ઝઘડિયા: ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પર આજથી 28 વર્ષ પહેલાં વીજચોરીના પાંચ જેટલા કેસો થયા હતા. જેનો હાલ ચુકાદો આવ્યો છે અને તેમાં છોટુભાઈ તમામ કેસોમાં કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. છોટુભાઈ વસાવાએ આ અંગે પોતાને જે-તે સમયે રાજકીય અદાવતના કારણે ફસાવાયો હતો તેમ જણાવ્યું હતું.
સમગ્ર ઘટનાની હકીકત એમ છે કે 1993ના વર્ષમાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ધારોલી ગ્રામ પંચાયતના બોરમાંથી લાઈન જોડી વીજચોરી કરાતી હોવાની શકના આધારે ફરિયાદ વાલિયા જીઇબીના જુનિયર એન્જિનિયર કે.એમ.પરમાર તેમજ એમ.એ.ભાવસાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બે વીજ ચોરીની ફરિયાદો પણ આર.પી.ગોટાવાલા તેમજ એમ.એ.ભાવસાર દ્વારા છોટુભાઈ વસાવા સામે શકના આધારે ફરિયાદો કરવામાં આવી હતી. આ સમગ્ર કેસો પણ ગુજરાત હાઇકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ભરૂચ દ્વારા રેડ માર્કિંગ કરવાનો હુકમ કરાતાં સમગ્ર કેસો પાંચ વર્ષ જૂના હોવાથી રેડ માર્કિંગ કરાયાની નોંધ પણ કરાઈ હતી. જો કે, સમગ્ર કેસો ફરીથી રિઓપન કરી ટ્રાયલ ચલાવવામાં આવતાં 28 વર્ષ સુધી ચાલેલા આ વીજચોરીના કેસોમાં ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાને નિર્દોષ જાહેર કર્યા હતા.
નિર્દોષ જાહેર થતાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનતાદળનું શાસન હતું. ત્યારે ચીમનભાઈ પટેલ તમામ જનતાદળના ધારાસભ્યોને લઈને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તે સમયે તેમનો વિરોધ કરી કોંગ્રેસમાં ન જતાં રાજકીય અદાવતમાં મારી અમે ખોટા વીજચોરીના કેસો ઊભા કરી મને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જો કે, પહેલાં કોંગ્રેસ અને હવે ભાજપ આવી સાજીસો કરી રહી છે. સત્તા મેળવવા માટે યેનકેન પ્રકારે આવા પેંતરા રચાતા હોય છે.