ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) વિશે શાસક પક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન કર્યું છે. વિજાપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સી.આર. પાટીલે એવું કહ્યું કે, મુખ્યમંત્રી પાસે કોઈ હા પડાવી નહીં જાય એટલે વોચ રાખવી પડે છે. પાટીલના આ નિવેદન બાદ એવી ચર્ચા ઉઠી કે શું પાટીલ સવાયા મુખ્યમંત્રી છે? રાજ્યના મુખ્યમંત્રી પર પાટીલ અને તેના જૂથ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે, તેથી શું મુખ્યમંત્રી માત્ર મ્હોરાં જ છે. શું દાદા એટલું જ કરશે જેટલું ભાઉ કહેશે? આવી અનેક ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ શુક્રવારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિજાપુર ખાતે જુદા જુદા સમારંભમાં એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. વિજાપુરમાં હિરપુરા ખાતે સાબરમતી નદી પર બેરેજ નિર્માણ અન્વયે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ હતી. આ બેરેજના કારણે વિજાપુરના બે તથા હિંમતનગર સહિત કુલ છ ગામોની અંદાજે 3200 હેકટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા મળતી થશે. જયારે 214 કરોડના ખર્ચે આ બેરેજની જળ સંગ્રહ કરવાની ક્ષમતા 3.47 મિલિયન ઘન મીટર છે.
મહેસાણાના વિસનગર તાલુકાના તરભ ખાતે, વાળીનાથ ધામ ખાતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની રજતતુલા કરાઈ હતી.પટેલે કહ્યું હતું કે, અમે ગુજરાતનું કામ કરવા બેઠા છીએ. આ ઉપરાંત તેમણે રબારી સમાજને સંબોધન કરતાં કહ્યું કે, રબારી સમાજ ખૂબ જ બુદ્ધિશાળી સમાજ છે. આ સમાજ સમજણ સાથે સમાધાનને રસ્તે ચાલે છે એટલે જ આટલી સારી પ્રગતિ કરી શક્યો છે. સમાજનું જે કામ હોય તે લાવો, સમાજના ઉત્થાન માટે સરકાર કામ કરશે.
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યુ હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરળ સ્વભાવના હોવાથી તેમણે લોક હ્રદયમાં સ્થાન પ્રપ્ત કરી લીધુ છે. આ સ્થળે (તરભ) મને અગાઉ બળદેગીરી મહારાજના આશીર્વાદ પ્રપ્ત થયા હતા. તે આશીર્વાદના કારણે આજે પણ મને સફળતા પ્રાપ્ત થઈ રહી છે. અમારા મુખ્યમંત્રી ખુબ સરળ અને સારા સ્વભાવના હોવાથી કોઈ તેમની પાસે હા ના પડાવી જાય એટલે અમારે મુખ્યમંત્રી પર વોચ રાખવી પડે છે. તેઓ પોતે જ કહે છે કે હું સરળ સ્વભાવનો છું.