Charchapatra

ચીબાવાલાના મસાલાની કમાલ

 ‘ગુજરાતમિત્ર’ અખબારની ‘પેઢી નામા’ની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઝાંપાબજારની મુલાકાતે પધારી છે. 7મી એપ્રિલના રોજ જાણીતા 93 વર્ષ પુરાણી ગાંધી ‘ચીબાવાલા’ની પેઢીના વિવિધ પ્રકારના મસાલા વિશે વિશેષ વિસ્તારથી નોંધ લીધી છે. મૂળ અમારો પરિવાર ઝાંપાબજારમાં રહેતો હતો. સંજોગવશાત્ ઝાંપાબજાર છોડીને 1992માં ગોપીપુરાના ‘આવિષ્કાર’માં વસી ગયો. ઝાંપાબજારના આસપાસના વિસ્તારના ઘરેઘરના લોકો સાથે અહીં દૂરદૂરથી વસતા અસ્સલ સુરતી વસતાં લોકો આ દુકાનના મસાલાની ખરીદી માટે નિયમિત આવે છે.

સલાબતપુરાની શુભ પ્રસંગની ઉજવણી બાદ ખત્રી સમાજમાં પૂંછડાની વિધિમાં ‘તપેલું’ બનાવવામાં આવે છે. એ સ્પેશ્યલ ‘તપેલા’માં ચીબાવાલાનો નોનવેજ મસાલો નાંખવામાં આવે છે. એના કારણે ‘તપેલા’ની મજા ઓર વધી જાય છે. એ ‘તપેલા’ની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. વેજ અમિતાભ બચ્ચન અને નોનવેજ સલમાન ખાન પરિવાર માટે પણ આ દુકાનનો મસાલો વાપરવામાં આવે છે એની ‘મિત્ર’ અખબારમાં પણ વિશિષ્ટ નોંધ લેવામાં આવી છે. ચીબાવાલાના આ મસાલાની મોનોપોલી હજુ આજે પણ અકબંધ રહી છે એ હકીકત છે.
સુરત     -જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રતિશોધાત્મક ન્યાય
વિરોધ પક્ષના એક બડ્બોલા નેતાએ બે એક વર્ષ પહેલાં કર્ણાટક રાજ્યની એકાદ જાહેર સભામાં રાજકીય પ્રવચન આપતી વખતે ચોર ચોક્કસ અટકધારીઓ જ શા માટે હોય છે એવો તીખો મમરો મૂક્યો અને આ બાજુ હજારો કી.મી. દૂર સુરતમાં એનો પડઘો પડયો. એ અટકધારી સત્તાધારી પક્ષના એ નેતા પર કેસ કરી દીધો ! પછીથી ફરિયાદીએ પોતે જ એ કેસ કોર્ટ પાસે સસ્પેન્શન હેઠળ મુકાવી પણ દીધો. ! પરંતુ વિ. પક્ષના એ નેતાએ સત્તાપક્ષના સુપ્રીમો અને એક ખૂબ મોટા ઉદ્યોગપતિના સંબંધો બાબત લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યાના ઘટનાક્રમ પશ્ચાત્ ફરિયાદી દ્વારા ત્વરિત ધોરણે માનહાનિનો એ કેસ કોર્ટ પાસે ફરી ખોલાવવામાં આવ્યો અને તાજેતરમાં એ કેસનો ચુકાદો આપતાં કોર્ટે વિ. પક્ષના એ નેતાને બે વર્ષની સજા કરી અને એ આધાર પર તાત્કાલિક ધોરણે તેમની લોકસભા મેમ્બરશીપ પણ રદ કરવામાં આવી. !

ઉપરોક્ત સમગ્ર ઘટનાક્રમ જોતાં એ તારણ પર સહેજે આવી શકાય કે વિ. પક્ષના નેતા દ્વારા પ્રવચન દરમ્યાન વાકપ્રવાહમાં બોલાયેલા એક વિધાન માટે કોર્ટ કેસ થવાની. તે એકવાર બંધ કરાવી ફરી ખોલાવવાની તેમજ તેમની લોકસભા સભ્યતા યુધ્ધના ધોરણે રદ કરવાની બાબતમાં કોઈ જાતિ વિશેષતા (કથિત) અપમાન કરતાં રાજકીય પ્રતિશોધની ભાવના અને વિ. પક્ષના એ નેતાને નમાવવાની, તેમને પ્રતાડવાની અને તેઓ સત્તાધારી પક્ષ માટે મોટી મૂંઝવણ ઊભી ન કરે એ નેમ વિશેષ કામ કરી ગઈ હોવી જોઈએ.  આને આપણે પ્રતિશોધાત્મક ન્યાયની શ્રેણીમાં ન મૂકી શકીએ? મહાભારત ગ્રંથમાં પ્રતિશોધાત્મક ન્યાયનાં અનેક ઉદાહરણ જોવા મળે છે.  પ્રતિશોધાત્મક ન્યાય વ્યકિત, સમાજ કે દેશ, કોઈનું ભલું કરતો નથી.
નવસારી – કમલેશ મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top