ય નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા અને વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના નિર્ધાર સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે ‘એક્શન મોડ’માં જોવા મળ્યા હતા. ‘નાગરિક દેવો ભવ:’ના ઉદારતમ અભિગમ સાથે મુખ્યમંત્રીએ રાજ્યભરમાંથી આવેલી 100થી વધુ રજૂઆતો રૂબરૂ સાંભળી સ્થળ પર જ ન્યાયિક ઉકેલ લાવવા જિલ્લા વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશો આપ્યા હતા.મુખ્યમંત્રીએ જિલ્લાના વહીવટી તંત્રને સ્પષ્ટ નિર્દેશ કર્યા હતા કે રાજ્ય સરકાર પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે રીતે તટસ્થ અને ન્યાયિક રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ વહીવટી તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ.
વૃદ્ધ માતાને મળ્યો ન્યાય
રાજ્ય સ્વાગતમાં એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા ઘરમાંથી કાઢી મૂકાયેલા અને શારીરિક-માનસિક ત્રાસ ભોગવતા ગાંધીનગરના વૃદ્ધ માતાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. મુખ્યમંત્રીએ આ બાબતે અત્યંત સંવેદનશીલતા દાખવી તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ થાય અને વૃદ્ધાને ફરી હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધીક્ષકને કડક સૂચના આપી હતી.
300 બાળકોના ભવિષ્યનો નિર્ણય અને ખેડૂતોની વ્હારે સરકાર
શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા 40 વર્ષથી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતમાં મુખ્યમંત્રીએ શાળાના પાકા બાંધકામને તાત્કાલિક મંજૂરી આપવા યુનિવર્સિટી તંત્રને દિશાનિર્દેશ આપ્યા હતા. ખેડૂતલક્ષી અભિગમ ગાંધીનગરના દહેગામની ખારી નદીમાં અવરોધના કારણે થતા ખેતરના ધોવાણના પ્રશ્ને મુખ્યમંત્રીએ ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ તાકીદે કામગીરી કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ખેતરમાં ભૂગર્ભ ગટર લાઈનના લીકેજ અને રસ્તાના દબાણ હટાવવા જેવા ખેડૂતોના પ્રશ્નોમાં પણ તંત્રને દોડતું કર્યું હતું.
સ્વાગતની ફલશ્રુતિ
માર્ચ મહિનાના આ જનસંપર્ક અભિયાનમાં માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં, પરંતુ જિલ્લા -તાુકા પાયાના સ્તરે પણ સફળતા મળી છે.
રાજ્ય સ્વાગત: 100 થી વધુ રજૂઆતોનું નિરાકરણ
જિલ્લા સ્વાગત: 1218 રજૂઆતો અંગે કાર્યવાહી
તાલુકા સ્વાગત: 2294 પ્રશ્નોના ઉકેલની દિશામાં પ્રગતિ
કુલ: 3512 નાગરિકોની સમસ્યાઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ