Comments

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના ચક્રવ્યૂહમાં છગન ભુજબળ ફેંકાઈ ગયા છે

રાજકારણનું બીજું નામ તકવાદ છે. તકવાદી બનવું તે રાજકારણમાં ગુનો નથી ગણાતો પણ ગુણ ગણાય છે. જેને તકનો લાભ ઉઠાવતાં આવડે તે સફળ રાજકારણી ગણાય છે. જે તક ગુમાવે તે નિષ્ફળ રાજકારણી બની જાય છે અને સત્તાથી ફેંકાઈ જાય છે. રાજકારણમાં કોઈ સગું નથી હોતું કે કોઈ વહાલું નથી હોતું. રાજકારણનાં તમામ ખેલાડીઓની સગી સત્તા હોય છે અને વહાલી પણ સત્તા હોય છે. સત્તા ખાતર તેઓ સગાંને પણ દગો દેતાં અચકાતાં નથી.

સત્તા અને સ્વાર્થ ખાતર તેઓ પોતાની નજીકનાં માણસોનો ઉપયોગ કરીને તેમની જરૂર પૂરી થઈ જાય ત્યારે તેમને દૂધમાંથી માખીને ફેંકી દેવાય તેમ નકામા થઈ ગયેલા માણસને ફેંકી દેતાં અચકાતાં નથી. ૭૯ વર્ષના છગન ભુજબળ તાજેતરમાં સત્તાના આ સ્વાર્થી રાજકારણનો શિકાર બની ગયા છે. એનસીપીમાં સૌથી વરિષ્ઠ નેતા ગણાતા છગન ભુજબળને આ વખતે કેબિનેટમાં સ્થાન નથી મળ્યું, કારણ કે તેઓ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતા અજિત પવાર વચ્ચેની સોદાબાજીમાં ફસાઈ ગયા છે. છગન ભુજબળની વ્યથા રાજનીતિની કાયમી કથા છે.

ઓબીસી નેતા ભુજબળ નારાજ છે અને તેમણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. છગન ભુજબળને કેમ કેબિનેટમાંથી બહાર રાખવામાં આવ્યા તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. ભાજપ અને એનસીપીના મોટા નેતાઓ આ અંગે મૌન છે. મિડિયા રિપોર્ટ અનુસાર દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની એકબીજા સાથેની મિલીભગતને કારણે તેમણે પ્રધાનપદું ગુમાવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસને જરૂર હતી ત્યારે મરાઠા આંદોલનમાં ઢાલ તરીકે તેમણે ભુજબળનો ઉપયોગ કર્યો, પણ હવે જરૂર પૂરી થઈ ગઈ છે. મરાઠાઓની નારાજગીને ટાળવા માટે દેવેન્દ્ર ફડણવીસે પોતાની જાતને છગન ભુજબળથી દૂર કરી દીધી હતી જ્યારે અજિત પવારે તેમનું વધતું કદ જોઈને તેમને કદ પ્રમાણે વેતરી નાખ્યા હતા. છગન ભુજબળ એનસીપીમાં સત્તાના સમાંતર કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા હતા. જો કે, મહાયુતિ મંત્રીમંડળની રચનામાં ત્રણેય મુખ્ય પક્ષોના મોટા નેતાઓએ એકબીજાની ઈચ્છાને માન આપીને ઘણા દાવેદારોને મંત્રીમંડળની બહાર રાખ્યા હતા.

અગાઉની એકનાથ શિંદે સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય મંત્રી ઉપરાંત ગૃહમંત્રી પણ હતા. મરાઠા આંદોલન દરમિયાન મનોજ જરાંગે પાટીલે દેવેન્દ્ર ફડણવીસને સૌથી વધુ નિશાન બનાવ્યા હતા. જાલનાના અંતરવાલી ગામમાં ભૂખ હડતાળ દરમિયાન ભીડ પર પોલીસ લાઠીચાર્જ માટે પણ તેમણે દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ઠેરવ્યા હતા. તત્કાલીન નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ મૌન રહ્યા હતા અને તેમણે મનોજ જરાંગેનો સામનો કરવા માટે ઓબીસી નેતા છગન ભુજબળને આગળ કર્યા હતા. ત્યાર બાદ એક સમય એવો આવ્યો કે જ્યારે મરાઠા આરક્ષણના મુદ્દે ભુજબળ અને જરાંગે સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ હતી. મનોજ જરાંગે પાટીલે છગન ભુજબળ પર ભાજપ માટે કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ સમગ્ર વિવાદ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે પડદા પાછળ રહીને ભુજબળને બળ આપ્યું હતું. ચૂંટણીમાં મહાયુતિના વિજય બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે રણનીતિ બદલી અને ૩૨ ટકા મરાઠાઓની નારાજગીથી બચવા માટે ભુજબળને કેબિનેટમાંથી હટાવી દીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ માનતા હતા કે જો છગન ભુજબળ તેમની ટીમનો હિસ્સો હશે તો સરકાર ચલાવવી મુશ્કેલ બની જશે. ભુજબળ અને મનોજ જરાંગે બંને ઓબીસી મરાઠા આરક્ષણના મુદ્દે એકબીજા પર નિશાન સાધવાનું ચાલુ રાખશે, જેને કારણે સરકારની કામગીરી પરથી લોકોનું ધ્યાન હટશે અને મરાઠા આંદોલન કદાચ પાછું ચાલુ થઈ જાશે.

જો કે ભાજપના નેતાઓએ તેને એનસીપીનો આંતરિક મામલો ગણાવ્યો હતો. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના વડા અજિત પવાર સમક્ષ છગન ભુજબળને બહાર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અજિત પવાર પણ કદાચ ભાજપના આવા પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા હતા. છગન ભુજબળ સત્તામાં હોય ત્યાં સુધી અજિત પવાર માટે તેઓ વરિષ્ઠ નેતા તરીકે મૂંઝવણો ઊભી કરે તેમ હતા. તેમને પડતા મૂકવાથી ખાસ કોઈ નુકસાન થાય તેમ ન હોવાથી તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો છે.

અજિત પવારે પણ એક કાંકરે અનેક નિશાન સાધ્યાં છે. તેઓ દેવેન્દ્ર ફડણવીસના આગ્રહ મુજબ છગન ભુજબળને મંત્રી ન બનાવવા માટે સંમત થયા હતા. તેની સામે તેમણે દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ તે ત્રણ નેતાઓને કેબિનેટમાં ન રાખવાની શરત પણ મૂકી હતી, જેમણે તેમના અને શરદ પવાર પરિવાર વિશે કઠોર નિવેદનો આપ્યાં હતાં. તેમાં ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર, શિવસેનાના નેતા તાનાજી સાવંત અને શિવસેનાના ધારાસભ્ય વિજય શિવતારેનો સમાવેશ થાય છે. તાનાજી સાવંતે કહ્યું હતું કે જ્યારે પણ તેઓ કેબિનેટની બેઠકમાં અજિત પવાર સાથે બેસે છે ત્યારે તેમને ઉબકા આવે છે. ગોપીચંદ પડલકરે શરદ પવાર અને અજિત પવારની પણ ઘણી ટીકા કરી હતી. એનસીપીએ શિવસેના સાથે ગઠબંધન હોવા છતાં વિજય શિવતારે સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. અજિત પવારની જીદને કારણે શિવતારે ચૂંટણી જીત્યા છતાં મંત્રી બની શક્યા ન હતા. કેબિનેટની રચના બાદ એનસીપીના પ્રવક્તાએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારી પાર્ટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓ કેબિનેટમાં નથી.

છગન ભુજબળ મહારાષ્ટ્રના મોટા ઓબીસી નેતા ગણાય છે. પ્રધાનમંડળમાંથી પડતા મૂકાયા પછી તેઓ પોતાનું શક્તિપ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે તેમણે ઓબીસી સમુદાય માટે કામ કરતી સંસ્થા સમતા પરિષદની બેઠક બોલાવી છે. સમતા પરિષદનાં લોકો સાથે ચર્ચા કર્યા બાદ ભુજબળ તેમનાં આગામી પગલાંની જાહેરાત કરી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જો કે છગન ભુજબળ ૭૯ વર્ષની ઉંમરે પોતાનો નવો પક્ષ બનાવે તેવી ક્ષમતા તેમનામાં નથી. અખિલ ભારતીય મહાત્મા ફૂલે સમતા પરિષદની સ્થાપના ૧ નવેમ્બર ૧૯૯૨ના રોજ છગન ભુજબળ દ્વારા કરવામાં આવી હતી. છગન ભુજબળની નારાજગી અંગે NCP તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. દેવેન્દ્ર ફડણવીસના પ્રધાનમંડળમાં ૧૭ ઓબીસી અને ૧૬ મરાઠાઓને સ્થાન મળ્યું છે.  મુસ્લિમ હસન મુશ્રીફ પણ મંત્રી બન્યા છે.

એક તરફ છગન ભુજબળે અજિત પવારને કેબિનેટમાં સ્થાન ન મળવા પર નિશાન સાધ્યું છે તો બીજી તરફ શિવસેના યુબીટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ છગન ભુજબળની નારાજગી પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ નાગપુરમાં કહ્યું કે જ્યારે છગન ભુજબળને કેબિનેટમાં સ્થાન મળશે તેવી વાતો ચાલી રહી હતી ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. ચોક્કસપણે છગન ભુજબળ તેનાથી પરેશાન છે. છગન ભુજબળના મંત્રીમંડળમાં સમાવેશ ન થવાથી અને અવગણના કરવામાં આવતા નારાજ થઈને નાસિક ગયા છે.

છગન ભુજબળનું કહેવું છે કે તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, કારણ કે તેમણે મરાઠા સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલનો વિરોધ કર્યો હતો અને તેઓ ઓબીસી સમુદાય માટે ઊભા રહ્યા હતા. છગન ભુજબળની ગણના મહારાષ્ટ્રના મોટા નેતાઓમાં થાય છે. શિવસેનામાંથી રાજકારણની શરૂઆત કરનાર છગન ભુજબળ શરદ પવારને પોતાના માર્ગદર્શક માને છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભુજબળ ભલે નારાજગી દર્શાવી રહ્યા હોય પણ આખરે તેઓ રાજ્યસભાની બેઠક માટે રાજી થઈ જાય તેવી પૂરી શક્યતા છે. કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે પાર્ટીમાં બાકાત થઈ ગયા બાદ ભુજબલ અજિત પવારની એનસીપી છોડી શકે છે. જો કે હાલમાં પાર્ટી છોડવા કરતાં તેઓ જે મળે તે સ્વીકારીને યોગ્ય તકની રાહ જોવાનું પસંદ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top