Gujarat

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે. કૈલાસનાથનની ફરી વખત નિયુક્તિ

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે ફરી એકવખત કે. કૈલાસનાથનની (K.Kailasanathan) નિયુક્તિ કરવામાં આવી છે. કે. કૈલાસનાથને ફરી એક વખત એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કરતા કે. કૈલાસનાથન 2013માં સેવા નિવૃત્ત થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે તેમની વિશેષ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદથી લઈ અત્યાર સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે કે. કૈલાસનાથનની નિમણૂક કરવામાં આવી રહી છે. તેમને આનંદીબેન પટેલ અને ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરી એક્સટેન્શન આપવામાં આવતું રહ્યું છે. હવે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પણ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે કે. કૈલાસનાથનને ફરી એકવખત એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કેન્દ્ર સરકારના ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે.મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કેન્દ્ર સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ.હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠૌરની નિમણૂક કરવામાં આવી છે.

તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે
ડૉ.હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી તા.30 નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયાં છે. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેઓ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયાં છે.

પદ્મશ્રી” થી શ્રી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યાં છે
વર્ષ 2018માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી” થી શ્રી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.ડૉ. હસમુખ અઢિયા તથા એસ.એસ.રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશોના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધીનો રહેશે.

Most Popular

To Top